Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

'એઈમ્સ'માં સ્થાન મેળવતા પ્રિમીયર સ્કુલના વિદ્યાર્થીઓ સ્કુલના ૧૨૫ વિદ્યાર્થીમાંથી અંદાજીત ૭૫ વિદ્યાર્થી મેડીકલમાં પ્રવેશ લઈ રહ્યા છે જે પૈકી ૪૦ વિદ્યાર્થીઓ ગર્વમેન્ટ મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવશે

NEETમાં શિક્ષક દંપતિના પુત્ર પર્વ લાડાણી દેશભરમાંથી ૫૯માં સ્થાને, રાજકોટ - સૌરાષ્ટ્ર ફર્સ્ટ

રાજકોટ : તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે પરિમલ સ્કુલના શિક્ષકો સર્વેશ્રી નેહા દેસાઈ, મુકેશ તિવારી, નિરવ બદાણી, મનન જોષી તેમજ સફળતા મેળવેલા વિદ્યાર્થીઓ દીવા છીછીયા, એશા જોગાણી, નિરાલી વોરા, ધૈર્યા મજીઠીયા, વિશ્વા કેકૈયા, રાહીલ વિકાણી, ક્રિપલ પટેલ, તક્ષ હડાણી, આદિત્ય મહેતા, કરણ ભટ્ટ અને નીલ વોરા નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા.૧૯ : એઈમ્સ દેશની સર્વશ્રેષ્ઠ મેડીકલ હોસ્પિટલ તો છે જ પરંતુ વિશ્વની શ્રેષ્ઠતમ હોસ્પિટલોમાં ગણના પામે છે. કોઈપણ મેડીકલના વિદ્યાર્થી માટે એઈમ્સમાં એડમિશન મેળવવું સપનું છે. રાજકોટની પ્રિમીયર સ્કુલમાંથી પાંચ વિદ્યાર્થીઓએ એઈમ્સની એન્ટ્રન્સ ટેસ્ટમાં રેન્કીંગ મેળવી રાજકોટ - સૌરાષ્ટ્રનું નામ ઉજાગર કર્યુ છે.

રાજકોટના પર્વ લાડાણી એ નેશનલ ટોપર્સ લીસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યુ છે. આ વિદ્યાર્થીએ એઈમ્સમાં ૫૯ (ઓલ ઈન્ડિયા રેન્ક) મેળવ્યો જયારે નીટમાં ૬૬ અને JIPMERમાં ૭૧મું સ્થાન મેળવી ઈતિહાસ સર્જી દીધો. તે જ રીતે દીવા છીછીયા નામની વિદ્યાર્થીનીએ એઈમ્સમાં ૪૯૫, નીટમાં ૩૨૭ અને JIPMERમાં ૨૪૭નો ક્રમ મેળવી પોતાનું આગવુ સ્થાન મેળવ્યુ છે.

આ વિદ્યાર્થીએ જણાવ્યુ હતું કે શિસ્તબદ્ધ તાલીમ અને અમારા શિક્ષકોનું સતત માર્ગદર્શન અમને આ પરિણામ તરફ દોરી ગયું. કોણ કહે છે કે ખાલી કોટા - દિલ્હીનાં જ વિદ્યાર્થીઓ આવા જવલંત પરિણામો લાવી શકે? સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓનું હુન્નર દેશના કોઈપણ વિદ્યાર્થીથી કમ નથી એવુ અમોએ સાબિત કરી આપ્યુ. હા એ વાત ચોક્કસ છે કે વિષય તજજ્ઞોનું માર્ગદર્શન અને તેમનું તાલીમી હુન્નર 'એ' કલાસ હોય તો જ આ શકય બની શકે.

આ પહેલા આવેલા નીટ-૨૦૧૮ના પરિણામોમાં સૌરાષ્ટ્ર-રાજકોટના પ્રિમીયર સ્કુલના વિદ્યાર્થીઓએ સફળતાનો નવો આયામ સર્જયો છે. પ્રિમીયર સ્કુલમાંથી તૈયારી કરી રહેલા ૧૨૫ વિદ્યાર્થીઓમાંથી ૬૨ વિદ્યાર્થીઓએ ૪૦૦થી વધુ ગુણાંક મેળવ્યા, ૪૬ વિદ્યાર્થીઓએ ૪૭૫થી વધુ, ૩૮ વિદ્યાર્થીઓએ ૫૦૦થી વધુ, ૨૨ વિદ્યાર્થીઓએ ૫૩૦થી વધુ અને ૫ વિદ્યાર્થીઓએ ૬૦૦થી વધુ ગુણાંકો હાંસલ કરી અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પર્વ લાડાણી જે શિક્ષક દંપતિનો પુત્ર છે. તે દસમાં સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરી આ સ્કુલમાં અંગ્રેજી માધ્યમમાં તૈયારી કરી હતી. તનતોડ પરિશ્રમ અને પ્રગાઢ મનોબળ થકી - સૌરાષ્ટ્ર પ્રથમ બની, નેશનલ ટોપર્સ લીસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યુ છે. સફળ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ હતું કે અમોને શરૂઆતમાં બધે જ થી એવુ કહેવામાં આવ્યુ હતું કે નીટમાં સફળતા મેળવવી હોય તો મોટા શહેરમાં કે મોંઘાદાટ ટ્યુશન્સ કરવા પડે તો જ સારા માર્કસ મળશે. અમારી પ્રિમીયર સ્કુલના શિક્ષકોએ કહ્યુ કે જો તમારી પાસે મનોબળ હશે તો એકદમ ચુસ્ત તૈયારી કરાવવાની જવાબદારી અમારી.. અને જુઓ આજે પરિણામ તમારી સામે છે. તબક્કાવાર માઈક્રો લેવલની તૈયારી થકી આજે અમો દેશના મોટા શહેરોમાંથી આવતા વિદ્યાર્થીઓની હરોળમાં એક કદમ આગળ ઉભા છીએ. આનો શ્રેય અમારા શિક્ષકો અને વાલી બંનેને આપીશુ. કારણ ! તેમણે અમારા ઉપર પૂર્ણ ભરોસો કેળવ્યો અને અમારી ઉર્જાને જાગૃત કરી અને અમોને સફળતાના હાઈ-વે પર હંકારી ગયા.

ટીમ પ્રિમીયરના શિક્ષકો સર્વશ્રી નેહાબેન, મુકેશભાઈ, ડો.મનન અને નિરવે જણાવ્યુ હતું કે અમારા વિદ્યાર્થીઓની સિદ્ધિ ચાર 'સ'ને વરેલી છે. સખત પરિશ્રમ, સાતત્ય સભર તાલીમ, સંતુલિત કાર્યશૈલી અને સભર જીવનશૈલી આ ચારેય 'સ'નો સરવાળો એટલે સફળતા.

અમારા વિદ્યાર્થીઓની સાથે તેમના માતા-પિતાને પણ એટલો જ શ્રેય જાય છે. આ વાલીઓ ચાહે શહેરના અતિ વ્યસ્ત તબીબો હોય કે વ્યાવસાયિક - તેમણે તેમના સંતાનો માટે ફકત ઉંચા સપનાઓ જ જોવા સીમીત નહિં પણ તેને સફળ કરવા સતત કટીબદ્ધ રહ્યા છે. આ એવા વાલીઓ છે કે જે પોતાના સંતાનોને ઈચ્છત તો અમદાવાદ - દિલ્હી કે કોટા જેવા શહેરોમાં મોકલી તાલીમ અપાવી શકયા હોત પરંતુ અમારા પર સંપૂર્ણપણે વિશ્વાસ રાખી સૌરાષ્ટ્રના એજ્યુકેશન સ્તરને એક નવા આયામ પર મૂકી દીધો. ઈશા જોગાણીના પિતા ડો.કાંત જોગાણી રાજકોટના વિખ્યાત ન્યુરોસર્જન છે. જયારે રાહીલના પિતા ડો. વિજય વિકાણી શહેરના જાણીતા સર્જન છે અને માતા સીમાબેન વિકાણી લેબોરેટરી સાથે સંકળાયેલા છે. ક્રિપાલના પિતા ડો. શૈલેષ પટેલ નામાંકિત સર્જન છે અને માતા ડો.ગીતાબેન પટેલ જાણીતા સ્ત્રીરોગ તબીબ છે.

ટીમ પ્રિમીયરના વિદ્યાર્થીઓ મેડીકલ ઉપરાંત એન્જીનિયરીંગમાં પણ ડંકો વગાડે છે. જેઈઈ જેવી પરીક્ષાઓમાં પણ આ જ સંસ્થાના વિદ્યાર્થીઓએ જવલંત સફળતા મેળવી દેશની નામાંકિત સંસ્થાઓમાં પોતાનું સ્થાન ગ્રહણ કર્યુ છે. આ સંસ્થાના વિદ્યાર્થીઓએ ઓછા પ્રચલિત પણ ખૂબ જ સન્માનનીય કોર્ષીઝ/ સ્કોલરશીપ જેવા કે કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના, અરૂણાચલ ફાઉન્ડેશન (ફીઝીકલ રીસર્ચ લેબોરેટરીઝ - ભારત સરકાર) જેવા કોર્ષીઝમાં ઉચ્ચ ગુણાંક મેળવી સંસ્થાનું નામ રોશન કરેલ છે.

આ અંગે વધુ માહિતી માટે મો.૮૮૬૬૨ ૧૦૦૦૪ ઉપર સંપર્ક કરી શકાય છે.

(4:02 pm IST)