Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ગાંધીગ્રામમાં હનીફભાઇ સોલંકીની હત્યાના પ્રયાસમાં ચાર પકડાયા

સુરેશ ઉર્ફે બાબો, સીકંદર ઉર્ફે સીકલો, રોહીત કોળી અને સંજય ચૌહાણની યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી

રાજકોટ તા. ૧૯: ગાંધીગ્રામ નાણાવટી ચોક પાસે જૂના મનદુઃખના કારણે મુસ્લીમ યુવાન પર ચાર શખ્સોએ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં યુનિવર્સિટી પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરી છે.

મળતી વિગત મુજબ નાણાવટી ચોક આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૧૭/૩૩૬ માં રહેતા રિક્ષા ચાલક હનીફભાઇ અલ્લાઉદીનભાઇ સોલંકી (ઉ.વ. ૪પ) તથા તેનો પુત્ર સદામ હનીફભાઇ સોલંકી (ઉ.વ.રપ) પરમ દિવસે ઘર નજીક બગીચામાં બેઠા હતા ત્યારે ગંજીવાડાનો બાબો પ્રેમભાઇ કોળી અને નવાગામનો સિકંદર ઉર્ફે સિકલો તથા બે અજાણ્યા શખ્સો કારમાં આવ્યા હતા અને સદામને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી ધારીયા, કુહાડી, પાઇપ સાથે હુમલો કરવા ધસી આવ્યા હતા. આ વખતે સદામને બચાવવા તેના પિતા હનીફભાઇ સોલંકી વચ્ચે પડતાં ચારેય શખ્સોએ તેના પર હુમલો કરી દઇ માથા, હાથ, શરીરે ગંભીર ઇજાઓ કરી હતી અને ભાગી ગયા હતા. હનીફભાઇ અને સદામ બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એ. એલ. આચાર્ય, અને રાઇટર શૈલેષપરી અને ગીરીરાજસિંહ સહિતે ચાર શખ્સો વિરૂધ્ધ હત્યાની કોશિષની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

દરમ્યાન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ. એલ. આચાર્યના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. વી. રબારી, એએસઆઇ એચ. એન. રાયજાદા, હેડ કોન્સ જે. પી. મેવાડા, હરેશભાઇ, રાજેશભાઇ, હરપાલસિંહ, ગીરીરાજસિંહ, રવીરાજસિંહ, પુષ્પરાજસિંહ અને મુકેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રવીરાજસિંહ જાડેજા અને પુષ્પરાજસિંહને મળેલી બાતમીના આધારે ગંજીવાડા શેરી નં. પપ માં રહેતો સુરેશ ઉર્ફે બાબો પ્રેમજીભાઇ ભુવા (ઉ.૧૯), નવાગામ આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ર૬/૬ર૪૧ નો સીકંદર ઉર્ફે સીકલો અનવરભાઇ મોગલ (ઉ.ર૦), ભવાનીનગર શેરી નં. ૪ નો રોહીત કાનજીભાઇ સીયાર (ઉ. ર૦) અને ચુનારાવાડ ચોક બાપા સીતારામનગર શેરી નં. ૩ નો સંજય પાચાભાઇ ચૌહાણ (ઉ.ર૩) ને પકડી લઇ ધરપકડ કરી હતી.

(3:07 pm IST)