Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

આ સમાજ કયાં જઈ અટકશે !!!

થોડા સમય પહેલા રાજકોટમાં એક ઘટના સામે આવેલ હતી. એક પ્રોફેસર વ્યકિતએ તેની બિમાર માતાને અગાસી પરથી ફેંકીને હત્યા કરી. વર્તમાનપત્રો, સોશ્યલ મીડિયાએ આ વાતને ખૂબ વખોડી અને આ ઘટના ભારત જેવા દેશોમાં બને તે યોગ્ય પણ નથી. આપણે સૌ બાળકની સફળતા પાછળ દોટ મૂકીએ છીએ પણ બાળકમાં સંસ્કારનું સિંચન થાય છે કે નહિં તે ભૂલી જઈએ છીએ. પ્રોફેસર બનેલ વ્યકિત શિક્ષિત હતી અને દિકરાને શિક્ષિત બનાવવા પ્રોફેસર બનાવવા એ જ માતાએ જીવનભર મહેનત કરી હતી. પોતાની જ માંની હત્યા કરતાં તે દિકરાના હાથ ધ્રુજે. જેટલી દોટ આપણે શિક્ષણ પાછળ મૂકીએ છીએ તેટલી જ ચિંતા બાળકોમાં સંસ્કાર રોપણ થાય તેની પણ કરીએ. નહિંતર આ સમાજ કયાં જઈ અટકશે?!!

બીજી એક ઘટના થોડા સમય પહેલા અમદાવાદ શહેરની સામે આવેલ હતી. એક પ્રખ્યાત શાળામાં ધો.૯માં ભણતા વિદ્યાર્થીએ ધો.૨માં ભણતા વિદ્યાર્થીની શાળાના બાથરૂમમાં છરી મારી હત્યા કરી. વાલી મીટીંગ થવાની હતી. શિક્ષક પોતાના વાલીને મળીને તેના વિશે ફરીયાદ ન કરે તે હેતુથી વિદ્યાર્થીએ આ કૃત્ય કર્યુ. અતિ મોંઘીદાટ શાળામાં લાખોના ડોનેશન આપી પ્રવેશ મેળવી માતા-પિતાને લાગે છે કે તેઓ તેમના બાળકનો સર્વશ્રેષ્ઠ ઉછેર કરી રહ્યા છે. મોંઘા ગેઝેટ, હાથમાં થમાવી દેવાથી બાળકનો ઉત્તમ ઉછેશ થશે. તે માનવુ ખૂબ ભુલ ભરેલુ છે. કેટલીક પ્રખ્યાત અને નામના ધરાવતી ખાનગી શાળાઓમાં બાળકને મૂકતા પહેલા તથા કેટલા પ્રમાણમાં સંસ્કારનું સિંચન થાય છે. મૂલ્યો રોપાય છે. તે અવશ્ય વિચારવુ. નહિતર આ સમાજ કયાં જઈ અટકશે?!!

થોડા સમય પહેલા એક અન્ય મુંબઈ શહેરની ઘટના બનેલ હતી. કરોડપતિ કુટુંબમાં માતાની લાશ ખૂબ ખરાબ હાલતમાં તેમના જ ઘરમાંથી મળી આવી. લાશની દુર્ગંધ ફેલાતા આસપાસના લોકોએ ઘર ખોલતા ખબર પડી હતી. આ માતાનો કરોડપતિ દિકરો અમેરીકા હતો. પરંતુ તેને જાણ પણ ન હતી. પૈસા કમાવવાની દોડમાં સફળતાની દોડમાં હાલ ઘર, કુટુંબ સાઈડમાં રહી જાય છે. આ પૈસાદાર કુટુંબમાં દિકરાને જો માતા સાથે રોજ ટેલીફોનીક સંપર્ક હોત ને એક દિવસ માતાએ વાત ન કરી હોત તો તે દિકરો પાડોશીને પૂછી માતાના ખબર અંતર જાણી શકત. મૃત્યુ બાદ જે અવસ્થામાં લાશ મળી આવુ ન બન્યુ હોત. પરંતુ પારીવારીક ભાવના, પ્રેમ, સંવેદના જાણે હવે નાશવંત બનતી જાય છે. આપણે વધુને વધુ પૈસા  કમાવવા કે બાળકને સફળ બનાવવા દોડ મૂકીએ છીએ. જરૂરી સંસ્કાર, મૂલ્ય શિક્ષણ વિસરાતુ જાય છે. ખબર નહિં આ સમાજ કયાં જઈ અટકશે?!!

વનીતા રાઠોડ

આચાર્ય, શ્રી વિનોબા ભાવે પે.સે. શાળા નં.૯૩, રાજકોટ મો.૮૧૫૫૦ ૫૦૧૦૨.

(3:45 pm IST)