Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

સખી મંડળ વટવૃક્ષ, વધુને વધુ બહેનો એની સાથે જોડાય : સાંસદ મોહનભાઇ

લાઇવલીહુડ મિશન અંતર્ગત સખી મંડળોને કેશ ક્રેડિટ વિતરણ

લાઇવલીહુડ મિશન કંપની અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા બહેનો માટે યોજાયેલ સહાય વિતરણ કાર્યક્રમ પ્રસંગે મોહનભાઇ કુંડારીયા, ભૂપત બોદર, અરૃણ મહેશ બાબુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ તા. ૧૯ : ગુજરાત લાઈવલિહુડ પ્રમોશન કંપની લિમિટેડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સમગ્ર રાજ્યમાં કાર્યરત દીનદયાળ અંત્યોદય યોજના અંતર્ગત મિશન મંગલમ હેઠળ કાર્યરત સખી મંડળને તથા સ્વસહાય જૂથોને પ્રોત્સાહન આપી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાના હેતુસર જિલ્લા કક્ષાના કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લાના ૧૧ તાલુકામાં કાર્યરત ૫૭૮ સખીમંડળને કુલ રૃ. ૬ કરોડનું સી.સી (કેશ ક્રેડિટ) નું વિતરણ કરવામાં આવ્યુ હતું.

જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદરે ૫૦ ટકા બહેનો સરપંચ હોવાની માહિતી આપી,

ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલે મહિલાઓને સમાજમાં સમકક્ષ ગણાવી, છેવાડાનાં વિસ્તારની મહિલાઓ કે જે નાના પાયાના ઉદ્યોગો સાથે સંકળાયેલા છે તેમને પગભર બનાવવાના અર્થે લોન ધિરાણની સરકારની આ યોજનાકીય પ્રવૃતિને સરાહનીય ગણાવી હતી.

સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા એ સખી મંડળને વટવૃક્ષ ગણાવી, મહિલાઓ દ્વારા લોનની વ્યાજ સહિત પરત કરવાની કામગીરીને  બિરદાવી હતી. તેઓએ મંડળની બહેનો દ્વારા વધુને વધુ બહેનોને પોતાની સાથે જોડાવા અપીલ કરી હતી.

જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાના હેતુથી વિવિધ પ્રવૃતિઓ સાથે સંકળાયેલી હોય છે, તેમના ક્ષેત્રમાં તેઓને વધુને વધુ આગળ વધારવાના હેતુથી બેન્કો દ્વારા લોનની સહાય આપવામાં આવી રહી છે. મહિલાઓેને વધુ પ્રમાણમાં આ યોજનાનો લાભ લેવો જોઈએ.

 જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાના છેવાડાની મહિલાઓ સુધી પહોંચી તેમને આત્મનિર્ભર બનાવવાનના હેતુથી  સરકાર દ્વારા અનેક યોજના ઘડી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનાં પ્રયત્નો કરવામાં આવ્યા છે . જેમાં સરકાર અને  રાજકોટ જિલ્લાની બેંકોનો મોટો ફાળો રહયો છે.

આ કાર્યક્રમમાં સાંસદશ્રી રામભાઈ મોકરિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી સવિતાબેન વસાણી,  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એન. આર. ધાધલ, જિલ્લા લાઈવલીહૂડ મિશન મેનેજરશ્રી વિરેન બસિયા, સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ મોહનભાઈ દાફડા, બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રી ક્યાડા,રાજકોટ ડિસ્ટ્રીકટ બેંક નાં સી.ઈ.ઓ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ચેરમેન મનોજ કુમાર, બેંક ઓફ બરોડા, નાબાર્ડ(નેશનલ બેંક ફોર એગ્રિકલચર એન્ડ રૃરલ ડેવલપમેન્ટ) ના જિલ્લા વિકાસ પ્રબંધકશ્રી તથા વિવિધ બેન્કોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:03 pm IST)