Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

કાલાવડ રોડ કોજી કોટીયાર્ડના પટેલ કારખાનેદારનો ૧૭ વર્ષનો પુત્ર વિવેક ગાયબઃ અપહરણનો ગુનો

સીસીટીવી ચેક કરતાં રાત્રે ૧ વાગ્યે બહાર નીકળતો અને એક શખ્સના બાઇક પાછળ બેસીને જતો જોવા મળ્યો: વિવેકે પિતાને મેસેજ કર્યોઃ મારી ચિંતા કરતાં નહિ, હું જ્યાં છું ત્યાં સેઇફ છું, હું કયાં ગયો છું તે બે દિવસમાં ખબર પડી જશે!

રાજકોટ તા. ૧૯: કાલાવડ રોડ પર સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં કોઝી કોટીયાર્ડ ડી-૩૦૧માં રહેતાં અને બેરીંગનું કારખાનુ ધરાવતાં જયેન્દ્રભાઇ નાનજીભાઇ કલોલા (પટેલ) (ઉ.૪૨)નો ૧૭ વર્ષનો પુત્ર વિવેક ગઇકાલે સવારે ગાયબ થતાં સગીર ગુમ થવાના કિસ્સામાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 

યુનિવર્સિટી પોલીસે જયેન્દ્રભાઇ પટેલની ફરિયાદ પરથી અજાણ્યા વ્યકિત સામે આઇપીસી ૩૬૩ મુજબ ગુનો નોંધ્યો છે. જીતેન્દ્રભાઇના કહેવા મુજબ તે બેરીંગનું જોબવર્ક કરે છે અને સંતાનમાં બે દિકરા વિવેક (ઉ.૧૭) તથા તેનાથી નાનો હેત છે. ગઇકાલે સવારે આઠેક વાગ્યે પોતે ઉઠ્યા ત્યારે દિકરો વિવેક ઘરમાં જોવા મળ્યો નહોતો. આસપાસમાં તપાસ કરી સગા સંબંધીને ફોન કર્યા હતાં. પરંતુ વિવેક મળ્યો નહોતો. તેના મોબાઇલ નંબરમાંથી તેણે એક એસએમએસ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, 'મારી ચિંતા કરતાં નહિ, હું જ્યાં છું ત્યાં સેઇફ છું અને તમને બે દિવસમાં ખબર પડી જશે કે હું કયાં ગયો છું' તેમ લખેલું હતું.

આથી મેં દિકરા વિવેકના મોબાઇલ નંબર પર ફોન કરતાં તેણે ફોન ઉપાડ્યો નહોતો. બિલ્ડીંગના સીસીટીવી કેમેરા ચેક કરતાં ૧૮મીની રાત્રીના એકાદ વાગ્યે વિવેક ઘરમાંથી બહાર નીકળી કોઇ છોકરાના બાઇક પાછળ બેસીને જતો જોવા મળ્યો હતો. ત્યારબાદ વિવેકની ઠેર ઠેર શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરી છે.

વિવેક તેની સાથે કપડા અને રોકડા રૂ. ૧૫ હજાર પણ લઇગયો છે. તેણે કાળા રંગનું ટી-શર્ટ અને સફેદ બરમુડો પહેર્યો હતો. સગીર ગાયબ થવાના કિસ્સામાં પોલીસે હાલ તુર્ત અપહરણનો ગુનો નોંધી તપાસ આરંભી છે. પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પીએસઆઇ જી.એસ. ગઢવી અને સ્ટાફે તપાસ શરૂ કરી છે. (૧૪.૧૧)

(3:56 pm IST)