Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

રાજકોટ સોની બજારના ૮ વેપારીઓને જેતપુરની પેઢીનો બે કરોડનો 'ધૂંબો'

જેતપુરની વી. એન. જ્વેલર્સ પેઢીના લુહાર શખ્સ હિરેન મકવાણા, તેના પિતા વિનુ મકવાણા, માતા રંજનબેન, સિંગાપોર રહેતાં ભાઇ સમીર અને તેના માણસો સલીમ, અસ્પાક તથા વિજય સામે એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યોઃ પાંચ વર્ષ સુધી ઇમાનદારીથી ધંધો કર્યો...છેલ્લે છેતરીપીંડી

રાજકોટ તા. ૧૯: સોની બજારના વેપારીઓ સાથે અવાર-નવાર છેતરપીંડીના કિસ્સા બનતા રહે છે. વધુ એક વખત આઠ વેપારીઓ સાથે બે કરોડની ઠગાઇ થઇ છે. એસ્ટ્રોન સોસાયટીમાં રહેતાં અને સોની બજારમાં બંસીધર જ્વેલર્સ નામે ભાગીદારી પેઢી ચલાવતાં લેઉવા પટેલ વેપારી સહિત ૮ સોનાના વેપારીઓ સાથે જેતપુરમાં વી. એન. જ્વેલર્સ નામે પેઢી ચલાવતાં લુહાર શખ્સ, તેના માતા-પિતા-સિંગોપોર રહેતાં ભાઇ અને તેની પેઢીના ત્રણ સેલ્સમેન મળી સાત જણાએ સોનાના ઘરેણા વિશ્વાસ આપી વેંચાતા લીધા બાદ પૈસા ન આપી  રૂ. બે કરોડ પાંચ લાખની ઠગાઇ કરતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

આ અંગે એ-ડિવીઝન પોલીસે એસ્ટ્રોન સોસાયટી સામે ત્રિશા બંગલો નં. ૨માં રહેતાં અને સોની બજાર કોઠારીયા નાકા ચોક શ્યામ આર્કેડમાં પહેલા બાળે બંસીધર જ્વેલર્સ નામે વેપાર કરતાં રમેશભાઇ વેલજીભાઇ સાકરીયા (પટેલ) (ઉ.૪૨)ની ફરિયાદ પરથી જેતપુરની વી.એન. જ્વેલર્સ પેઢીના ભાગીદારો લુહાર હિરેન વિનુભાઇ મકવાણા, તેના પિતા વિનુ નરોત્તમભાઇ મકવાણા, માતા રંજનબેન વિનુ મકવાણા (રહે. પરમસુખ સત્યમ્ પાર્ક-૪, અમરનગર રોડ જેતપુર) તથા હાલ સીંગાપોર રહેતાં હીરેનના ભાઇ સમીર વિનુભાઇ મકવાણા તથા તેની પેઢીના સેલ્સમેન સલિમ એ. મીરા, અસ્પાક આઇ. રાઠોડ અને વિજય ડી. માલા (રહે. જેતપુર) સામે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૨૦-બી,  ૩૪ મુજબ કાવત્રુ ઘડી ઠગાઇ કરવાનો ગુનો નોંધ્યો છે.

રમેશભાઇ સાકરીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે હું બંસીધર જ્વેલર્સ નામે પેઢી ચલાવે છે. જેમાં હું તથા મારા ભાઇ સુરેશભાઇ વેલજીભાઇ સાકરીયા, ભાભી મિતલબેન સુરેશભાઇ અને પત્નિ જાગૃતિબેન સાકરીયા એમ ચાર ભાગીદાર છીએ. આ પેઢીનું સંયુકત બેંક ખાતુ કોટક મહિન્દ્રા બેંક પેલેસ રોડ શાખામાં છે. અમારી પેઢી કારીગરો પાસે દાગીના તૈયાર કરાવી ઓર્ડર મુજબ માલ વેંચવાનું કામ કરે છે.

જેતપુર મતવા શેરી ઇન્દ્રપ્રસ્થ બિલ્ડીંગ-૪માં આવેલી વી.એન. જ્વેલર્સ પેઢી લુહાર યુવાન હિરેન વિનુભાઇ મકવાણા, તેના પિતા વિનુભાઇ, માતા રંજનબેન ભાગીદારીમાં ચલાવે છે. હિરેનનો ભાઇ સમીર સિંગાપોર રહે છે. હિરેનની પેઢીમાં સલીમ, અસ્પાક અને વિજય સેલ્સમેન છે.  છેલ્લા પાંચ વર્ષથી પોતાની પેઢી હિરેનની પેઢી સાથે દાગીનાનો વ્યવહાર કરે છે અને તેના દ્વારા નિયમીત સમયસર ચુકવણું થતું હતું.

એ પછી ૬/૪/૧૮ થી ૮/૪ સુધી રાજકોટના રેસકોર્ષમાં જેમ્સ એન્ડ જ્વેલરી શોનું આયોજન થયું હોઇ તેમાં હિરેન મકવાણા અને તેના માણસ વિજય માલા આવય હતાં.  તેણે અમુક સોનાના ઘરેણા પસંદ કરી ઓર્ડર આપ્યો હતો. ૫/૫ના રોજ હિરેન અને વિજય મારી ઓફિસે આવ્યા હતાં અને તેના ઓર્ડર મુજબ ૪૧૧.૭૮૦ મીલીગ્રામ રૂ. ૧૩,૬૯,૩૩૮નો માલ જાંગડ આપેલો હતો. બદલામાં હિરેને ઓર્ડર પેટે રૂ. ૫,૨૯,૨૦૦નો તા. ૫/૫નો બેંક ઓફ બરોડા જેતપુર શાખાનો વી.એન. જ્વેલર્સ પેઢીનો ચેક સિકયુરીટી પેટે આપ્યો હતો. જેમાં હિરેનની સહી હતી. એ પછી તેણે બાકીના પૈસા જલ્દી મોકલી દેશે તેવું વચન આપ્યું હતું. ત્યારબાદ તા. ૨/૬ પછી અમે બાકીની રકમ માટે અમે હિરેન, તેના પિતા અને માણસ વિજયને ફોન કરતાં બધાના ફોન બંધ આવ્યા હતાં.

એ પછી હિરેને આપેલો ચેક અમે ૧૦/૬ના રોજ બેંકમાં વટાવવા નાંખતા આ ચેક ૧૨/૬ના રોજ પૈસા ન હોવાથી બાઉન્સ થયો હતો. જેથી મેં સોની બજારના બીજા વેપારીઓને જાણ કરી હતી. ત્યારે ખબર પડી હતી કે બીજા ૭ વેપારીઓ સાથે પણ હિરેન સહિતનાએ ઠગાઇ કર્યાનું જાણવા મળતાં અમે બધાએ ભેગા મળી ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી પોલીસને જાણ કરી હતી. આ વેપારીઓ પાસેથી પણ વિશ્વાસે સોનાના દાગીના લઇ જઇ બાદમાં રકમ ચુકવી નથી.

કુલ આઠ વેપારીઓ પાસેથી હિરેન મકવાણા અને તેની પેઢીએ રૂ. ૨,૦૫,૨૮,૦૨૧ (બે કરોડ પાંચ લાખ અઠ્ઠાવીશ હજાર એકવીશ)નું સોનુ કાવત્રુ રચી મેળવી લઇ ઠગાઇ કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે. એ-ડિવીઝન પી.આઇ. બી. પી. સોનારાની રાહબરીમાં પીએસઆઇ વી. એમ. ડોડીયા અને ટીમે તપાસ શરૂ કરી છે. જેતપુરથી હિરેન અને તેના પરિવારજનો પેઢીને તાળા મારી ફરાર થઇ ગયાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. (૧૪.૬)

કોની સાથે કેટલી ઠગાઇ થઇ?

જેને જેતપુરના લુહાર શખ્સે ધૂંબો માર્યો તેમાં રમેશભાઇ સાકરીયા સાથે રૂ. ૧૩,૬૯,૩૩૮ની ઠગાઇ,  વિપુલભાઇ દિલીપભાઇ કોઠારી સાથે  રૂ. ૧૩,૯૨,૦૦૦ની, કલ્પેશભાઇ મુળજીભાઇ ગઢીયા સાથે રૂ. ૩,૮૭,૩૧૦ની, પરેશભાઇ શાંતિલાલ હીંગુ સાથે રૂ. ૨,૧૦,૦૦૦ની, અલ્પેશભાઇ રવજીભાઇ ધાનાણી સાથે રૂ. ૧૧,૪૫,૫૫૪ની, તેજસભાઇ દિનેશભાઇ આડેસરા સાથે રૂ. ૨૭ લાખની, અમિતભાઇ વિનોદભાઇ શાહ સાથે રૂ. ૨૩,૭૭,૫૦૦ની અને પ્રમોદભાઇ સુરેન્દ્રકુમાર મહેતા સાથે રૂ. ૧,૦૯,૪૬,૩૧૯ની ઠગાઇ થઇ છે. (૧૪.૬)

(12:29 pm IST)