Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

જનરલ બોર્ડમાં ધર્મિષ્ઠાબાને પ્રવેશવાની મનાઇ ફરમાવતી કોર્ટ

ડીસ્કવોલીફાઇ થયા બાદ આજે યોજાયેલ મ્યુ. કોર્પો.ની જનરલ બોર્ડની બેઠકમાં હાજર રહેવામાં પ્રતિબંધ ફરમાવતા કોર્ટમાં કરેલ અરજીને સિવિલ કોર્ટે ફગાવી દીધી

રાજકોટ, તા. ૧૯ : રાજકોટના મહિલા કોર્પોરેટર કોંગ્રેસના ધર્મિષ્ઠાબા જાડેજાની રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની આજે યોજાયેલ જનરલ બોર્ડની બેઠકમાં પ્રવેશ કરવાની કોર્ટે મનાઇ ફરમાવીને તેઓ દ્વારા પોતાને જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામાં આવે તે સંબંધે કરેલ અરજીને રાજકોટની સિવિલ અદાલતે ફગાવી દીધી હતી.

રાજકોટના સીનિયર સીવીલ જજ શ્રી એમ.એ. મકરાણીએ રાજકોટ મ્યુનિસિપિલ કોર્પોરેશનની કોર્પોરેટર શ્રીમતિ ધર્મિષ્ઠાબા જાડેજાની ગેરહાજરી સબબ તેણીને ડિસ્કોલીફાઇ કરતા હુકમ ઉપર થયેલ રેફરન્સ અરજીમાં કોર્પોરેટરે આદેશાત્મક હુકમ મેળવવા કરેલ અરજી રદ કરેલ હતી.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, વોર્ડ નં. ૧૮ના કોંગ્રેસના કોર્પોરેટર શ્રીમતિ ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજા વર્ષ ર૦૧૮માં કોર્પોરેશનની ૩ જનરલ બોર્ડની મીટીંગોમાં ગેરહાજર હોવાના કારણે બી.પી.એમ.સી. એકટની કલમ-૧૧ હેઠળ કમિશ્નરશ્રીએ તેણીને ડિસ્કોલીફાઇ જાહેર કરેલ હતાં અને તે કારણે તેણીને જનરલ બોર્ડમાં આવતા પ્રતિબંધિત કરવામાં આવેલ હતા. આ હુકમથી નારાજ થઇ કોર્પોરેટરશ્રીએ ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન કરી પોતાની વિરૂદ્ધના હુકમને રદબાતલ કરવા દાદ માંગેલ હતી. બી.પી.એમ.સી. એકટની કલમ-૧૧ અને ૧ર વંચાણે લેતા ગુજરાત હાઇકોર્ટે આ કોર્પોરેટરના ડિસ્કવોલીફીકેશન અંગે સીવીલ કોર્ટમાં રેફરન્સ કરવા આદેશ આપેલ હતો.

આ આદેશ મુજબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીએ આ કોર્પોરેટર ડિસ્કવોલીફાઇ થયેલ છે તે અંગે કલમ-૧ર હેઠળ સીવિલ કોર્ટમાં રેફરન્સ કરેલ હતો. આ દરમ્યાન શ્રીમતિ ધર્મિષ્ઠાબાને કોર્પોરેટર તરીકેના તમામ હકકોથી વંચીત કરવામાં આવેલ હતાં તેમજ જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો. આ કારણે શ્રીમતિ ધર્મિષ્ઠાબાએ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની રેફરન્સ અરજીમાં સામાવાળા તરીકે દાદ માંગેલ કે, તેણીને જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામાં આવે તેમજ તમામ સાંયોગિક લાભો અપાવવામાં આવે.

મ્યુનિસિપલ કોર્પોરેશન વતી એડવોકેટશ્રી સંજયભાઇ કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે, જયાં સુધી નામ, અદાલત કોર્પોરેટર ધર્મિષ્ઠાબાનું ડિસ્કવોલીફીકેશન રદ ન કરે ત્યાં સુધી રદ થયેલ હોવાનું માની કોર્પોરેટર તરીકેના લાભો અપાવવાનું કોર્ટ હુકમ કરી શકે નહીં.

આ ઉપરાંત વધુમાં રજૂઆત થયેલ કે, કોર્પોરેટર કાયદાની જોગવાઇ મુજબ ડિસ્કવોલીફાઇ થતા નથી તેવા પ્રકારની કોઇપણ રજૂઆત કે જવાબ શ્રીમતિ ધર્મિષ્ઠાબા દ્વારા રજૂ થયેલ નથી. આ રીતે જયારે કોર્પોરેટર પોતે પોતાના ડિસ્કવોલીફીકેશન અંગે કોર્ટમાં કોઇ જ રજુઆત કરતા ન હોય ત્યારે તેણી કોર્પોરેટર તરીકેના લાભો અપાવવા અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન વિરૂદ્ધ કોઇ હુકમ મેળવવા હકકદાર નથી. આ તમામ રજુઆતો ધ્યાનમાં લઇ સીવિલ કોર્ટે કોર્પોરેટર શ્રીમતિ ધર્મિષ્ઠાબા જાડેજાની અરજી રદ કરેલ છે.

આ કેસમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી સીનીયર પેનેલ એડવોકેટશ્રી સંજય કે. વોરા રોકાયેલ હતાં.

(3:03 pm IST)