Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

સાધુ વાસવાણી રોડ મેનોર એપાર્ટમેન્ટમાં રહેતાં વેપારી પોતાના સેલ્સમેન અને ડ્રાઇવર સાથે બુધવારે વડોદરા દાગીના વેંચવા ગયા'તા

રાજકોટના વેપારી વડોદરા છાણી સર્કલે ગાઠીયા ખાવા ઉભા અને કારનો કાચ તોડી ૨.૩૫ કરોડના દાગીનાની ઉઠાંતરી

સોની બજાર ગોલ્ડન માર્કેટમાં વી. રસિકલાલ અને એચ. રસિકલાલ નામે જ્વેલર્સની દૂકાનોમાં ટ્રેડિંગનું કામ કરતાં વિપુલભાઇ ધકાણ તેના સેલ્સમેન જલ્પેશભાઇ લાઠીગ્રા અને ડ્રાઇવર પ્રફુલભાઇ ડાંગર સાથે ગયા હતાં: ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ : વેપારી ઘટનાથી ગભરાઇ જતાં પોલીસને જાણ ન કરી શકયાઃ રાજકોટ ભાઇઓને વાત કરી અને ભાઇઓએ વડોદરા પોલીસને ફોન કરી જાણ કરતાં પોલીસ છાણી સર્કલે પહોંચી : કુલ પોણા છ કિલો સોનુ હતું: તેમાંથી ૮૫૦ ગ્રામ વેંચી નાંખ્યું હતું : બે બાઇક સ્વાર આવ્યા, એકે ડ્રાઇવર સાઇડનો કાચ તોડ્યો, અંદર ડિક્કીનું બટન દબાવી ડિક્કી ખોલી, બીજાએ દાગીના ભરેલા બે થેલા ઉઠાવી લીધા : બુધવારે વડોદરા પહોંચ્યા, અમુક દાગીના વેંચ્યા, ગુરૂવારે રાત રોકાયા, શુક્રવારે પરત આવાવ નીકળતા'તા ત્યારે ડ્રાઇવરે કહ્યું-છાણી સર્કલે ગાંઠીયા ખુબ સારા મળે છે, આ સાંભળી વેપારીએ કહ્યું-તો હવે ગાંઠીયા ખાઇને પછી જ રાજકોટ જઇશું

તસ્વીરમાં રાજકોટમાં કોઠારીયા નાકા પાસે આવેલી વી. રસિકલાલ નામની વેપારીની પેઢી તથા વડોદરા છાણી સર્કલ પાસે જ્યાં ઉઠાંતરીની ઘટના બની તે સ્થળની તસ્વીરોમાં વેપારી અને તેમના સેલ્સમેન, ડ્રાઇવર પાસેથી માહિતી મેળવતી પોલીસની ટીમ જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૯: શહેરના સોની બજાર ગોલ્ડન માર્કેટમાં વી. રસિકલાલ તથા એચ. રસિકલાલ જ્વેલર્સ નામે પેઢી ધરાવતાં અને સાધુ વાસવાણી રોડ પર મારૂતિ મેનોર એપાર્ટમેન્ટમાં નવમા માળે રહેતાં સોની વેપારી વિપુલભાઇ રસિકલાલ ધકાણ (ઉ.વ.૪૯)ની કારનો કાચ વડોદરામાં બે શખ્સો તોડી ડેકી ખોલવાનું બટન દબાવી પાછળની ડેકી ખોલી અંદરથી રૂ. ૨ કરોડ ૩૫ લાખનું પાંચ કિલો સોનુ ભરેલી બે સ્કૂલ બેગ ચોરી ભાગી જતાં સનસનાટી મચી ગઇ છે. વડોદરા ફતેહગંજ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સોની વેપારી અને તેના બે સેલ્સમેન દાગીના વેંચવા વડોદરા ગયા હતાં. રાજકોટ પરત આવતી વખતથે ડ્રાઇવરે 'છાણી સર્કલ પાસે ગાંઠીયા બહુ સારા મળે છે' તેમ કહેતાં વેપારીએ 'તો હવે ગાંઠીયા ખાઇને પછી જ રાજકોટ જઇશુ' તેમ કહી છાણી સર્કલ પાસે કાર લીધી હતી અને ગાંઠીયા ખાવા ઉભા રહ્યા હતાં ત્યારે આ બનાવ બની ગયો હતો.

પોલીસે આ બનાવમાં વિપુલભાઇ  ધકાણની ફરિયાદ પરથી બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૭૯, ૪૬૧, ૪૨૭, ૧૧૪ મુજબ ચોરીનો ગુનો નોંધ્યો છે. જે બેગ ચોરાઇ ગઇ તેમાં સોનાની બુટીઓ, વીટીઓ, સોનાની માળા, ચેઇન, પેન્ડન્ટ સહિતના આશરે પાંચ કિલો સોનાના દાગીના હતાં. વિપુલભાઇએ પોલીસને વિગતો આપતાં જણાવ્યું છે કે  હું રાજકોટ રહુ છું અને વી.રસીકલાલ તથા એચ.રસીકલાલ નામથી ગોલ્ડન માર્કેટ સેકન્ડ ફલોર બી/૯, બી/૬ કોઠારીયા નાકા, રાજકોટ ખાતે સોનીના ટ્રેડીગની દુકાનો ચલાવુ છું. આ બંને દુકાનો પૈકી હુ વી.રસીકલાલ નામની દુકાન ઉપર બેસુ છુ, અને મારા બે ભાઇ હીતેષભાઇ રસીકલાલ ધકાણ તથા હીરેનભાઇ રસીકલાલ ધકાણ એચ.રસીકલાલ નામ થી જવેલર્સની દુકાન ઉપર બેસે છે. આ તમામ દુકાનનો વહીવટ અમારા નાના ભાઇ હીરેનભાઇ રસીકભાઇ ધકાણ તથા હીતેષભાઇ રસીકલાલ ધકાણ કરે છે.

અમે સોના ચાંદીના દાગીનાનુ ટ્રેડીંગ કરી ધંધો કરીએ છીએ.  બુધવારે તા.૧૬/૬ના રોજ હુ તથા અમારા સેલ્સમેન જલ્પેશભાઇ દીનેશભાઇ લાઠીગરા (રહે.રધુવીર ટાવર મીલપરા રાજકોટ) તથા મારો ડ્રાઇવર પ્રફુલભાઈ રવજી ડાંગર (રહે, નવા થોરાળા-૧૩, રમેશ પા વાળી શેરી રાજકોટ)ને સાથે લઇ અમો ત્રણેય જણા મારી હોન્ડા અમેજ ગાડી નંબર જીજે૦૩એલઆર-૭૧૮૨ લઇને પોણા છએક કિલો સોનાના ઘરેણા જે અમોએ કારીગરો પાસેથી બનાવીને ખરીદેલા હતાં તે ઘરેણા જેમાં સોનાની બુટીઓ, વીટીઓ, સોનાની માળા, ચેઇન, પેન્ડન્ટ  વિગેરે બે સ્કૂલ બેગમાં પેક કરી અમારા ઘરેથી સવારના સાતેક વાગ્યે વડોદરા જવા નીકળ્યા હતાં.

 આ સોનાના ઘરેણાનું ટ્રેડીગ કરવા માટે અમે નીકળ્યા હતાં. વડોદરા ખાતે બપોરના એકાદ વાગે પહોંચ્યા હતાં અને અલકાપુરીમાં આવેલ સી.એચ. જવેલર્સમાં ગયા હતાં. જેમાં ૮૦૦થી ૮૫૦ ગ્રામ જેટલા વજનના દાગીના ત્યાં વેચાણ કર્યા હતાં. એ પછી અમે પંચશીલ હોટલ સર્કીટ હાઉસની સામે આવેલ છે તેમાં રોકાયા હતાં. બીજા દિવસે તા. ૧૭/૬ના રોજ અલકાપુરી ખાતે અલગ અલગ જવેલર્સની દુકાનો જેમાં એન.કે.નારાયણ, આર નારાયણ, તેમજ માંડવી ખાતે હરેકૃષ્ણ જવેલર્સ, ચકાભાઇ જવેલર્સ, પ્રભુદાસ જ્વેલર્સ, તેમજ ત્યાં બીજી એક જવેલર્સ જેનું નામ મને હાલમાં યાદ આવતું નથી એ તમામ દુકાનોમાં ટ્રેડીગ કરવા ગયા હતાં. જે પૈકી હરેકૃષ્ણ જવેલર્સમાં ૬૧ ગ્રામ સોનાનુ ટ્રેડીંગ કરેલું અને આશરે પાચેક કિલો સોનુ અમારી પાસે વધ્યું હતું. જે બે સ્કૂલ બેગમાં રાખ્યું હતું.

 ત્યારબાદ અમે રાત્રી રોકાણ  પંચશીલ હોટલમાં કર્યુહતું. ત્રીજા દિવસે એટલે કે શુક્રવારે સવારે  પોણા અગીયાર વાગ્યા આસપાસ અમારા ડ્રાયવરે મને જણાવેલ કે જકાત છાણી નાકા ખાતે ગાંઠીયા સારા મળે છે. આથી મેં કહેલું કે તો આપણે ગાંઠીયા ખાઇને રાજકોટ જવા નીકળીએ. એ પછી હોટેલથી દાગીના સાથેની બે સ્કૂલ બેગ મેં જ કારમાં મુકી હતી અને અમે છાણી જ. નાકા  સર્કલ ખાતે ગંગોત્રી ચેમ્બર્સની સામે રોડ ઉપર ગાડી મુકી ગાંઠીયાની દુકાને નાસ્તો કરવા ગયા હતાં. એ પછી સૌરાષ્ટ્ર પાન સેન્ટરમાં પાન મસાલો ખાવા ઉભા હતાં.  તે વખતે એક ભાઇએ અમોને જણાવેલ કે તમારી ગાડીની પાછળની ડેકી ખુલ્લી છે. આથી અમે ત્રણેય  જણા તુરત  મારી ગાડી પાસે આવ્યા હતાં અને તપાસ કરતાં પાછળની ડિક્કી ખુલી જોવા મળી હતી. તેમાંથી દાગીના ભરેલી બે બેગ ગાયબ હતી.

મારી કારનો આગળનો ડ્રાયવર સાઇડનો કાચ તુટેલ હતો. આ વખતે મારી ગાડીની નજીક ઉભેલા લારીવાળાએ જણાવેલ કે કોઇક બાઇકવાળા બે શખ્સો આવ્યા હતાં અને જે પૈકી એક શખ્સે તમારી ગાડીનો કાચ તોડી ડેકીનુ બટન દબાવી પાછળ ડેકી ખોલી તેમાની બે સ્કૂલ બેગ લઇને નાસી ગયેલ છે.  બંને બેગમાં આશરે પાચેક કિલો જેટલા સોનાના દાગીના જેની કિંમત આશરે રૂપીયા ૨,૩૫,૦૦,૦૦૦ (બે કરોડ પાત્રીસ લાખ) જેટલી ગણાય તે ચોરાઇ ગઇ છે.

વિપુલભાઇએ વધુમાં જણાવ્યું હતું કેઆ બનાવથી અમો ત્રણેય જણા ગભરાઇ ગયા હોઇ મારા ભાઇઓ સાથે વાત કરી હતી.  પોલીસમાં જાણ કરવી કે નહિ તેની અસંમજસમાં હતાં. આથી તાત્કાલીક નિર્ણય લઇ શકાયો નહોતો. અમે છાણી જકાત નાકા ખાતે ઉભા હતા અને મારા ભાઇઓએ વડોદરા ખાતે પોલીસમાં સંપર્ક કરી આ બનાવ બાબતે જાણ કરતા પોલીસ છાણી જ. નાકા આવી હતી અને અમે ફરિયાદ નોંધાવી હતી. ફતેહગંજ પોલીસ મથકના પીઆઇ બારીયા, શકિતસિંહે ગુનો નોંધ્યો હતો. તેમની સાથે ડીસીબી, એસઓજી સહિતની બ્રાંચના અધિકારીઓ પણ તપાસ કરી રહ્યા છે.

સ્કૂલ બેગમાં દાગીના સાથે બીલ અને ઇન્સ્યુરન્સની કોપી પણ હતી

સોનાના દાગીના સાથેની બે બેગ ઉઠાવી જવાઇ એ બેગમાં દાગીના સાથે તેના બિલો તેમજ ઇન્સ્યુરન્સની કોપી તથા તેને લગતા કાગળો હતાં. આ બીલો, ઇન્સ્યુરન્સની અન્ય કોપી વેપારી પાછળથી પોલીસમાં રજૂ કરશે.

(4:29 pm IST)