Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

લાલા હનુમાનજી મંદિરમાંથી જલાલપુર મંદિરના મહંતનો ચેલો વિજય ૧ા લાખનો મુકુટ ચોરી ગયો

કુવાડવા રોડ પોલીસ મથકની સામે જ આવેલા મંદિરમાં બન્યો બનાવ : મહંત અનમોલદાસ દ્વારકા ધ્વજા ચડાવવા ગયા ત્યારે બે દિવસ રોકાવાના બહાને આવેલો વિજય મીણા ચોરી કરતો સીસીટીવી કેમેરામાં દેખાયોઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધી શોધખોળ આદરી

જ્યાં ચોરી થઇ તે શ્રી લાલ હનુમાનજી મંદિર (ઉદાસીન આશ્રમ), જે મુકુટ ચોરાયો તે મુર્તિ પર જોઇ શકાય છે નીચેની તસ્વીરો સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ચોરી કરતાં ચેલા વિજયની છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૯: કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની બરાબર સામે જ આવેલા લાલા હનુમાનજી મંદિરમાં બે દિવસ માટે વિસામો કરવા રોકાયેલો ઢસાના જલાલપુર ખોડિયાર મંદિરના મહંતનો ચેલો એવો જયપુરનો શખ્સ આ મંદિરમાંથી સોનાનો ગિલેટ ચડાવેલો રૂ. ૧,૨૫,૦૦૦નો ચાંદીનો મુકુટ ચોરી જતાં ચકચાર જાગી છે. પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે.

બનાવની જાણ મંદિરમાં રહી સેવા પુજા કરતાં અનમોલદાસ અર્જુનદાસ ઉદાસીન (નિર્વાણ સાધુ) (ઉ.૬૫)એ કરતાં બી-ડિવીઝનના પીએસઆઇ પી. બી. જેબલીયા અને સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મહંત અનમોલદાસે જણાવ્યું હતું કે હું બાર વર્ષથી આ મંદિરમાં સેવા પુજા કરુ છું અને ૧૪/૬ના રોજ રાત્રે સાડા નવેક વાગ્યે દ્વારકા ખાતે ધ્વજના ચડાવવા ગયો હતો. મંદિર રેઢુ ન રહે તે માટે મંદિરની ચાવી મંદિર પાસે જ રહેતાં અને અવાર-નવાર મંદિરમાં સેવા આપતાં ધર્મેન્દ્ર નામના યુવાનને આપી હતી.

અનમલોદાસે વધુમાં જણાવ્યું છે કે ૧૭/૬ના રોજ સાંજે પાંચેક વાગ્યે ધર્મેન્દ્રએ ફોન કરીને જાણ કરી હતી કે એક મહાત્મા આવ્યા છે અને તેને બે દિવસ મંદિરમાં રોકાવું છે. જેથી મેં તેની સાથે ફોનમાં વાત કરતાં તેણે પોતે ઢસાની જલાલપુર ખાતે ખોડિયારમાતાના મંદિરના સંત હરદેવમુનીનો ચેલો હોવાનું કહ્યું હતું. આ ચેલો અગાઉ પણ બે-ત્રણ વખત મંદિરે આવી ગયો હોઇ જેથી હું તેને ઓળખતો હોવાથી મંદિરમાં  રોકાવાની હા પાડી હતી.

તેણે કહેલું કે તમે દ્વારકાથી પાછા આવશો ત્યાં સુધી હું રોકાઇશે. જેથી તે મંદિરમાં પુજા કરી શકે એ માટે મેં ધર્મેન્દ્રને તેને ચાવી આપવા કહ્યું હતું. દરમિયાન ગઇકાલે સોમવારે સવારે સાતેક વાગ્યે ધર્મેન્દ્રએ મને ફોન કરીને જાણ કરી હતી કે ગઇકાલે જે મહાત્મા આવ્યા હતાં તે મંદિરમાં નથી અને અજયભાઇએ મંદિરમાં મુકેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં આ મહાત્મા મંદિરમાં પ્રવેશી હનુમાનજીનો મુકુટ ચોરી કરતાં દેખાયા છે.

આ વાત સાંભળી મેં ખોડિયાર મંદિરના મહંત હરદેવમુનીને વાત કરી હતી કે તમારો ચેલો ચોરી કરી ગયો છે. તેણે આ ચેલાનું નામ વિજય મીણા હોવાનું અને તે જયપુર તરફના કાનોત ગામનો વતની હોવાની માહિતી આપી હતી. આ અંગે મેં પોલીસને જાણ કરી હતી. જે મુકુટની કિંમત સવા લાખ ગણાય છે. પોલીસે ફૂટેજને આધારે તપાસ શરૂ કરી છે. (૧૪.૭)

(4:02 pm IST)