Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ખુદ શાસકોનો આક્ષેપ

જગ્યા રોકાણ-ફાયર બ્રીગેડ-આરોગ્યમાં ભ્રષ્ટાચાર

ભાજપનાં સીનીયર કોર્પોરેટર કશ્યપ શુકલે આધાર-પુરાવા સાથે જનરલ બોર્ડમાં તંત્રનો ઉધડો લીધો : યાજ્ઞીક રોડ પર સેલરમાં ગેરકાયદે ચાલતા રેસ્ટોરન્ટ સામે પગલા લેવામાં તંત્ર વામણું પુરવારઃ બંછાનીધી પાનીએ ચાલુ જનરલ બોર્ડમાં દબાણો હટાવવા આદેશો આપવા પડયા

રાજમાર્ગો ઉપર દબાણોના પ્રશ્ને કોર્પોરેટરોનું તંત્ર પર હલ્લાબોલઃ આજે મ્યુ. કોર્પોરેશનમાં યોજાયેલ જનરલ બોર્ડમાં શાસક પક્ષ ભાજપના કોર્પોરેટર રૂપાબેન શીલુએ રાજમાર્ગો ઉપર દબાણ હટાવ કામગીરી અને વોકર્સ ઝોન અંગે પ્રશ્ન પુછયો હતો જેની ચર્ચા દરમિયાન ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોએ તંત્ર ઉપર હલ્લાબોલ કર્યુ હતું તે વખતની તસ્વીરમાં  રૂપાબેન શીલુ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ, ભાજપના સીનીયર કોર્પોરેટર કશ્યપ શુકલ, પુર્વ મેયર ડો.જૈમન ઉપાધ્યાય, કોંગ્રેસના અતુલ રાજાણી, મનસુખભાઇ કાલરીયા, વિજય વાંક, ઘનશ્યામસિંહ જાડેજા (વોર્ડ નં. ૧૧), વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા તેમજ પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ અને પુર્વ વિપક્ષી નેતા ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, કોંગ્રેસના મહિલા કોર્પોરેટરો જાગૃતીબેન ડાંગર, ડો.ઉવર્શીબેન પટેલ વગેરે  ઉગ્ર ચર્ચા કરી રહેલા નજરે પડે છે. તેમજ સભાના અધ્યક્ષ મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વીનભાઇ મોલીયા વગેરે દર્શાય છે. જયારે મ્યુનીસીપલ કમિશ્નર બંછાનીધી પાની કોર્પોરેટરોના પ્રશ્નનો ઉતર આપી રહેલા દર્શાય છે. તેઓની સાથે સેક્રેટરી રૂપારેલીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૯: મ્યુનીસીપલ કોર્પોરેશનમાં આજે મળેલા જનરલ બોર્ડમાં ખુદ શાસક પક્ષના સિનીયર કોર્પોરેટર સહિતના તમામ કોર્પોરેટરોએ કોર્પોરેશનની જગ્યા રોકાણ-ફાયર બ્રિગેડ અને આરોગ્ય શાખા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો હતો એટલું જ નહી આ બાબતે મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ ચાલુ જનરલ બોેર્ડે જ દબાણ હટાવ કાર્યવાહી કરવા આદેશો આપવા પડયા હતા.

આ અંગેની વિગતો મુજબ આજે સવારે ૧૧.૦૦ વાગ્યે મ્યુ. કોર્પોરેશનના સ્વ. રમેશભાઇ છાંયા સભાગૃહમાં જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં શાસક પક્ષ ભાજપના મહિલા કોર્પોરેટર રૂપાબેન શીલુએ શહેરના રાજમાર્ગો ઉપર દબાણ હટાવ કાર્યવાહી અને વોકર્સ ઝોન બાબતે પ્રશ્ન પુછયો હતો. જેની ચર્ચા હાથ ઉપર લેવાતા આ ચર્ચા દરમિયાન ભાજપના સિનીયર કોર્પોરેટર કશ્યપભાઇ શુકલે શહેરના યાજ્ઞીક રોડ ઉપર દબાણ હટાવવામાં તંત્રની ઘોર બેદરકારીના આક્ષેપો કર્યા હતા.

કશ્યપભાઇએ દાખલા-દલીલો અને આધાર પુરાવા સાથે મ્યુ. કમિશ્નરને જણાવ્યું હતું કે યાજ્ઞીક રોડ ઉપર રવિવારે નાના ફેરીયાઓ કપડા લઇને બેસે છે. તેઓને જગ્યા રોકાણ વિભાગ દ્વારા હાંકી કાઢવામાં આવે છે જયારે આ જ રોજ ઉપર આવેલ હોટલ, રેસ્ટોરન્ટો રોડ ઉપર બેફામ ટેબલ-ખુરશી નાખી ટ્રાફીકને અડચણરૂપ દબાણ ખુલ્લેઆમ રાખે છે. છતા આ દબાણો હટાવવામાં આવતા નથી. કશ્યપભાઇએ સ્વામી વિવેકાનંદના પુતળા પાસે આવેલ શ્રી પંજાબી નામનું રેસ્ટોરન્ટ સેલરમાં તદન ગેરકાયદે રીતે ચાલી રહયાનું અને તેમાં પાંચ-પાંચ ગેસના બાટલાઓ અત્યંત જોખમી રીતે ચાલી રહયા હોવાની અને આ રેસ્ટોરન્ટ દ્વારા રોડ ઉપર ટેબલ-ખુરશી નાખી દબાણો કરવામાં આવ્યાની અરજી આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ અને જગ્યા રોકાણ વિભાગમાં અવાર નવાર કરી હોવા છતાં આ રેસ્ટોરન્ટ સામે કોઇ પગલા લેવાયા નથી. કેમ કે અહીંયા સ્ટાફ નાસ્તો કરે છે તેવો સણસણતો આક્ષેપ પણ કશ્યપભાઇએ જનરલ બોર્ડમાં કર્યો હતો અને જણાવ્યું હતું કે જો દબાણો હટાવવા હોય તો તમામ લોકોના હટાવવા જોઇએ. રેસ્ટોરન્ટના દબાણો સામે આંખ મીચામણા કોઇ હિસાબે ચલાવી ન લેવાય.

આમ ચાલુ જનરલ બોર્ડે કશ્યપભાઇ શુકલે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે તંત્રને ઉધડો લેતા આ બાબતે બોર્ડમાં ઉપસ્થિત તમામ કોર્પોરેટરોએ પાટલી થપથપાવી અને વધાવી હતી. તેમજ શહેરમાં દબાણ હટાવની કામગીરી અંગે કમિશ્નરને વિવિધ સુચનો પણ કર્યા હતા. આથી મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ ચાલુ જનરલ બોર્ડે જ અધિકારીઓને ઉપરોકત યાજ્ઞીક રોડ ઉપરથી દબાણો હટાવવા આદેશ આપવા પડયા હતા.

આમ જનરલ બોર્ડમાં ખુદ શાસક પક્ષે તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષ્ેાપો કર્યા બાદ કમિશ્નરે  તાત્કાલીક બોર્ડમાં થી જ કાર્યવાહીના આદેશો આપ્યાની આ ઘટનાએ જબરી ચર્ચા જગાવી છે.

જનરલ બોર્ડ સાથે સાથે

* કોંગ્રેસને ગરીબોના પ્રશ્નોમાં રસ નથીઃ વિપક્ષી નેતાનો પ્રશ્ન પણ ઉકેલી નથી શકતાઃ પુર્વ મેયર ડો. જૈમન ઉપાધ્યાયે જનરલ બોર્ડમાં કટાક્ષ કર્યો.

* વિપક્ષી નેતા પદે વશરામભાઇ સાગઠીયા ભલે યથાવત રહે તેઓના કાર્યકાળમાં ભાજપને એક કોર્પોરેટર અને એક ધારાસભ્ય મળ્યા છે. વશરામભાઇ ભાજપ માટે લાભદાયી છે.

* કોંગ્રેસે નકારાત્મક વિરોધ કરવાને બદલે દબાણોની સમસ્યા દુર કરવા હોકર્સ ઝોનનેુ સમર્થન આપવું જોઇએઃ મેયર બિનાબેન આચાર્ય.

(3:31 pm IST)