Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

તકલીફમાં મૂકાયેલા લોકોને લોહાણા મહાજને હજુ સુધી મદદ નથી કરી : મિતેશ રૂપારેલીયા

મુશ્કેલી કે ખોટી કાયદાકીય કનડગત વખતે સમાજના લોકો સાથે સદાય ઉભો રહીશ : પ્રમુખપદની ચૂંટણીમાં તોતીંગ બહુમતીથી ચૂંટાવવાનો વિશ્વાસ

રાજકોટ, તા.૧૯ : લોહાણા મહાજન રાજકોટની ચૂંટણી આગામી મહિને યોજાવાનું નક્કી થઈ ગયુ છે અને આવતીકાલથી પ્રમુખપદના ઉમેદવારો માટે ફોર્મ વિતરણ શરૂ થવાનુ છે ત્યારે ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો અને જીતવાનો સ્પષ્ટ ઈચ્છા જાહેર કરનાર રઘુકુળ યુવા ગ્રુપ રાજકોટના પ્રમુખ મિતેશભાઈ રૂપારેલીયાએ આજરોજ અકિલાને જણાવ્યુ હતું કે ભૂતકાળમાં તકલીફમાં મૂકાયેલા લોકોને લોહાણા મહાજને મોટાભાગે હજુ સુધી મદદ કરી નથી તેથી સમાજમાં એક યા બીજી રીતે મુશ્કેલી વેઠતા લોકો આ ચૂંટણીમાં ઉત્સાહી અને નવા ચહેરાને હોદ્દેદારો તરીકે ઈચ્છી રહ્યા છે. પ્રમુખપદની ચૂંટણીમાં તોતીંગ બહુમતીથી ચૂંટાઈ આવવાનો વિશ્વાસ વ્યકત કરતા વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે જ્ઞાતિના લોકોને કોઈપણ જાતની મુશ્કેલી કે ખોટી કાયદાકીય કનડગત થશે તો તેઓ સમાજના લોકો પાસે સદાને માટે ઉભા રહેશે પોતાની ૧૨૧ સભ્યોની કારોબારીમાં મોટાભાગે યુવાનો હશે તથા તેઓના સથવારે મહાજન દ્વારા અત્યાર સુધી થયેલા કાર્યોને બમણા વેગથી આગળ વધારવાનો પણ મિતેશભાઈએ દૃઢ નિર્ધાર વ્યકત કર્યો હતો.

લોહાણા સમાજના વેપારી વર્ગને સાથે રાખીને યુવાધન માટે શિક્ષણ સંબંધી પ્રવૃતિઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ અને રોજગારલક્ષી માર્ગદર્શન વિશે પણ જાગૃત રહેવાનું તેઓએ જણાવ્યુ હતું. દરેક મહાજનવાડીઓમાં રિનોવેશનને પ્રાથમિક મહત્વ આપવા પણ તેમણે જણાવેલ.

મતદાન સ્થળ કેસરીયા વાડી, કાલાવડ રોડ સંદર્ભે તેઓએ જણાવ્યુ હતું કે લોકોનો ઉત્સાહ જોતા ધારણા મુજબ ઓછામાં ઓછું ૫૦ હજાર જેટલુ મતદાન થવાનું હોય ત્યારે મતદાનનું સ્થળ એક જ ન ચાલે. ઓછામાં ઓછા ૫ મતદાન મથકો શહેરના અલગ અલગ વિસ્તારમાં રાખવા જોઈએ. જે - તે ઉમેદવાર પ્રમુખપદથી ચૂંટણીમાં ફોર્મ ભરતી વખતે પોતાના સભ્યોની કારોબારીનું લીસ્ટ સાથે આપે તે જ્ઞાતિ હિત માટે ઈચ્છનીય છે.

અંતમાં તેઓએ જણાવેલ કે જલારામ સેવા સમિતિ દ્વારા થતી પૂ.જલારામબાપાની જલારામ જયંતિની ઉજવણી તથા રઘુકુળ ગ્રુપ દ્વારા થતી નવરાત્રીનો ઉલ્લેખ કરીને પોતપોતાના લોકોમાં રહેલી ચાહનાથી જ મેં ચૂંટણીમાં લડવાનું નક્કી કર્યુ છે. ચૂંટણી તંદુરસ્ત અને હકારાત્મક વાતાવરણમાં ભાઈચારાની ભાવનાથી થાય તે સમાજ માટે અતિ જરૂરી હોવાનું તેઓએ કહ્યુ હતું.(૩૭.૧૩)

(3:29 pm IST)