Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

યુનિવર્સિટી રોડ પર ઝોમેટોના ડિલીવરીબોય યશ બાબરીયાને ૪ જણાએ ઘુસ્તાવી નાંખ્યો

અમારો ઓર્ડર કેન્સલ કરી નાંખ, પણ જમવાનું આપી દે...અમે તને વાપરવાના પૈસા આપશું...કહી ડખ્ખો કર્યો : સૂર્યકાંત હોટેલ ખાતેથી ચાર થાળીનો ઓર્ડર આપનાર અમને બાદમાં ઓર્ડર રદ કરવાનું કહી બીજા ત્રણ શખ્સો સાથે મળી ગાળો ભાંડી હુમલો કર્યાની ફરિયાદઃ સીસીટીવી ફૂટેજને આધારે ગાંધીગ્રામ તપાસ : આ દ્રશ્યના સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડીયામાં વાયરલ થયા હતાં

રાજકોટ તા. ૧૯: ઝોમેટોના ડિલીવરીમેન ચાર ભોજનની થાળીનો ઓર્ડર પહોંચાડવા ગયો ત્યારે ઓર્ડર આપનાર શખ્સે 'અમને જમવાનું આપી દે, અમે તને વાપરવા પૈસા આપશું' તેમ કહેતાં ડિલીવરીમેને ના પાડતાં તેને ચાર શખ્સોએ ધોકા-ઢીકાપાટુનો માર મારતાં ફરિયાદ થઇ છે.

ગાંધીગ્રામ પોલીસે આ બનાવ સંદર્ભે ભગવતીપરા આશાબાપીરની દરગાહ પાસે રહેતાં યશ નામુભાઇ બાબરીયા (ઉ.૨૦) નામના મૈયા દરબાર યુવાનની ફરિયાદ પરથી અમન નામના શખ્સ તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

યશે ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઝોમેટો કંપનીમાં ડિલીવરી બોય તરીકે નોકરી કરુ છું. બપોરે ત્રણેક વાગ્યે હું સૂર્યકાંત હોટલ ખાતેથી ચાર જમવાની થાળી લઇ કોટેચા ચોક પાસે યુનિવર્સિટી રોડ પર મેટ્રો રેસ્ટોરન્ટ પાસેનો ઓર્ડર હોઇ ત્યાં પહોંચાડવા જવા નીકળ્યો હતો. મેટ્રો રેસ્ટોરન્ટ સામે પહોંચી બાઇક ઉભુ રાખી ઓર્ડર આપનાર અમનભાઇને ફોન કરી પાર્સલ લઇ જવા કહેતાં તે તથા બીજા ત્રણ જણા આવ્યા હતાં અને 'અમારો જમવાનો ઓર્ડર કેન્સર કરી નાંખ અને અમને જમવાનું એમ જ આપી દે, અમે તને વાપરવાના પૈસા આપશું' તેમ કહેતાં મેં તેઓને 'મારે પૈસા જોઇતા નથી, જો તમારે જમવાનું ન જોઇતું  હોય તો હું સૂર્યકાંતમાં પાછુ આપી આવીશ' તેમ જણાવી હું ત્યાંથી રવાના થયો હતો.

થોડે આગળ પહોંચ્યો ત્યાં મને ફરીથી ફોન કરી મેટ્રો પાસે બોલાવતાં હું ત્યાં પહોંચ્યો હતો. ત્યારે રસ્તામાં મને સાથે કામ કરતાં જાહીદ તકવાડીયા અને હરદિપસિંહ ઝાલા મળતાં તેને પણ હું સાથે લઇ ગયો હતો. મેટ્રો પાસે પહોંચ્યા ત્યારે ચાર જણા ઉભા હોઇ તેણે મને ગાળો ભાંડવાનું શરૂ કર્યુ હતું અને બે જણાએ લાકડાના ધોકાથી તથા અન્યએ ઢીકા-પાટુનોમ ાર મારતાં ઇજા થઇ હતી. મારી સાથેનાએ મને છોડાવ્યો હતો. એ પછી હુમલો કરનારા ચારેય ભાગી ગયા હતાં અને મેં ૧૦૦ નંબરમાં ફોન કરી પોલીસ બોલાવી હતી.

પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં એએસઆઇ જયસુખભાઇ એસ. હુંબલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ અને ઓડર આપનારના ફોન નંબર હોઇ તેના આધારે તપાસ શરૂ કરી છે.

(3:13 pm IST)