Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બાગી જુથના ૧૮ સહિત ૨૨ સભ્યો ગેરહાજરઃ વ્હીપથી બચવાનો વ્યુહ

રાજકીય 'વાયુ' વાવાઝોડા જેવો માહોલ બન્યો પણ આખરે દિશા ફંટાઈ ગઈ : જિલ્લા પંચાયતની આરોગ્ય, વહીવટી અને હિસાબી કેડરમાં ઢગલાબંધ જગ્યાઓ ખાલીઃ ૫૯ જુનીયર કલાર્ક, ૧૨૪ તલાટી, ૬૩ ડ્રાઈવર, ૭૪ પટ્ટાવાળા, ૧૬ સિનીયર કલાર્ક, ૧૩ નાયબ ચિટનીસ વગેરેની જગ્યાઓ ખાલીઃ ત્રણેય કેડરમાં વર્ગ ૩, ૪ ની ૧૫૭ જગ્યાઓ મંજુર થઈ છે, જેમાંથી માત્ર ૪૨ જ ભરેલી છેઃ સામાન્ય સભામાં વહીવટી તંત્રએ આપી આંકડાકીય માહિતી : કોંગ્રેસના માત્ર ૧૪ સભ્યોની હાજરીમાં શુષ્ક ચર્ચાઃ રજા વગરની ગેરહાજરી વ્હીપના ભંગ સમાન છેઃ પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહીની કોંગ્રેસની ચીમકીઃ ૪ સભ્યો રજા લઈને ગેરહાજર રહ્યાનો દાવોઃ સામાજિક ન્યાય સમિતિમાં બે સભ્યોની નિમણૂક સામે ચેરમેનના વિરોધ વચ્ચે સભાએ બે નામ સૂચવ્યા

જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં મંચ પર પ્રમુખ શ્રીમતી અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયા, ઉપપ્રમુખ સુભાષ માંકડિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા, ડે. ડી.ડી.ઓ. ધીરેન મકવાણા, શ્રી ખરાડી વગેરે હાજર રહેલ. પ્રમુખના કાર્યકાળને આજે ૧ વર્ષ પુરૂ થતા ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર દ્વારા ગુલદસ્તાથી શુભેચ્છા પાઠવવામાં આવી હતી (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ, તા. ૧૯ :. જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે સવારે અધ્યક્ષ અલ્પાબેન અર્જુનભાઈ ખાટરિયાની અધ્યક્ષતામાં તથા કોંગ્રેસના નિરીક્ષક ધારાસભ્ય બ્રિજેશ મેરજાની હાજરીમાં મળેલ. જેમાં કોંગ્રેસના ચૂંટાયેલા માત્ર ૧૪ સભ્યો જ હાજર રહ્યા હતા. ભાજપમાં ગયેલા તેમજ મૂળ ભાજપના સહિત ૨૨ સભ્યોની ગેરહાજરી હતી. કોંગ્રેસ સાથે ગયેલા ૪ સભ્યોએ પૂર્વ મંજુરી લીધાનો ખાટરિયા જૂથનો દાવો છે. વિનુભાઈ ધડુકના ૩૩ પ્રશ્નોની રજૂઆત થયેલ. જેમાંથી ૧ કલાકની સમય મર્યાદામાં વહીવટી તંત્રને સામાન્ય ટકોર સાથે શુષ્ક વાતાવરણમાં ચર્ચા પુરી થઈ હતી. આજે કોંગ્રેસ વિરોધી જૂથની સામુહિક ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. જો ગેરહાજર તમામ ૨૨ સભ્યો ભાજપની સાથે હોય તો અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાવવામાં માત્ર બે જ સભ્યો ખૂટે છે. આવતા દિવસોમાં નવી રાજકીય અને કાનૂની લડતની સંભાવના છે.

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સત્તાવાર ભાગલા પછી પ્રશ્નોત્તરી સાથેની પ્રથમ સામાન્ય સભા મળેલ. કોંગ્રેસે સભાના પ્રારંભે તમામ સભ્યોને વ્હીપ આપેલ. કોંગ્રેસની આ રણનીતિનો અગાઉથી ખ્યાલ આવી જતા ભાજપ જુથ ગેરહાજર રહ્યુ હતું. જો કોંગ્રેસના બાગીઓ વ્હીપ માને તો રાજકીય મેસેજ ખોટો જાય અને વ્હીપ ન માને તો પક્ષાંતરધારા હેઠળના કેસને મજબુત કરવાનો કોંગ્રેસને મુદ્દો મળી જાય. પરિસ્થિતિ પામીને ભાજપ જુથે ગેરહાજર રહેવાનું નક્કી કર્યુ હતું. જો કે અર્જુન ખાટરિયાનું કહેવુ છે કે રજા વગર ગેરહાજર રહેવુ તે વ્હીપના ભંગ સમાન જ છે. આ મુદ્દો અમે કાનૂની લડતમાં ઉમેરશું. તેમણે જે સભ્યો હાજર હતા તેમના નામ ઉપપ્રમુખના મોઢેથી જાહેર કરાવી હાજર અને ગેરહાજર સભ્યોની વિધિવત નોંધ કરવા ડીડીઓને અનુરોધ કર્યો હતો.

આજની સભામાં પ્રમુખ અલ્પાબેન ખાટરિયા, ઉપપ્રમુખ સુભાષ માંકડિયા ઉપરાંત અન્ય ૧૨ સભ્યો નાનજીભાઈ ડોડીયા, ભાવનાબેન ભૂત, સોમાભાઈ મકવાણા, નારણભાઈ સેલારકા, અર્જુન ખાટરિયા, વિનુભાઈ ધડુક, પરસોતમ લુણાગરીયા, ધીરૂભાઈ પાઘડાર, કુસુમબેન ચૌહાણ, વિપુલ ધડુક અને મધુબેન નસીત હાજર હતા. અન્ય ૨૨ સભ્યો ગેરહાજર હતા. જેમાંથી કોંગ્રેસ સાથે મનાતા ૪ સભ્યો મનોજ બાલધા, અર્ચનાબેન સાકરિયા, હંસાબેન વૈષ્ણવ અને સોનલબેન પરમાર આગોતરી જાણ કરીને ગેરહાજર રહ્યાનું અર્જુન ખાટરિયાનું કહેવુ છે. બાકીના ગેરહાજર સભ્યોને નોટીસ આપીને ખુલાસો પૂછવાનું કોંગ્રેસ વિચારી રહી છે.

સામાજિક ન્યાય સમિતિમાં બે સભ્યોની ખાલી જગ્યા ભરવા સામે ચેરમેન બાલુભાઈ વિંઝુડાએ અગાઉથી પ્રમુખ અને ડીડીઓને પત્ર લખી વિરોધ કરેલ. ડીડીઓએ આ પત્રનું સામાન્ય સભામાં વાંચન કરેલ. ચેરમેને દર્શાવેલી કલમો જિલ્લા પંચાયતને લાગુ પડતી ન હોવાનું તેમણે તારણ આપેલ તેથી સામાન્ય સભાએ સમિતિમાં સભ્ય પદ માટે સોમાભાઈ મકવાણા અને કુસુમબેન ચૌહાણનું નામ સૂચવ્યુ હતું.

(3:41 pm IST)