Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

જળક્રાંતિ ટ્રસ્ટનું નવુ કદમ : લુપ્ત થતી જાતવાન દેશી આંબાની ૧૦૦ પ્રજાતિની સુરક્ષા માટે અભિયાન

રાજકોટ તા. ૧૯ : જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા હવે જાતવાન દેશી આંબાની પ્રજાતિઓની સુરક્ષા માટે અભિયાન શરૂ કરાયુ છે.

જળક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા મનસુખભાઇ સુવાગીયાએ જણાવેલ છે કે એક સમયે અમારી વાડીમાં જ ૨૦ અને ગામમાં ૨૦૦ થી વધુ દેશી આંબા હતા. એ બધાની જાતો અલગ અલગ હતી. મોટાભાગના આંબા મીઠાશ, સ્વાદ, ગુણમાં કેસર અને હાફુસથી શ્રેષ્ઠ હતા. પરંતુ પાણી ઉંડા ઉતરવાથી આવી મોટાભાગની જાતો લુપ્ત થવા લાગી છે. દેશી આંબાની ૯૦ % થી વધુ જાતો લુપ્ત થઇ ગઇ છે.

મનસુખભાઇ કહે છે અમોએ વર્ષ ૨૦૧૦ થી નવતર અભિયાન હાથ ધરી  આવી જાતવાન દેશી આંબાની ઉત્તમ ાજતોનું સંશોધન, સુરક્ષા અને નવા વાવેતરનું કામ આદરેલ છે. સૌરાષ્ટ્રના અનેક ગામડા ગીરનાર, ગીર પ્રદેશ અને આબુથી ડાંગનો આદીવાસી પ્રદેશ ફરીને નામ વગરથી ૫૦ ઉત્તમ દેશી જાતો શોધી કાઢી છે. જે પાતળા રસની ચુસીને ખવાતી અને જલ્દી પચી જવાના ગુણ ધરાવે છે. વળી ક્ષાર ગોરમટાવાળી જમીનમાં પણ ઉગી શકે છે. ફાલ પણ ભરપુર આપે છે.

દેશી કેરીમાં સફેદ, પીળો, સોનેરી અને લાલ કેસરી ત્રણ રંગની કેરી થાય છે. તેમાં સફેદ રસની ખોળી, ધોળિયો, ઘીયો તરીકે ઓળખાતી દેશી કેરી સૌથી પોષક અને ગુણવર્ધક છે. આજ સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ૧૦૦ ગામોમાં તેમજ ગીરનાર, આબુ, પંચમઢી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના પહાડો, જંગલોમાં ફરીને દેશી જાતનું સંશોધન અને વાવેતર કરેલ છે. આ માટેનો એક સેમીનાર ફલોટેક પંપ ખાતે ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ વિઠ્ઠલભાઇ દુધાત્રાના અધ્યક્ષપદે યોજાયો હતો. આ પ્રસંગે દેશી જાતની કેરીના ગોટલાનું પણ વિતરણ કરાયુ હતુ. તેમ જળક્રાંતિ ટ્રસ્ટ (ફોન ૦૨૮૧ ૨૫૨૫૦૯) ના મનસુખભાઇ સુવાગીયાની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૧)

 

(11:41 am IST)