Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

મારૃં મંતવ્ય

રઘુવંશીઓને ફરી ગૌરવ અપાવે તેવા લોહરાણાની આજે તાતી જરૂર છે...રઘુવંશી ભાઇ-બહેનો-વડીલો-માતાઓ-યુવાનો...

રાજકોટ લોહાણા મહાજનની ચૂંટણીનો તબક્કો આજથી શરૂ : પૂ. ગુરૂ દેવ-પૂ.જલાબાપા સહુને સન્માર્ગ સૂઝાડે...

રાજકોટ લોહાણા મહાજનની ચૂંટણી પ્રક્રિયા આજથી શરૂ થઇ ગઇ છે. હાલના પ્રમુખ શ્રીમતિ કાશ્મીરાબેન નથવાણીએ મહાજનના ટ્રસ્ટીઓ વતી સત્તાવાર જાહેરાત દ્વારા ચૂંટણી પ્રક્રિયા ત્રણ ઓબ્ઝર્વરો શ્રી શાંતુભાઇ રૂપારેલ, શ્રી સુરેશભાઇ ચંદારાણા અને શ્રી રામ બરછા સંભાળશે તેવી જાહેરાત સાથે તેમણે મહાજન પ્રમુખપદ છોડી દીધું છે. હવે આ ત્રણે જ્ઞાતિજનો ચૂંટણીના ફોર્મથી લઇ ચૂંટાયેલ ઉમેદવારની જાહેરાત કરશે. પ્રમુખપદેથી આજે કાશ્મીરાબેન પોતે બધી જવાબદારીમાંથી મુકત થયાનું કહ્યું હતું.

છેલ્લા દોઢ વર્ષમાં રાજકોટ લોહાણા મહાજન પાસેથી જે આશા હતી તે મુજબ કંઇ થયું નથી તે સહુ જાણીએ છીએ. ઉલ્ટાના ન ધાર્યા હોય તેવા વિવાદો, વરવા દ્રશ્યો અને વૈમનસ્ય સર્જાયા.

કાશ્મીરાબેન અને બકુલભાઇ આજે અકિલા ખાતે મળવા આવ્યા હતા. અને ઔપચારિક રીતે મને કહ્યું કે ''તમે સર્વસંમત ઉમેદવાર'' માટે  ટ્રાય કરી જુઓ. બકુલભાઇએ પણ સુંદર સલાહ મને આપી કે કાકા ટ્રાય જરૂર કરો પણ પ-૭ લોકો ભેગા થાય અને તમારૃં માન ન જળવાય તેવું ન થાય તે પણ જોજો.

વાત તો મને પણ સાચીજ લાગી. મહાજનના જ એક યુવા મિત્રે આ વાત જરા જુદી રીતે થોડા સમય પૂર્વે કેટલાક અગ્રણીઓ વચ્ચે કહી હતી તે મને યાદ આવી.

મને અત્યાર સુધીમાં ચૂંટણી લડવાનો મનસૂબો જાહેર કરનાર લગભગ દરેક મિત્રો મળી ગયા છે. બધાનો સૂર હતો કે સર્વાનુમતે થાય પણ તે મને શકય નથી લાગતું.

રાજકોટ લોહાણા મહાજનની નિષ્પક્ષ, ભેદભાવ રહિત અને મુકતપણે ચૂંટણી સંપન્ન થાય તેવી પૂ.જલારામબાપાને બે હાથ જોડી વિનંતી કરૃં છું.

રાજકોટ મહાજનની ચૂંટણીમાં જે કોઇને પણ લડવું હોય તે ચોક્કસ લડી શકે છે, પણ મર્યાદા ના ચૂકાય તે જરૂર જોજો.

ચૂંટણી સંદર્ભે મારી સહુને શુભેચ્છા છે. હું હમેશ નિષ્પક્ષ રહેવા પ્રયત્નશીલ રહ્યો છું, અને રહીશ. કોઇ પણ ઉમેદવાર ''મારો છે'' કે ''મારો નથી'' એવું કયારેય નહિ માનવા વિનંતી.

મારી અંતરની ઇચ્છા છે કે, આજે રાજકીય ક્ષેત્રે રઘુવંશીઓનું સરેઆમ ધોવાણ અને ઉપેક્ષા થઇ રહી છે તેમાંથી બહાર આવીએ.

રાજસત્તાને ફરી એકવાર મહાજનસત્તા પાસે આવવું પડે તેવું સ્વાભિમાન સર્જીએ.

તાજેતરની વિધાનસભા કહો કે લોકસભા કહો કે, ઘર આંગણે કોર્પોરેશનની વાત લ્યો, બીજી જ્ઞાતિઓ તેમના નેતૃત્વના જોરે ધાર્યું કરાવી શકે છે, મહત્વના પદો મેળવી શકે છે ત્યારે લોહાણા-રઘુવંશી સમાજ તદ્દન ફેંકાય ગયો છે. કોર્પોરેશનના પાંચ પદમાંથી એકપણ પદ માટે કોઇ રઘુવંશી શાસક પક્ષને લાયક લાગ્યો નહિ. તો વિધાનસભામાં રઘુવંશી સમાજના સર્વોચ્ચને રાધનપુર જેવી એક બેઠક માટે રીતસર આજીજી કરવી પડી અને તો પણ મળી નહિ. આવી બેઇજ્જતીની દશા શા માટે થઇ તે સહુ કોઇ માટે વિચારવા જેવું છે.

પાટીદાર  સહિતના સમાજોને તેમના સર્વમાન્ય નેતા છે,  જેમનું તેમની જ્ઞાતિમાં અદ્દકેરૂ, માન રહે છે અને તે બળને લીધે ધાર્યું કરાવી શકે છે. અપાવી શકે છે, લઘુમતી જૈન સમાજને જે કંઇ જોઇએ તે મળી રહે તેવો દબદબો ગુજરાત અને દેશવ્યાપી જોવા મળે છે. બ્રાહ્મણ સમાજ માટે સંઘ નેતાગીરી સર્વોચ્ચ છે અને તેના ફળ હવે મળતા થયા છે.

નાની મોટી  જ્ઞાતિઓ પણ નેતૃત્વ અને સંઘબળના લીધે ધાર્યું કરાવી-નચાવી શકે છે ત્યારે રઘુવંશીઓ માટે ડુંગળી-બટેટાની લારીઓ ફેરવવાની ફરી સ્થિતિ ન સર્જાય તે માટે સહુએ સવેળા જાગવાની જરૂર છે.

જ્ઞાતિ અને સમાજના નામે આજે નથી ગમતું તો પણ વાત કરવી પડે છે. અંગત રીતે હું આવી કોઇપણ વાતને અનુમોદન આપતો નથી. પણ આજે રઘુવંશીઓની સ્થિતિ લાચાર બનતી જાય છે અને કોઇ જ દિશા દર્શાતી નથી ત્યારે કોઇ નવું લોહી નેતૃત્વ સંભાળી  જ્ઞાતિ માટે સિંહગર્જના કરે તેની વેળા આવી ગઇ છે. જય જલારામ બાપા...

-કિરીટ ગુણવંતરાય ગણાત્રા

અકિલા દૈનિક, રાજકોટ.

૧૮-જૂન-ર૦૧૮

(11:40 am IST)