Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

હોટેલમાંથી મળેલી સગીરાને સંતોષ સાથે પ્રેમ થઇ જતાં બે મહિના પહેલા પરિવારને છોડીને ભાગી'તી જેથી સંતોષે હોટેલમાં રાખી'તી

સગીરાને વેંચવાનો ઇરાદો ન હોવાનું સ્પષ્ટ થયું: જો કે મથુરા ગયેલો સંતોષ મળ્યા પછી સાચી વિગતો ખુલી શકે : સગીરાના માતા-ભાઇઓ હુડકો ચોકડી નજીક રહે છેઃ આ બધાને સંતોષ કામ કરવા લાવ્યો હતોઃ રહેવાની જગ્યા ન હોઇ પોતાના કારખાનામાં રહેવા દીધા'તાઃ સગીરાના માતા-ભાઇઓને સંતોષ સામે કોઇ ફરિયાદ કરવી નથી : સંતોષને હોટેલનું મસમોટુ ભાડુ કેમ પોષાયું હશે?!

રાજકોટ તા. ૧૯: સદર બજારની હોટેલના રૂમમાંથી મળી આવેલી સગીરાનું કાઉન્સેલીંગ થતાં એવું સ્પષ્ટ થયું છે કે તેને વેંચવાના ઇરાદે હોટેલના રૂમમાં રખાઇ નહોતી. તે હુડકો ચોકડી પાસે કારખાનામાં પરિવાર સાથે રહેતી હતી. રહેવાની વ્યવસ્થા તેને સંતોષે કરી આપી હતી. સંતોષ સાથે સગીરાને પ્રેમ થઇ જતાં તે બે મહિના પહેલા આ કારખાનાવાળા રહેણાંકથી ભાગી ગઇ હતી. તે પરિવાર સાથે રહેવા ઇચ્છતી ન હોઇ જેથી સંતોષે તેણીને હોટેલમાં રાખી હોવાનું સામે આવ્યું છે. પણ સવાલ એ છે કે સંતોષને બે મહિના સુધી હોટેલના રૂમનું મસમોટુ ભાડુ કેમ પોષાયું હશે?

મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.આર. પટેલ મેડમના જણાવ્યા મુજબ સગીરા હોટેલના રૂમમાંથી મળી આવ્યા પછી સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાં રાખવામાં આવી છે. અહિ તેનું અમારી ટીમ તથા જીલ્લા બાળ સુરક્ષા અધિકારી અને એનજીઓ દ્વારા કાઉન્સેલીંગ કરવામાં આવતાં તેણીના માતા-ભાઇઓની માહિતી મળી હતી. હુડકો ચોકડી નજીકના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં તેના માતા-ભાઇઓ રહેતા હોઇ તેમને બોલાવી પુછપરછ કરી નિવેદન નોંધાયા હતાં.

સગીરાના માતા-ભાઇઓએ કહ્યું હતું કે અમે ચારેક વર્ષથી રાજકોટ રહીએ છીએ અને કારખાનામાં કામ કરીએ છીએ. સગીરાના પિતાજીનું થોડા સમય પહેલા અવસાન થઇ ગયું છે. સગીરા ત્રણેક મહિના પહેલા માતા તથા બહેન સાથે યુપીથી રાજકોટ આવી હતી. અહિ આ બંને પણ ભાઇઓ સાથે રહેવા માંડી હતી. પરંતુ અહિ જગ્યા ટુંકી પડતી હોઇ સંતોષે કુશવાહાએ પોતાના કારખાનામાં સગીરા અને તેના માતા, બહેનને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. એ પછી સગીરાને સંતોષ સાથે પ્રેમ થઇ ગયો હતો.

આજથી બે મહિના પહેલા તે કારખાનેથી નીકળી ગઇ હતી. સંતોષને તે મળતાં અને પોતાને માતા સાથે રહેવું ન હોઇ જેથી સંતોષે તેને હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. જો કે સંતોષ હાલમાં મથુરા તરફ ગયો હોઇ ખરેખર આ વિગતો સાચી છે કે કેમ? તે સંતોષ મળ્યા પછી સ્પષ્ટ થશે. બીજી તરફ એવો સવાલ પણ ઉભો થયો છે કે સંતોષને બે મહિના સુધી રોજનું મસમોટુ હોટેલનું ભાડુ કેમ પોષાયું હશે?

સગીરાના ભાઇઓ કે માતાએ પોતાને સંતોષ સામે કે બીજા કોઇ સામે કોઇપણ પ્રકારની ફરિયાદ કરવી ન હોવાનું કહ્યું છે. સગીરાને હાલમાં સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પીઆઇ એસ. આર. પટેલ, ઇકબાલભાઇ શેખ, હિતેન્દ્રભાઇ ગઢવી, બાળ સુરક્ષા અધિકારીની ટીમ વધુ તપાસ કરે છે.

દાસભાઇ, જયશ્રી અને મેનેજર મેહુલ જેલહવાલે

હોટેલ માલિકની પણ ધરપકડઃ દારૂ પ્રકરણમાં પણ એક પકડાયો

. હોટેલ પાર્ક ઇનમાં સગીરાને ગોંધી રખાયાની માહિતી સાથે પહોંચેલી પોલીસને એક રૂમમાં કૂટણખાનુ ચાલતું હોવાનું જાણવા મળતાં આ મામલે પ્ર.નગર પોલીસમાં ગુનો નોંધાયો હતો. પોલીસે પ્રભુદાસ ઉર્ફ દાસભાઇ કક્કડ, જયશ્રી ચાવડા અને મેનેજર મેહુલ ચોટલીયા સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. એક રૂમમાંથી દારૂની બાટલી મળી હોઇ એ ગુનામાં પણ મેહુલની સંડોવણી ખુલી હતી. પોલીસે હોટેલના માલિક હિમાંશુ કૃષ્ણકાંતભાઇ મહેતાની અને રૂમમાંથી દારૂની બોટલ મળી હોઇ વિપુલ વસંતભાઇ રાઠોડની પણ ધરપકડ કરી હતી. જે પૈકીના દાસભાઇ, જયશ્રી અને મેહુલ જેલહવાલે થયાનું જાણવા મળયું છે. પીઆઇ એલ. એલ. ચાવડા અને  ટીમ આ કેસની તપાસ કરે છે.

(4:35 pm IST)