Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીને મેડીકલેઇમની રકમ વ્યાજ,ખર્ચ સહીત ચુકવવા આદેશ

 

રાજકોટ તા ૧૯  :  મેડીકલેઇમ પોલીસી વેચી વળતર ચુકવવા સમયે ઠાગાઠૈયા કરતી ઇન્સ્યોરન્સ કંપનીને વળતર તથા ખર્ચ ચુકવવા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે હુકમ કર્યો હતો.

ફરીયાદની હકીકત એમ છે ક ફરીયાદી પૂર્વેશ વિનોદભાઇ મકવાણાએ ધી નેશનલ ઇન્સ્યોરન્સ કંુ. લી. પાસેથી તા. ૧૪/૪/૨૦૧૮ થી તા. ૧૩/૪/૨૦૧૯ ના સમયની ખરીદેલી આ મેડીકલેઇમ પોલીસીમાં ફરીયાદી તેમના પત્ની તથા પુત્ર નો સમાવેશ થતો હતો. પોલીસી અમલમાં હતી તે દરમ્યાન ફરીયાદી મોટર સાઇકલ ઉપરથી પડી જવાથી ઇજા થયેલ હતી. અને રાજકોટમાં ડો. નિર્ભય શાહની હોસ્પીટલમાં તા. ૦૯/૧૦/૨૦૧૮ ના રોજ ની-રીપ્લેસમેન્ટનું ઓપરેશન કરાવેલ હતું. જેનો ખર્ચ રૂા ૯૮૬૮૦/- થયેલ, આ  ખર્ચની રકમ મેળવવા  ફરીયાદીએ  વીમા કંપનીમાં કલેઇમ મુકેલ હતો. જેથી વિમા કંપનીએ રૂા ૮૧૦૫૯/- મંજુર કરેલ હતા, બાકીની રકમ રૂા ૧૫૭૫૦/- ગેરકાયદેસર રીતે કપાત કરેલ.

વિમા કંપનીએ એક તરફી અને મનસ્વી રીતે ફરીયાદીની કલેઇમની રકમ મેળવવા હકદાર હોવા છતાં કલેઇમની રકમ પુરેપુરી નહીં ચુકવી ગ્રાહકને આપવાની  સેવામાં ખામી રાખેલ હોય, ફરીયાદીએ વિમા કંપની વિરૂધ્ધ રાજકોટના મહે. ગ્રાહક તકરાર ફોરમ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ.

સદરહુ ફરીયાદ ચાલતા ફરીયાદીના એડવોકેટ દ્વારા કાયદાના મુદ્દાઓ તથા રજુ થયેલ પોલીસી ઉપર ફોરમનું ધ્યાન દોરેલ અને એવી રજુઆત કરવામાં આવેલ કે પોલીસીની શરતો મુજબ ઓપરેશનના ચાર્જનું ધોરણ નક્કી કરી શકે નહીં તેમજ ઉપરોકત તમામ રજુઆતો તથા મોૈખિક તથા દસ્તાવેજી પુરાવો ધ્યાને લઇ ગ્રાહક સુરક્ષા ફોરમના પ્રમુખશ્રી જે.વી. ગોહેલે પોતાના  વિસ્તૃત ચુકાદામાં પોલીસીની શરતો ટાંકી ઠરાવેલ છે કે પોલીસીની શરતો મુજબ રીઝનેબલ એટલે કેટલી રકમ તેનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી. તેથી આ  પ્રકારે કાયદાકીય તથા હકીકતના મુદા ઉપર નામ. ફોરમે ગંભીરતા પુર્વક છણાવટ કરી ફરીયાદીની ફરીયાદ મંજુર કરી વિમા કંપનીએ ફરીયાદીને રૂ ૧૫૦૦૦/-,૭% વ્યાજ સાથે તથા ફરીયાદ ખર્ચના રૂ ૩૫૦૦/-એક માસમાં ચુકવી આપવા તેવો હુકમ ફરમાવેલ છે.આ કામમાં ફરીયાદી તરફે રાજકોટના વિ.વ. શ્રી વિનોદ એમ. જોશી અને શ્રી શૈલેષ એમ. ભટ્ટ એડવોકેટસ - નોટરી રોકાયેલ હતા.

(3:34 pm IST)