Gujarati News

Gujarati News

News of Friday, 19th May 2023

ચોટીલાના ખાટડીમાં નિંદ્રાધીન ભાઇઓ શૈલેષ અને મુકેશ પર છરીથી હુમલોઃ ગંભીર ઇજાઃ રાજકોટ ખસેડાયા

ગામના અજાણ્‍યા દરબાર શખ્‍સો હોવાનું શૈલેષનું રટણઃ કારણ અંગે પોતે અજાણઃ નાની મોલડી પોલીસે ફરિયાદ નોંધવા રાજકોટ પહોંચી

રાજકોટ તા. ૧૯: ચોટીલાના ખાટડી ગામે રહેતાં બે ભાઇઓ રાતે વાડીએ ઉંઘી રહ્યા હતાં ત્‍યારે બે શખ્‍સોએ આવી છરીથી હુમલો કરી દેતાં બંનેને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. ઘાયલ પૈકીનો એક ભાઇ ભાનમાં હોઇ તેણે પોતાના પર ગામના દરબાર શખ્‍સોએ હુમલો કર્યાનું રટણ કર્યુ હતું. જો કે કારણ પુછવામાં આવતાં પોતે અજાણ હોવાનું રટણ કર્યુ હતું. નાની મોલડી પોલીસે રાજકોટ આવી ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

પ્રાપ્‍ત માહિતી મુજબ ખાટડી ગામે રહેતાં શૈલેષ વિનુભાઇ ભડાણીયા (ઉ.૨૦) અને તેના ભાઇ મુકેશ વિનુભાઇ ભડાણીયા (ઉ.૨૨) રાતે સાડા દસેક વાગ્‍યે પોતાની વાડીએ સુતા હતાં ત્‍યારે અજાણ્‍યા શખ્‍સોએ  આવી છરીથી હુમલો કરતાં બંને ઘાયલ થયા હતાં. બંનેને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં નાની મોલડી પોલીસને જાણ કરવામાં આવી હતી.

શૈલેષ અને મુકેશને તુરત જ ઓપરેશન માટે લઇ જવામાં આવ્‍યા હતાં. સવારે ભાનમાં આવેલા શૈલેષે પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું કે પોતે, ભાઇ મુકેશ અને માતા વસંતબેન તથા પિતા વિનુભાઇ બધાભાઇ એમ બધા વાડીમાં અલગ અલગ સુતા હતાં. એ વખતે અચાનક બે જણાએ આવી પહેલા મારા પર છરીથી હુમલો કરી દીધો હતો. દેકારો થતાં મારો ભાઇ મુકેશ જાગી જતાં અને બચાવવા આવતાં તેને પણ ઘા ઝીંકી દેવાયા હતાં. હુમલાખોરો ગામના જ દરબાર શખ્‍સો હોવાનું રટણ તેણે કર્યુ હતું. જો કે હુમલાનું કારણ પોતે જાણતો ન હોવાનું તેણે કહેતાં પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે.

(12:30 pm IST)