Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

લ્યો બોલો...

ઉંદરોએ વાયર કાતરી ખાધાઃ વેરાની કામગીરી ઠપ્પઃ અરજદારોમાં દેકારો

મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ઉંદરોએ અધિકારીઓને ધંધે લગાડયાઃ ઈન્ટરનેટના વાયરો કાતરી નાખતા કોમ્પ્યુટરો ઠપ્પ થઈ ગ્યાઃ ૧ કલાકની જહેમત બાદ રીપેરીંગ

ઉંદરોએ ધંધો લગાડ્યા... : મ્યુ. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ઉંદરોએ ઇન્ટરનેટ વાયરને કાતરી ખાતા કોમ્પ્યુટરો ઠપ્પ થઇ ગયા હતા. પરિણામે સિવિક સેન્ટરમાં જન્મ - મૃત્યુ નોંધ અને વેરો ભરવા આવનારા સેંકડો અરજદારોની લાંબી લાઇનો લાગી હતી જે તસ્વીરમાં દર્શાય છે. જ્યારે અન્ય તસ્વીરમાં ઉંદરોએ કાતરેલા ઇન્ટરનેટના કેબલનું રીપેરીંગ કરી રહેલા અધિકારીઓ નજરે પડે છે.

રાજકોટ તા. ૧૯ : મ્યુ.કોર્પોરેશનમાં કોમ્પ્યુટરો ઠપ્પ થવાની ફરિયાદો અવાર-નવાર ઉઠવા પામે છે પરંતુ આજે ઉંદરોને કારણે કોમ્પ્યુટરો ઠપ્પ થઇ જવાની આશ્ચર્યજનક ઘટના બની હતી અને આ ઘટનાને કારણે આજે સવારે સતત ૪ કલાક સુધી વેરો સ્વીકારવા તથા જન્મ - મૃત્યુ નોંધ સહિતની કામગીરી ઠપ્પ થઇ જતાં સિવિક સેન્ટરમાં વેરો ભરવા આવેલા તથા જન્મ - મૃત્યુ નોંધના દાખલા માટે આવેલા અરજદારોમાં ભારે દેકારો બોલી ગયો હતો.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે ૧૧ વાગ્યે મ્યુ. કોર્પોરેશનના સેન્ટ્રલ ઝોનમાં ખુલતી કચેરીએ સિવિક સેન્ટરમાં કોમ્પ્યુટરો ચાલુ નહી થતાં કર્મચારીઓ ધંધે લાગ્યા હતા અને મ્યુ. કોર્પોરેશનના કોમ્પ્યુટર વિભાગમાં ફરિયાદ કરતા કોમ્પ્યુટર વિભાગના ઇજનેરોએ તાબડતોબ ફોલ્ટ શોધવા કાર્યવાહી હાથ ધરતા ઉંદરોએ સિવિક સેન્ટરનો ઇન્ટરનેટના જોડાણનો કેબલ કાતરી ખાધો હોવાનું બહાર આવતા ઇજનેરો પણ આ નવીન પ્રકારના ફોલ્ટથી આશ્ચર્ય ચકિત થયા હતા અને સતત ૪ કલાકની જહેમત બાદ નવો વાયર નાંખી અને બપોરે ૧ વાગ્યે સિવિલ સેન્ટરના કોમ્પ્યુટરો શરૂ કરાવતા વેરો સ્વીકારવા તથા જન્મ - મૃત્યુ નોંધના દાખલાની કામગીરી શરૂ થઇ હતી.

આ દરમિયાન સિવિક સેન્ટરમાં સેંકડો અરજદારોની લાંબી કતારો લાગતા જબરો દેકારો બોલી ગયો હતો.

(3:57 pm IST)