Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

થોરાળાના ખુશાલ સોલંકી સાથે કુંભારવાડાના પાટડીયા પિતા-પુત્રોની ઠગાઈઃ ખૂનની ધમકી

યુવાને કેન્સરની સારવાર માટે પત્નિને બહેન બનાવનાર રસિકભાઇ પાટડીયા પાસેથી વ્યાજે નાણા લીધા ને ફસાયો :સોનાના દાગીના ગિરવે મુકી લાખ વ્યાજે લીધા તેની સામે ૪.૩૨ લાખ વ્યાજ ચુકવ્યું અને ૪ લાખ રોકડા દીધા છતાં દાગીના પાછા ન આપ્યાઃ રસિકભાઇ તથા તેના પુત્રો અભિષેક અને ધાર્મિક સામે ઠગાઇ, મનીલેન્ડ એકટ તથા એટ્રોસીટી એકટ હેઠળ થોરાળા પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૧૯: વ્યાજખોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. થોરાળા મેઇન રોડ પર રહેતાં અને મહાનગર પાલિકામાં સફાઇ કામદાર કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં ખુશાલ ગોવિંદભાઇ સોલંકી (ઉ.૩૯) નામના અનુસુચિત જાતીના યુવાને કેન્સરની બિમારી માટે ૩૮ તોલા સોનાના દાગીના ગિરવે મુકી વજે લીધેલા ૬ લાખમાંથી ૪,૩૨,૦૦૦ વ્યાજ ચુકવી દીધુ અને દાગીના છોડાવવા ૪ લાખ રોકડા આપી દીધા છતાં દાગીના પરત ન આપી હવે દાગીના લેવા આવ્યો તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં થોરાળા પોલીસે એટ્રોસીટી, ઠગાઇ અને મનીલેન્ડ એકટ હેઠળ કુંભારવાડાના રસિકભાઇ મોહનભાઇ પાટડીયા તથા તેના બે પુત્રો અભિષેક અને ધાર્મિક સામે ગુનો નોંધ્યો છે.

ખુશાલ સોલંકીએ અગાઉ વ્યાજખોરી સામેના લોકદરબારમાં ભાગ લઇ પોતાની અરજી-ફરિયાદ આપી હતી. તેના આધારે તપાસ બાદ પોલીસે કુંભારવાડમાં નવયુગ સ્કૂલ પાસે રહેતાં રસિકભાઇ પાટડીયા તથા તેના બે પુત્રો સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૫૦૬ (૨), ૧૧૪, મનીલેન્ડ એકટ તથા એટ્રોસીટી હેઠળ એફઆઇઆર દાખલ કરી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે અમે ત્રણ ભાઇઓ છીએ. જેમાં મોટા ભાઇ ૨૦૦૫માં ગુજરી ગયા છે. તેના પત્નિ-બાળકો મારી બાજુમાં જ રહે છે અને નાના ભાઇ પણ ૨૦૦૭માં ગુજરી ગયા છે. તેના પત્નિના બીજા લગ્ન કરી દીધા છે. હું સોૈથી નાનો છું અને મારે સંતાનમાં ત્રણ દિકરી છે.

આજથી સાત વર્ષ પહેલા મને કેન્સર થતાં ઓપરેશન માટે પૈસાની જરૂર ઉભી થતાં મારા પત્નિને બહેન બનાવેલ તે અમારા સંબંધી રસિકભાઇ મોહનભાઇ પાટડીયા કે જે કુંભારવાડામાં રહે છે તેની પાસે હું ગયો હતો. મને મોઢાનું કેન્સર હોઇ પૈસાની જરૂર હોઇ જેથી ૪ લાખ માંગતા તેણે સોનાન દાગીના કે કોઇ બીજી વસ્તુ ગીરવે રાખો તો હું પૈસા આપું તેમ કહેતાં મેં મારા દાદી કે જે હયાત નહોતાં તેનો સોનાનો હાર ૧૮ તોલાનો રસિકભાઇને આપ્યો હતો. તેનું મહિને ત્રણ ટકા વ્યાજ ચુકવવાનું હતું. ૨૦૦૧માં મેં આ રકમ લીધી હતી.

ઓપરેશન બાદ વધુ પૈસાની જરૂર પડતાં હું તથા મારા મોટા બેન પ્રતિમાબેન પ્રવિણભાઇ પરમાર બંને અમારા દાગીના સોનાનુ મંગળસુત્ર, સોનાનુ બાજુબંધ, પાટલા, ત્રણ ચેઇન, બુટ્ટી, વીટી, લક્કી મળી ૨૦ તોલા દાગીના ઇન્દિરા સર્કલ પાસે ઇન્ડિયન બેંકમાં ગિરવે મુકયા હતાં અને ૧.૭૫ લાખનીલોન લીધી હતી. તેનું વ્યાજ પણ હું ભરતો હતો. એ પછી સંબંધી રસિકભાઇ અવાર-નવાર ઘરે આવતાં હોઇ મેં બેંકના પૈસા ભરવાની વાત કરતાં તેણે કહેલ કે પોતે બેંકના રૂપિયા ભરીને દાગીના છોડાવી આપશે, પણ એ પોતાની પાસે ગીરવે રાખવા પડશે અને તેનું ત્રણ ટકા વ્યાજ અલગથી આપવું પડશે...તેવી વાત કરતાં રસિકભાઇ અને તેના દિકરાઓ અભિષેક તથા ધાર્મિક ઉપર વિશ્વાસ હોઇ અમે એમ કરવાની હા પાડી હતી.

ખુશાલે ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે રસિકભાઇએ બેંકમાં બે લાખ ભરી ૨૦ તોલા દાગીના છોડાવી પોતાની પાસે રાખી લીધા હતાં. હું કુલ ૬ લાખનું વ્યાજ બે વર્ષ સુધી રસિકભાઇને આપતો રહ્યો હતો. એ રીતે કુલ ૪,૩૨,૦૦૦ વ્યાજ મેં ભર્યુ છે. આજથી પાંચ વર્ષ પહેલા મેં ૪ લાખ રોકડા મારા બહેન પ્રતિમાબેન પાસેથી લઇ રસિકભાઇને આપ્યા હતાં અને દાગીના છોડવા કહ્યું હતું. તે વખતે રસિકભાઇ અને અભિષેક તથા ધાર્મિકે ખોટા બહાના બતાવ્યા હતાં. પછી તપાસ કરતાં ખબર પડી હતી કે મારા ગિરવે મુકેલા દાગીના તેણે કયાંક વેંચી નાંખ્યા હતાં. અવાર-નવાર ત્રણેય પાસે દાગીના માંગવા છતાં તે આપતાં નથી. ૨૦૧૫થી આ ત્રણેય બહાના બતાવ્યા કરે છે. ૨૨/૪/૧૯ના હું અભિષેકની દૂકાને જતાં અને મારા દાગીના માંગતા તેણે હવે જો દાગીના લેવા આવ્યો તો મારી નાંખીશ તેવી  ધમકી આપી હતી. આમ આ ત્રણેયને વ્યાજ ચુકવ્યું અને રોકડા ચુકવ્યા છતાં મારા દાગીના પાછા આપતા નથી અને માથે જતાં ધમકી આપી અપમાનીત કરતાં હોઇ અંતે ફરિયાદ નોંધાવી છે.

પી.આઇ. બી. ટી. વાઢીયા, ભરતસિંહ પરમાર સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:13 pm IST)