Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

મંદ પડી ગયેલ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે વધુ આગળ ધપશે કોઈ જગ્યાએ ભારે વરસી જાયઃ હવામાન ખાતુ

ચોમાસુ આગળ વધશેઃ સાર્વત્રિક નહિ, છુટોછવાયો ચાલુ રહેશે

રાજકોટમાં ગઈસાંજે ઝાપટુ પડી ગયા બાદ આજે સવારે દેધનાધન વરસીગયોઃ સાંજે પણ વરસાદની સંભાવના

રાજકોટમાં સવારે ધોધમાર રાજકોટ શહેરમાં છેલ્લા બે- ત્રણ દિવસથી હળવા ભારે ઝાપટાથી દોર ચાલુ છે. દરમિયાન આજે સવારે પણ જોરદાર  ઝાપટુ વરસી ગયા બાદ ૧૦:૧૫ વાગ્યાની આસપાસ જોરદાર તૂટી પડયો હતો. ઓફિસ અને દુકાનો ખોલવા જઈ રહેલા વેપારીઓ પલળી ગયા હતા.(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૧૯: સૌરાષ્ટ્ર- ગુજરાત માટે સારા સમાચાર છે. મંદ પડી ગયેલું ચોમાસુ આજે આગળ વધશે. હાલ સાર્વત્રિક નહિ પણ છુટાછવાયા સ્થળોએ વરસવાનું ચાલુ રહેશે. ઝાપટાથી માંડી એકાદ બે સ્થળોએ લોકલ ફોર્મેશનની અસરથી ભારે વરસી જાય. તેમ હવામાન ખાતાના સુત્રોએ જણાવ્યું છે.

છેલ્લા બે- ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક સ્થળોએ મેઘરાજા વરસી જાય છે. ગઈકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક શહેરોમાં પાંચ ઈંચ  વરસી ગયો છે.

દરમિયાન રાજકોટ શહેરની વાત કરીએ તો શહેરમાં ગરમીનું જોર ઘટયું છે. તાપમાન ૪૦ ડીગ્રી આસપાસ ઘુમી રહ્યું છે. પરંતુ અસહય ઉકળાટ બફારા પ્રવર્તતી રહયો છે. છેલ્લા બે થી ત્રણ દિવસથી સાંજના સમયે હળવા ભારે ઝાપટા વરસી જાય છે. જેની અસરથી દિવસ દરમ્યાન અકળાયેલા લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. ગઈકાલે સાંજે પણ જોરદાર ઝાપટુ વરસી ગયું હતું. બાદ આજે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ૮:૩૦ વાગ્યાની આજુબાજુ એકાએક જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. પંદરેક મિનિટ વરસાદનું જોર રહ્યું હતું. આજે સવારે ૮.૨ મી.મી. પાણી પડી ગયું હતું. ત્યારબાદ સવારે ૧૦:૧૫ વાગ્યાની આસપાસ ફરી જોર પડકયું હતું. ૩૦ મિનિટ સુધી એકધારો ચાલુ રહ્યો હતો. આજે સાંજે પણ મેઘરાજા પધરામણી કરે તેવી આશા છે.

હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું કે ચોમાસુ ફરી ધીમે- ધીમે આગળ વધ્યું છે. જો કે સાર્વત્રિક ભારે વરસાદની શકયતા નથી પરંતુ છુટાછવાયા સ્થળોએ વરસાદ પડે. પુરતા ભેજ અને વાદળોના પ્રમાણના લીધે કોઈ-કોઈ જગ્યાએ ભારે વરસી જાય.

(11:16 am IST)