Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

રાજકોટમાં શાકભાજીના ભાવોમાં મોટો ભડકો

ડીઝલના બેફામ ભાવ અને વરસાદ ખેંચાતાઃ ગૃહિણીઓમાં દેકારોઃ બટેટા- ટમેટા- મરચા- કોથમીર પણ મોંઘાદાટઃ મોટાભાગનું શાક ૭૦થી ૯૦નું કિલો

રાજકોટ, તા. ૧૯ :. વરસાદ ખેંચાતા લીલા શાકભાજીના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓનાં બજેટ ખોરવાઈ ગયા છે. અચાનક આવેલા ભાવ વધારાથી થાળીમાંથી લીલા શાકભાજી જ અદ્રશ્ય થઈ ગયા છે. હજુ વરસાદ નહીં પડે તો શાકભાજીના ભાવમાં વધારો થવાની શકયતા જણાઈ રહી છે. વરસાદ મોડો આવવા અને ડીઝલના વધેલા ભાવને લીધે ટ્રાન્સપોર્ટ મોંઘુ થઈ ગયુ છે. જેના લીધે અચાનક લીલા શાકભાજીના ભાવોમાં ધરખમ વધારો થઈ ગયો છે, પરિણામે મધ્યમ વર્ગ અને ખાસ કરીને ગૃહિણીઓના રસોડાના બજેટ ખોરવાઈ ગયા છે.

મળતી વિગતો મુજબ માર્કેટયાર્ડમાં આવકો થોડી ઓછી થઈ છે, પરિણામે થોડો વધારો આવ્યો છે, જેમાં કોબીઝ ૩૦ થી ૩૬, દૂધી ૨૫ થી ૩૦, ગુવાર ૧૦૦ રૂા, ટીંડોળા ૮૦ના કિલો, ભીંડો ૭૦ થી ૮૦, ચોળા ૮૦, તુરીયા-પરવળ ૮૦ થી ૧૦૦ના કિલો, બટેટા ૨૫ રૂ., ટમેટા ૮૦ રૂ., મરચા-મોથમીર ૧૦૦ના કિલો, લીંબુ પણ ૧૦૦ના કિલોનો ભાવ હોય ગૃહિણીઓમાં દેકારો મચી ગયો છે. આ બાબતે તંત્ર દ્વારા તાબડતોબ કાર્યવાહી થવી જોઈએ તેમ માંગણી ઉઠી છે.

(10:52 am IST)