Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

સૌ પ્રથમવાર શનિવારે સિંધી નારી સંમેલનઃ નારી તુ નારાયણી

રાષ્ટ્રીય સિંધી ભાષા વિકાસ પરિષદ (માનવ સંસાધન મંત્રાલય, દિલ્હી) ભારતીય સિંધુ સભા તથા સિંધી સમાજ રાજકોટ દ્વારા : સિંધી ભાષા તથા સંસ્કૃતિને જાગૃત કરવા તથા મહિલા શકિતને બહાર લાવવા આયોજન

સિંધી નારી સંમેલન અંગે અકિલા કાર્યાલય ખાતે કિરણબેન મોહિનાણી, અનીતાબેન ચાંગરાણી, રેશ્માબેન ધીરવાણી, ગૌરીબેન વિરાણી, નેન્સીબેન આસવાણી, ભાવિકા મંગતાણી તથા રીટાબેન નરસિયાંનએ વિગતો આપી હતી.

રાજકોટ,તા.૧૯: રાષ્ટ્રિય સિંધી ભાષા વિકાસ પરિષદ તથા ભારતિય સિંધુ સભા રાજકોટના સૌજન્યથી રાજકોટમાં તા.૨૨ના શનિવારના રોજ બપોરે ૨ થી ૬ હેમુગઢવી હોલમાં તદ્દન નિઃશુલ્ક સિંધી નારી સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. લુપ્ત થતી સિંધી ભાષા તથા સંસ્કૃતિને જાગૃત કરવા તથા નારીશકિતને બહાર લાવવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.

રાજકોટ શહેર તથા જિલ્લામાંથી  બહેનો આ સંમેલનમાં હાજરી આપશે. આ સંમેલનનો હેતુ સ્ત્રીશકિતને જાગૃત કરી, સંગઠિત કરી સમાજપયોગી બનાવવાનો છે. વ્યવસ્થાના ભાગરૂપે રજિસ્ટ્રેશન કરવામાં આવેલ છે. પૂરા સંમેલનનું સંચાલન, આયોજન તથા તૈયારી બહેનો દ્વારા કરવામાં આવેલ છે. આ સંમેલનમાં ચાર વિષયોની ચર્ચા કરવામાં આવેલ છે. જેમાં બહેનોને પોતાના વિચારો રજૂ કરવા પેપર લખવામાં આવેલ છે. આ ચાર વિષયો છે. નારીની આત્મ સુરક્ષા, સિંધી સંસ્કૃતિને જીવંત રાખવામાં, નારીનું યોગદાન, નારીની સાચી સુંદરતા, આજકાલ લગ્નજીવન શા માટે તૂટે છે.

સમસ્ત રાજકોટની બહેનોને આ બાબતે પેપર તૈયાર કરાવવામાં આવેલ છે. જેમાં ઉતમ લેખિકાને તેના પેપર વાંચવાની તક મળશે.

તદ્દન નિઃશુલ્ક એવા સંમેલનનો હેતુ સ્ત્રીશકિતને જાગૃત કરી સમાજના ઉત્થાન માટે સંગઠિત કરવી અને એ માટે દિશાસૂચન કરવું. આ માટે માર્ગદર્શનના ભાગરૂપે માયાબેન કોડનાની રાજકોટ આવેલ અને માર્ગદર્શન પૂરૃં પાડેલ. ભારતીય સિંધુસભાની મહિલા વિભાગ આ માટે કાર્યરત છે અને નવી પેઢીને સિંધી ભાષા અને સંસ્કૃતિનું જ્ઞાન મળે એ માટે સિંધી ભાષાના બાલ સંસ્કાર કેન્દ્રો, નારી પરિષદ વિ.નું આયોજન કરે છે.

કાર્યક્રમમાં ભારતિય સિંધુ સભાના અધ્યક્ષ માયાબેન કોડનાની, રાષ્ટ્રિય સંગઠન મંત્રી ભગતરામ છાબડા, મહામંત્રી અંજલીબેન વાઘવાણી ખાસ હાજરી આપશે. ઉદ્ઘાટન શ્રીમતી અંજલીબેન રૂપાણી કરશે અને મેયરશ્રી બીનાબેન આચાર્ય હાજરી આપશે. રાજકોટના સિંધી સમાજના શ્રેષ્ઠીઓ પણ આ સંમેલનમાં ખાસ ઉપસ્થિત રહેશે.

પૂરા કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે રજીસ્ટ્રેશન થઈ ગયેલ છે એ માટે ભારતીય સિંધુ સભાના પ્રેસિડન્ટ જીજ્ઞેશભાઈ પુનવાણી, મંગારામ ધીરવાણી, મહિલા પાંખના પ્રેસિડન્ટ અનિલાબેન ચાંગરાણી તથા તેની ટીમ ગૌરીબેન વિરાણી, રેશમાબેન ધીરવાણી, નેન્સીબેન આસવાણી, રીટાબેન નર્સિયત, ભાવિકાબેન મંગતાણી, વિનાબેન મોહિનાણી તથા પૂજાબેન વિ.જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:39 pm IST)