Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ન નોંધાયેલ શ્રમિક કામદારોને પણ અકસ્માત વળતર મળશે

રાજકોટ તા. ૧૯: ભારતીય મઝદૂર સંઘના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વાલજીભાઇ એમ. ચાવડાએ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ તેમજ નહીં નોંધાયેલા બાંધકામ શ્રમીક બાંધકામ સાઇટ પર આકસ્મિક મૃત્યુ પામે ત્યારે અકસ્માત વળતર આપવા અંગે માંગણી કરેલ હતી.

આના અનુસંધાને ગુજરાત સરકાર, શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગર તરફથી તા. ર૭-૦પ-ર૦૧૯ના રોજ સુધારા ઠરાવ કરીને તા. ૪-૧૧-ર૦૧૬ના ઠરાવમાં પશ્ચાતવર્તી અસરથી સુધારો કરેલ છે કે, (૧) નોંધાયેલી બાંધકામ સાઇટ કે ખાનગી વ્યકિતગત ધોરણની ન નોંધાયેલ સાઇટ પર ચાલુ કામે નોંધાયેલ કે ન નોંધાયેલ બાંધકામ શ્રમિકનું અકસ્માતે મૃત્યુ થાય તો તે બાંધકામ શ્રમીકનાં વારસદારોને રૂ. ૩ લાખની સહાય ચુકવવી. (ર) આજ રીતે ઉપર મુજબના શ્રમીકને ચાલુ કામે અકસ્માત થાય અને બાંધકામ શ્રમીક અશકત બને તો આવા કાયમી અશકતતાના કિસ્સામાં બાંધકામ શ્રમિકને રૂ. ૩ લાખ સહાય ચુકવવી. (૩) આ સુધારનો અમલ તા. ૪-૧૧-ર૦૧૬ની પાછલી અસરથી અમલમાં આવશે. તેમ મઝદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ હસુભાઇ દવે (મો. ૯૪ર૬ર પ૪૦પ૩)ની યાદીમાં જણાવાયું છે.

(3:29 pm IST)