Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

હાસ્ય કલાકાર સાઇરામ દવેના નામે બે વર્ષથી નકલી ઇન્સ્ટાગ્રામ ચલાવતો'તો!... આશિષ જાનીની ધરપકડ

બોટાદના નાગલપરનો વતની અને ભાવનગરમાં કોલેજમાં અભ્યાસ કરતાં તેમજ કર્મકાંડનું કામ કરતાં ૨૦ વર્ષના યુવાન સાઇરામના કાર્યક્રમો પોસ્ટ કરી ખોટી પ્રસિધ્ધી મેળવતો'તોઃ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે દબોચી લીધો :આશિષે અમદાવાદના આર.જે. ધ્વનિતને સાઇરામના નામે ફોલો કરવા મેસેજ મોકલ્યો ત્યારે ધ્વનીતે સાઇરામને ફોન કરી 'મને મેસેજ મળ્યો એ આઇડી તમે વાપરો છો? એવું પુછતાં સાઇરામને ખબર પડી કે નકલી આઇડી બન્યું છે : માયાભાઇ આહિર, કિંજલ દવે સહિતની સેલિબ્રિટીના મેસેજ આવતાં હોઇ તે જોઇને આશિષ ખુશ થતોઃ બે મહિના પહેલા સાઇરામને ખબર પડતાં અરજી આપી અને તપાસ થતાં નકલી આઇડી બનાવનાર ઝપટે ચડ્યો

રાજકોટ તા. ૧૯: સાયબર ક્રાઇમથી બચવા માટે માર્ગદર્શન આપોત એક ખાસ સેમિનાર આજે જ શહેર પોલીસ દ્વારા યોજાયો હતો. ત્યાં શહેરના સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા લોકપ્રિય હાસ્ય કલાકાર સાઇરામ દવેના નામ નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી બે વર્ષથી તેના નામે સેલિબ્રિટીઓ સાથે ચેટીંગ કરતાં કોલેજીયન શખ્સને ઝડપી લેવાયો છે. મુળ બોટાદ પંથકનો ૨૦ વર્ષનો આ બ્રાહ્મણ યુવાન હાલ ભાવનગરમાં રહી કોલેજમાં અભ્યાસ કરે છે.

પ્રાપ્ત માહિતી મુજબ ખુબ જ જાણીતા હાસ્ય કલાકાર સાઇરામ દવેને બે મહિના પહેલા પોતાના નામે કોઇએ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉભુ કર્યાની માહિતી મળતાં રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પહોંચી ફરિયાદ કરી હતી. અધિકારીઓએ આ કલાકારના નામે નકલી એકાઉન્ટ બનાવનારને શોધી કાઢવા ટીમને કામે લગાડી હતી. દરમિયાન સાઇરામ દવેના નામે નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવનાર શખ્સ બોટાદના નાગલપરનો વતની આશિષ પંકજભાઇ જાની (ઉ.૨૦) હોવાની પાક્કી માહિતી મળતાં એસઆઇ સી.એમ. ચાવડા અને ટીમે તેને ઉઠાવી લીધો હતો.

કર્મકાંડનું કામ કરવા સાથે આશિષ હાલ ભાવનગરની કોલેજમાં સંસ્કૃત વિષય સાથે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ પણ કરે છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી સાયબર ક્રાઇમ  ડી. જી. પલસાણા, એસીપી જે. એસ. ગેડમ સહિતના અધિકારીઓની રાહબરી હેઠળ પી.આઇ. એન. બી. દેસાઇ, પી.આઇ. બી.એમ. કાતરીયા, પીએસઆઇ ડી. બી. ગઢવી, પીએસઆઇ કે. જે. રાણા, પી.એસ.આઇ. એસ.એસ.નાયર, એેએસઆઇ સી.એમ. ચાવડા, સંજયભાઇ ઠાકર, મનોજભાઇ આહિર સહિતની ટીમે તપાસને અંતે યુનિવર્સિટી પોલીસ મથકમાં આ મામલે આઇટી એકટ ૬૭ (એ), આઇપીસી ૪૦૬ મુજબ ગુનો નોંધી આશિષને ઝડપી લેવાયો છે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરીને સાઇરામ દવેનું ફેક આઇડી sairamdaveofficial  બનાવી તેનો ઉપયોગ કરનારા આશિષ જાનીને પકડી લેવાયો હતો. આ યુવાને કબુલ્યું હતું કે તે બે વર્ષથી આ નકલી આઇડી બનાવી તેનો ઉપયોગ કરતો હતો. તે અલગ-અલગ સેલિબ્રિટીઓને સાઇરામ દવેના નામે મેસેજ કરી ફલો કરવા અને પોસ્ટ લાઇક કરવા કહેતો હતો. તેમજ સાઇરામ દવેના લાઇવ સ્ટેજ શોના વિડીયો તથા ડિઝિટલ પ્લેટફોર્મ મારફત યુ ટ્યુબ, ઈંસ્ટાગ્રામ, ગૂગલ વે પેજ પર જે કૃતિઓ રજૂ થતી તે કૃતિનો છેતરપીંડીથી ઉપયોગ કરી ખોટી પ્રસિધ્ધી મેળવવા ઉપયોગ કરતો હતો. આશિષને પોતે બનાવેલા નકલી આઇડી પર સાઇરામ દવેના જન્મદિવસના રોજ અનેક સેલિબ્રિટી તરફથી શુભેચ્છા મળી હતી. આવી સેલિબ્રિટીના મેસેજ જોઇ તે રાજી રહેતો હતો. તે પોતે પણ સાઇરામ દવેનો ચાહક હોવાનું કહે છે. પોલીસે તેની વિશેષ પુછતાછ હાથ ધરી છે.

(3:32 pm IST)