Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ચેક રિટર્ન કેસમાં પ્રધાન સામે વોરંટ

રાજકોટ તા. ૧૯ : ચેક રિટર્ન કેસમાં રાજયકક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી સામે એડિશનલ ચીફ જયુડિશયલ મેજિસ્ટ્રેટ એન્ડ સીબીઆઇ કોર્ટના જજે વોરંટ ઇસ્યૂ કર્યું છે. વર્ષ ૨૦૦૪માં નોંધાયેલા ચેક રિટર્નના આ કેસમાં મંત્રી સોલંકી, ખાનગી કંપની ઇનસોનેટ માર્કેટિંગ પ્રા.લી. સહિત ૧૦ને આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. જે પૈકી મુદતે હાજર ન રહેનાર અન્ય આરોપીઓ સામે પણ કોર્ટે વોરંટ જારી કર્યું છે. .

આ કેસની વિગત એવી છે કે, રમેશચંદ્ર સોમાભાઇ પટેલને ઇનસોનેટ માર્કેટિંગ પ્રા. લી. કંપનીએ ચેક આપ્યો હતો. આ ચેક રમેશચંદ્રએ વર્ષ ૨૦૦૪માં ભરતા તે રિટર્ન ગયો હતો. જેથી તેમણે વકીલ મારફતે કંપની તથા કંપનીના લગતા વળગા લોકોને નોટિસ આપી હતી. તેનો યોગ્ય પ્રત્યુતર ન મળતા તેમણે ગ્રામ્ય કોર્ટમાં આ અંગે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કોર્ટે તેમનું વેરીફિકેશન લઇ ક્રિમિનલ કેસ નંબર ૪૧૨-૨૦૦૪થી ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી કરી હતી. આરોપી પક્ષની સુનાવણી ૩ મે, ૨૦૧૩ના રોજથી શરૂ કરવામાં આવી હતી. આ કેસમાં સમન્સની પણ બજવણી થતી ન હતી. દરમિયાન, સમન્સની બજવણી થયા બાદ પણ આરોપીઓ હાજર રહ્યાં ન હતા. તેથી કોર્ટે પકડ વોરંટ કાઢવા કાર્યવાહી હાથ ધરી હતી.

ગત મુદતે આરોપીઓ પૈકી પંકજ શાહ, ભરત વોહરા, નિકેતન શાહ, સારસચંદ્ર શાહ, સ્વામીદાસ સોની હાજર રહ્યાં હતાં. આ કેસની મુદત હોવાં છતાં હાજર ન રહેનાર ભાજપ સરકારના મંત્રી પરષોત્ત્।મ ઓ. સોલંકી(રહે. ભાવનગર) સામે કોર્ટે વોરંટ જારી કર્યું છે. તેની બજવણી આગામી દિવસોમાં જ કરવામાં આવે તેવી શકયતા છે. બીજી તરફ, એકા'દ બે દિવસમાં પરષોત્તમ સોલંકી કોર્ટમાં હાજર રહી વોરંટ રદ કરાવશે તેવું પણ ચર્ચાઇ રહ્યું છે. (૨૧.૧૬)

(4:03 pm IST)