Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

મારવાડી શેર્સ ફાયનાન્સની ફરિયાદમાં આરોપીને એક વર્ષની સજા અને એક લાખનું વળતર ચુકવવા હુકમ

ચેક મુજબની રકમ આરોપી જમા ન કરાવે તો વધુ છ માસની સજાનો હુકમ

રાજકોટ તા. ૧૯ :.. આખા દેશમાં ખુબ જ સારી નામના ધરાવતી તથા રાજકોટમાં મુખ્ય શાખા ધરાવતી મારવાડી શેર્સ એન્ડ ફાયાનાન્સ લી.એ જુનાગઢના શખ્સ સામે અત્રેની કોર્ટમાં દાખલ કરેલ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળના કેસમાં એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂ. ૧,૦૦,૦૦૦ ફરીયાદી કંપનીને ત્રણ માસમાં ચુકવવાનો હુકમ અને જો ચેકની રકમ જમા ન કરાવે તો વધુ છ માસની સાદી કેદની સજા કરવાનો હુકમ ફરમાવતા ચેક રીટર્નના આરોપીઓમાં ફફડાટ મચી જવા પામેલ છે.

આ કિસ્સાની ટૂંકમાં વિગત એવી છેકે, મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી.ને તેમના કલાયન્ટ રાકેશભાઇ ગોવિંદભાઇ ડવ, રહે. દ્વારપુરી સોસાયટી, સરદાર બાગ પાસે, જુનાગઢનાએ તેમની બાકી ચુકવવાની રકમ પૈકીની રકમ ચુકવવા માટે રૂ. ૧,૦૦,૦૦૦ નો ચેક આપેલ સદરહું ચેક રાકેશભાઇ ગોવિંદભાઇ ડવએ મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી.ને આપ્યા ત્યારે એવુ પાકુ, વચન અને ખાત્રી આપેલ કે કંપની તેમના ખાતાવાળી બેંકમાં ચેક જમા કરાવશે એટલે તેમને ચેકમાં જણાવેલ રકમ મળી જશે. આથી ફરીયાદી કંપની મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી.એ આરોપીના જણાવ્યા મુજબ ચેક પોતાની બેંકમાં રજૂ કરતા ચેક વગર વસુલાતે પરત ફરેલ.

આથી ફરીયાદી કંપનીએ તેમના એડવોકેટ મારફતે લીગલ નોટીસ આપેલ. તેમ છતાં આરોપીએ કાયદાની જોગવાઇ મુજબ સમય મર્યાદામાં ચેકની રકમ ફરીયાદી કંપનીમાં જમા ન કરાવતા ફરીયાદી કંપની મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી. એ તેમના લીગલ ઓફીસર શ્રી કેતનકુમાર કે. નાયક મારફતે અત્રેની કોર્ટમાં  ફોજદારી ફરીયાદ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ દાખલ કરેલ.

આ ફરીયાદમાં ફરીયાદી કંપનીના એડવોકેટ શ્રી કિશન એમ. પટેલે વિવિધ કોર્ટોની ઓથોરીટીઓ ટાંકી દલીલકરી રજૂઆત કરેલ કે આરોપીએ આપેલ ચેક કાયદેસરના લેણા પેટે આપેલ હતો જે ચેક વગર વસુલાતે પરત ફરતા આરોપીએ ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ ગુન્હો કરેલ છે. જયુડી. મેજી. શ્રીએ ફરીયાદીનો કેસ પુરવાર માની આરોપીને તકસીરવાન ઠરાવી  એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ રૂ. ૧,૦૦,૦૦૦ ફરીયાદી કંપનીને ત્રણ માસમાં ચુકવવા અને જો ચેકની   રકમ જમા ન કરાવે તો વધુ છ માસની સાદી કેદની સજા કરવાનો  હુકમ ફરમાવેલ છે.

આ કામમાં મારવાડી શેર્સ એન્ડ ફાયનાન્સ લી. વતી રાજકોટના એડવોકેટ શ્રી કિશન એમ. પટેલ રોકાયેલા છે.

(3:32 pm IST)