Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

સિવિલ હોસ્પિટલમાં ડોકટરનો સ્વાંગ રચી ગઠીયો દર્દીના સગાનો મોબાઇલ લઇ છનનન

પીપલાણાના યુવાન જયવદન ટાંક સાથે બનાવઃ પૈસાની થોકડી કાઢી મદદ કરવાની વાતો કરીઃ ફિલ્મ ડાઉનલોડ કરવાના બહાને મોબાઇલ લીધો અને હમણા આવું કહી ચાલતો થઇ ગયો!

સિવિલ હોસ્પિટલની સિકયુરીટીએ આ ફૂટેજને આધારે ગઠીયાની શોધખોળ આદરી છે

રાજકોટ તા. ૧૯: સિવિલ હોસ્પિટલમાંથી અવાર-નવાર સિકયુરીટી દ્વારા ખિસ્સા કાતરૂઓને અને મોબાઇલ ચોરને પકડી લઇ પોલીસને સોંપવામાં આવે છે. દરમિયાન સિકયુરીટી સંચાલકના ધ્યાને એક એવો કિસ્સો આવ્યો છે જેમાં એક ગઠીયો ડોકટરનો સ્વાંગ રચી દર્દીના સગાનો રૂ. ૬ હજારનો મોબાઇલ ફોન લઇ છનનન થઇ ગયો છે. સીસીટીવી ફૂટેજમાં આ ગઠીયો કેદ થઇ ગયો છે.

માણાવદરના પીપલાણા ગામનો જયવદન જેન્તીભાઇ ટાંક નામનો યુવાન ગત ૧૬મીએ તેના માતાને સારવાર માટે રાજકોટ સિવિલમાં લાવતાં તેમને વોર્ડ નં. ૧૧માં દાખલ કરાયા હતાં. અહિ જયવદન પાસે એક શખ્સ આવ્યો હતો અને તેની સાથે વાતો કરી પોતે ડોકટર હોવાનું તેમજ પોતે પણ કડીયા હોવાનું અને પોતાની બહેન શહેરની મોટી હોસ્પિટલમાં ડોકટર હોવાનું કહી મદદ માટેની વાતો કરી હતી. તેમજ ચલણી નોટોની થોકડી કાઢી જયવદનને પૈસા જોઇતા હોય તો લઇ લે તેમ કહી વાતોએ વળગાડ્યા બાદ તેનો મોબાઇલ ફોન જોવા માંગ્યો હતો. તેમજ પોતે સાઉથનું એક ફિલ્મ ડાઉનલોડ કરવા માંગે છે તેમ કહેતાં જયવદને મોબાઇલ આપ્યો હતો.

બાદમાં વાત કરતો કરતો આ શખ્સ હમણા આવું તેમ કહીને મોબાઇલ લઇને નીકળી ગયો હતો. લાંબા સમય સુધી આ કહેવાતા ડોકટર પાછા ન આવતાં જયવદનને છેતરાઇ ગયાની જાણ થઇ હતી. આ મામલે તેણે કોઇ ફરિયાદ કરી નથી. પણ આજે સિકયુરીટીને જાણ થતાં તેના ફૂટેજ મેળવ્યા છે. તસ્વીરમાં દેખાતો શખ્સ સિવિલ હોસ્પિટલમાં કોઇને જોવા મળે તો સિકયુરીટી ઓફિસ અથવા મો. ૯૦૯૯૯ ૩૧૨૭૭ ઉપર અથવા પોલીસને જાણ કરવા જણાવાયું છે. (૧૪.૧૪)

(3:27 pm IST)