Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

ગુરૂવારે ૧ હજાર બહેનો પાણીમાં યોગ કરશે

૨૧ જુને વિશ્વ યોગ દિનની કોર્પોરેશન દ્વારા ઉજવણી : તડામાર તૈયારીઓ : રેસકોર્ષ, નાનામવા સર્કલ, પારડી રોડ, કુવાડવા રોડ વિસ્તારમાં યોગ કાર્યક્રમ : પદાધિકારીઓ - અધિકારીઓની મીટીંગ યોજાઇઃ શહેરીજનોને કાર્યક્રમમાં ઉમટી પડવા સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડીયાનો અનુરોધ

રાજકોટ તા. ૧૯ : ભારતના સ્વપ્નદ્રષ્ટા અને દૂરંદેશી ધરાવતા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના જુદા જુદા દેશોને યોગના વિચારો આપેલ જેના અનુસંધાને યુનો દ્વ્રારા ૨૧ જુન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું મંજુર કરવામાં આવેલ છે. યોગ દિવસની ઉજવણી પુરા ગુજરાતમાં ઉત્સાહભેર થાય તે માટે ગુજરાતણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વડપણ હેઠળ તમામ તંત્ર તૈયારી કરી રહેલ છે. રાજકોટ શહેરમાં પણ યોગ દિવસની શાનદાર ઉજવણી થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકામાં આજરોજ મિટિંગનું આયોજન કરેલ. જેમાં મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ ડે. કમિશનર ગણાત્રા, સી. કે. નંદાણી, આસી. કમિશનર હર્ષદ પટેલ, જસ્મીન રાઠોડ, સમીર ધડુક, વાસંતીબેન પ્રજાપતિ, આર. એન. ચુડાસમા તેમજ શહેરની ધાર્મિક, સામાજીક, વ્યાપારિક, ઔદ્યોગિક, સંસ્થાઓ તેમજ સોસાયટીઓના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા.

યોગ દિવસની શાનદાર ઉજવણી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વ્રારા શહેરના રેસકોર્સ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, નાના મવા સર્કલ પાસેનું ગ્રાઉન્ડ, રાજ પેલેસ સામેનું મેદાન(સાધુ વાસવાણી રોડ), રણછોડદાસ આશ્રમ સામેનું ગ્રાઉન્ડ, પારડી રોડ પર કોમ્યુનિટી હોલ પાસે આવેલ મેદાન ખાતે ૨૧ જુનના રોજ સવારના ૬.૩૦ વાગ્યે થી ૭.૩૦ વાગ્યા સુધી શહેરના બહોળી સંખ્યામાં યુવાનો/યુવતીઓ, મહિલાઓ, સીનીયર સીટીઝન્સ, તબીબો, ઉદ્યોગપતિઓ સહિતના વિવિધ ક્ષેત્રના નાગરિકો તેમજ  યોગાપ્રેમીઓ દ્વ્રારા યોગ કરવામાં આવશે.

 જેમાં રેસકોર્સ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ અને પારડી રોડ ખાતે આર્ટ ઓફ લિવિંગ, નાના મવા ખાતે તેમજ રાજ પેલેસ સામેનું મેદાન(સાધુ વાસવાણી રોડ)ખાતે પતંજલી તથા કુવાડવા રોડ ,આશ્રમના (રણછોડદાસબાપુ)વંડા ખાતે ઓમ શાંતિ જેવી સંસ્થાના માર્ગદર્શન હેઠળ કુલ આશરે ૧૨,૫૦૦ જેટલા પુરુષો તથા મહિલાઓ દ્વારા યોગ કરવામાં આવશે. અને હજુ વધુને વધુ યોગપ્રેમીઓ રજિસ્ટ્રેશન કરાવી રહયા છે.

યોગ સાધનામાં ઓમના ઉચ્ચારણથી હળવી શારીરિક કસરત ત્યારબાદ વૃક્ષાસન, શશાંકાસન, મકરાસન, ભુજંગાસન, તાડાસન, ભદ્રાસન, પાદહસ્તાસાન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, વજ્રાસન, ઉત્તાનમંડુકાસન, પવનમુકતાસાન, શવાસનની ક્રિયાઓ કરાવાશે.  અને ત્યારબાદ ભ્રામરી પ્રાણાયામ, અને ધ્યાન વિગેરે નિષ્ણાત યોગ શિક્ષકો દ્વારા કરાવવામાં આવશે. યોગથી તન અને મનની અને તંદુરસ્તી માટે ઉર્જાનો સંચાર થાય છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એકવા યોગ માટે રેસકોર્ષ સ્વિમિંગ પુલ ખાતે ૨૦૦, સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પુલ ખાતે ૧૯૦, કાલાવડ રોડ સ્વિમિંગ પુલ ખાતે ૨૦૦ તથા સ્વામી વિવેકાનંદ સ્વિમિંગ પુલ ખાતે ૨૦૬ એમ કુલ મળીને ૮૦૦ જેટલા મહિલાઓ દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવેલ છે.   

આ યોગ દિવસની શાનદાર ઉજવણી થાય અને શહેરના તમામ ક્ષેત્રના નાગરિકો ઉત્સાહપૂર્વક બહોળી સંખ્યામાં જોડાય તે માટે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયાએ અપીલ કરતા જણાવેલ છે કે, ભારતના વડાપ્રધાનશ્રી દ્વ્રારા વિશ્વ યોગ ડે ઉજવવાનું નક્કી કરી, સમગ્ર  વિશ્વ ભારત દેશની સંસ્કૃતિની નોંધ લે તેવું આયોજન કરેલ છે જે આપણા માટે ગૌરવની વાત છે.                                     

ગત વર્ષે વિશ્વના લગભગ તમામ દેશોના નાગરિકોએ ઙ્કયોગ દિનઙ્ખની શાનદાર ઉજવણીમાં ઉત્સાહપૂર્વક જોડાઈને ભારતીય સંસ્કૃતિની આ અમુલ્ય ભેટની નોંધ લીધેલ છે. તે મુજબ આ વર્ષે પણ સમગ્ર દેશ, ગુજરાત રાજય તેમજ રાજકોટ શહેરના તમામ ક્ષેત્ર સાથે જોડાયેલા નાગરિકો ઉત્સાહપૂર્વક બહોળી સંખ્યામાં જોડાઈને પોતાની શારીરિક, માનસિક તંદુરસ્તી પ્રાપ્ત કરે તેમ અંતમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયાએ જણાવેલ. અને હજુ વધુ ને વધુ યોગપ્રેમીઓ ઉત્સાહભેર જોડાય તે માટે જરૂરી કાર્યવાહી કરવા રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓને સુચના આપેલ.

(4:01 pm IST)