Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

બે લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને બે લાખ પુરા વળતરના ચુકવવા હુકમ

૬૦ દિવસમાં વળતરની રકમ ન ચુકવે તો છ માસની સાદી કેદની સજા

રાજકોટ તા ૧૯ : હાથ ઉછીની રકમ પરત ચુકવવા આપેલ ચેક પરત થતા ફોજદારી કેસમાં આરોપીને એક વર્ષની સજા તથા ચેક રકમનું વળતર ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ શહેરમાં રહેતા ફરીયાદી બલભદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજાએ તેમના મીત્ર જામનગર મુકામે રહેતા આરોપી ભગવાનજીભાઇ શંકરભાઇ ચુડાસમાને મીત્રતાના સબંધના દાવે રૂા ૨,૦૦,૦૦૦/ હાથ ઉછીના આપેલ હતા, ફરીયાદીને તે રકમ પરત ચુકવવા માટે આરોપીએ તા. ૧૮/૦૧/૨૦૧૮ ના રોજ રૂ. ૨,૦૦,૦૦૦/- નો ચેક આપેલ હતો, જે ચેક રીટર્ન થતા ફરીયાદી તરફથી તેમના એડવોકેટ  મારફત નોટીસ આપવામાં આવેલ, જે નોટીસ આરોપીને બજી જવા છતાં રકમ ન ભરતા આરોપી વિરૂધ્ધ નેગોશીએબલની સ્પે. કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો ફોજદારી કેસ દાખલ કરેલ હતો.

આ કેસ કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષ તરફથી રજુ કરવામાં આવેલ પુરાવો તથા તમામ જરૂરી દસ્તાવેજો કોર્ટમાં રેકર્ડ પર રજુ કરેલ હતા. આરોપી તરફથી એવો બચાવ લેવામાં આવેલ હતો કે આરોપી પાસે ફરીયાદીનું કાયદેસરનું લેણું પુરવાર કરી શકેલ નથી. તેમજ કોઇ રકમ ફરીયાદીએ આરોપીને આપેલ હોય તેવો કોઇ પુરાવો રજુ કરેલ નથી, પરંતુ કોર્ટના રેકર્ડ પર આવેલ પુરાવાઓ ફરીયાદીની તરફેણના હોય અને આ પુરાવા ન માનવા કોઇ કારણ ન હોય તેવી ફરીયાદીના વકીલની રજુઆતો કરવામાં આવેલ હતી. તેમજ ચેક રીટર્ન અંગેનો તમામ આવશ્યક તત્વો પુરવાર કરેલ છે.

વડી અદાલત અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજુ કરી ફરીયાદીના વકીલશ્રી દ્વારા દલીલો તથા રજુઆતો કરવામાં આવેલ હતી, અને તે મુજબ ફરીયાદી પોતાનોકેસ સંપૂર્ણ રીતે સાબિત કરેલ હોય અને આરોપીને મહતમ સજા અને ફરીયાદીને વળતર ચુકવવા રજુઆત કરેલ હતી, તે તમામ રજુઆતો અને દલીલોને ધ્યાને રાખી રાજકોટના એડી.ચીફ જયુ. મેજી. શ્રી એન.એચ. વસવેલીયા મેડમે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રૂા ૨,૦૦,૦૦૦/- ફરીયાદીને વળતર પેટે દિવસ-૬૦ માં ચુકવી આપવા અને આરોપી આ  વળતરની રકમ ચુકવવામાં કસુર કરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી શ્રી બલભદ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા વતી વકીલ તરીકે શ્રી મુકેશ આર. કેશરીયા, રાજેશ એન. મંજુસા, સંજયસિંહ આર. જાડેજા, ધવલ જે. વાઢેર રોકાયેલ હતા.

(3:09 pm IST)