Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

જેટકો ચોકડીએ નવો ફિલ્ટર પ્લાન્ટ : આવતા વર્ષે ચાલુ થશે : વોર્ડ નં. ૧૧ - ૧૨માં પાણીની નિરાંત થશે

૪૨.૫૦ કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ ૫૦ એમ.એલ.ડી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેતા પદાધિકારીઓ

રાજકોટ તા. ૧૯ : શહેરમાં જેટકો ચોકડીએ નિર્માણ થઇ રહેલ ૫૦ એમ.એલ.ડી.નો ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત થયા બાદ મવડીના વોર્ડ નં. ૧૧ અને ૧૨માં પાણીની સમસ્યા કાયમી ઉકેલાઇ જશે. આ ફિલ્ટર પ્લાન્ટનું કાર્ય ગતિમાં છે. તેની સ્થળ મુલાકાત મેયર સહિતના પદાધિકારીઓએ લીધી હતી.

આ અંગેની વિગતો મુજબ મહાનગરપાલિકા દ્વારા શહેરની  હદમાં નવા ભળેલા વિસ્તારો તેમજ શહેરમાં પીવાનું પાણી સુવ્યવસ્થિત મળી રહે તે માટે વોટર વર્કસ વિભાગ દ્વારા જુદા જુદા કામો કરી રહેલ છે. જેના અનુસંધાને વોર્ડ નં.૧૧ જેટકો ચોકડી ખાતે રૂ.૪૨.૫૦ કરોડના ખર્ચે બની રહેલ ૫૦ MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થળ મુલાકાત લેતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોટરવર્કસ સમિતિના ચેરમેન દેવાંગભાઈ માંકડ, વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર રણજીતભાઈ સાગઠીયા, વિનોદભાઈ સોરઠીયા, ભારતીબેન પાડલીયા, લીલુબેન જાદવ, પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ બોરીચા, વોર્ડના પ્રભારી રાજુભાઈ માલધારી, પ્રમુખ સંજયભાઈ પીપળીયા, મહામંત્રી સંજયભાઈ બોરીચા, ભાજપ અગ્રણી ફર્નાન્ડીઝ પાડલીયા, સિટી એન્જી. કામલીયા, ડે.એન્જી.ટોળીયા, વિગેરે ઉપસ્થિત રહેલ. 

પ્લાન્ટ ઝીરો લીકવીડ ડીસ્ચાર્જ પ્રકારનો બનાવવાનો હોય, જેમાં ફિલ્ટર બેડને બેક વોશ કરતા તેમાંથી નીકળતું બેક વોશ પાણી ફરીથી રી-સાયકલ કરી ઉપયોગ લેવામાં આવશે.

પ્લાન્ટ આધુનિક SCADA ટેકનોલોજીઆધરિત ઓટોમેશન પદ્ઘતિથી કાર્યરત રહેશે. પ્રોજેકટનો લાભ રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નં.૧૧ અને ૧૨માં આવેલ મવડી વિસ્તાર તથા ટી.પી. સ્કીમ નં.૨૫,૨૬,૨૭ તેમજ વાવડી વિસ્તારના હાલમાં અંદાજીત ૮૦,૦૦૦ શહેરીજનો તથા ભવિષ્યની સને-૨૦૩૨ની અંદાજીત ગણતરી મુજબ ૨ લાખથી વધુ શહેરીજનોને સદરહુ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની પાઈપ લાઈન દ્વારા પાણી પુરૂ પાડવા માટે લાભ મળશે.

પ્રોજેકટ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થશે. ૫૦ એમ.એલ.ડી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૩ એમ.એલ.ડી. ઈ.એસ.આર. અને ૨૭ એમ.એલ.ડી. જી.એસ.આર. નું કામ પ્રગતિ હેઠળ છે.

આ નેટવર્ક દ્વારા જીવરાજ પાર્ક કેવલમ ટેર્નામેન્ટસ, કોપર એલીગ્ન્સ, ઇસ્કોન હાઈટ્સ, સાકેત સાઈટ્સ, અમી રેસીડેન્સી, શાલીભદ્ર એપાર્ટમેન્ટ, ચોકલેટ એવન્યુ, ડ્રીમસિટી એપાર્ટમેન્ટ, અશોપાલવ કોર્નર, ગોલ હાઈટ્સ, શ્ય્માલ સ્કાય લાઈફ, ધ કોર્ટયાર્ડ, આદર્શ ડ્રીમસિટી ફલેટ્સ, જીવરાજ પાર્ક ટેર્નામેન્ટસ, જીવરાજનગરી ફલેટ્સ, કોપરસેન્ડ એપાર્ટમેન્ટ, વસંતવાટીકા એપાર્ટમેન્ટ, શ્રી વલ્લભ એપાર્ટમેન્ટ-(૧) તથા (૩), શાંતિવન બગ્લોઝ, શાંતિવન પરમ ફલેટ્સ, કસ્તુરી રેસીડેન્સી, કસ્તુરી એવીએરી ફલેટ્સ, કસ્તુર કેસલ ફલેટ્સ, આર્યલેન્ડ રેસીડેન્સી, શાંતિવન પરિશર, આર્યશ્રી રેસિડેન્સી, આર્યશ્રી ફલેટ્સ, શ્યામલ કુંજ એપાર્ટમેન્ટ, આર.એમ.સી. આવાસ યોજના, ભારતનગર આવાસ યોજના કુલ-૨, કોસ્મોપ્લેકસ એપાર્ટમેન્ટ, ફ્રેન્ડ્સ હાઈટ્સ, ધ લીક એપાર્ટમેન્ટ તથા અંબિકા ટાઉનશીપ અંદરના અન્ય વિસ્તારોને લાભ મળશે.

ઉકત કામનું ગત વર્ષ તા.૧૪ જુલાઇના રોજ ખાતમુહુર્ત કરવામાં આવેલ. જુન ૨૦૨૨માં કામ પૂર્ણ થશે. સમયમર્યાદામાં કામ પૂર્ણ થાય તેમ પદાધિકારીઓએ એજન્સી અને અધિકારીને જણાવેલ.

(3:40 pm IST)