Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ત્રણ મહિનાથી મજૂરી કામ મળતુ ન હોવાથી જાનીવડલાના રવિરાજ ખાચરનો આપઘાત

કાઠી યુવાને ગામની પ્રાથમિક શાળામાં ઝેર પી મોટાભાઇને ફોન કર્યોઃ રાજકોટમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૯: ચોટીલાના જાનીવડલા ગામના કાઠી યુવાને ત્રણ મહિનાથી મજૂરી કામ મળતું ન હોવાથી આર્થિક ભીંસથી કંટાળી જઇ ઝેર પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાનીવડલા ગામે રહેતાં રવિરાજ શાંતુભા ખાચર (ઉ.૧૭) નામના યુવાને ગઇકાલે ગામની પ્રાથમિક શાળાએ જઇ ઝેરી દવા પી લીધા બાદ પોતાના મોટા ભાઇ કુલદીપભાઇને ફોન કરતાં તેઓ દોડી ગયા હતાં અને રવિરાજને ચોટીલા સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ સારવાર દરમિયાન સાંજે દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર રવિરાજ બે ભાઇમાં નાનો હતો અને છુટક કામ કરતો હતો. તેના પિતા પણ છુટક મજૂરી કરે છે. રવિરાજને ત્રણેક મહિનાથી કામધંધો-મજુરી કામ મળતું ન હોઇ મુંજવણમાં મુકાઇ ગયો હતો. આ કારણે પગલુ ભર્યાની શકયતા દર્શાવાઇ હતી. મૃતદેહને અંતિમવિધી માટે જસદણના ચીતલીયા ગામે લઇ જવાયો હતો. ચોટીલા પોલીસ વધુ તપાસ કરે છે.

(3:11 pm IST)