Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ગણેશનગરમાં ફારૂકની હત્યામાં ફરાર સસરા હારૂનને ક્રાઇમ બ્રાંચે પકડી લીધો

૧૬મીના બનાવમાં પત્નિ અને સાળીને બી-ડિવીઝન પોલીસે પકડી લીધા'તા : હત્યા બાદ ગભરાઇને દાતાર તરફ ભાગી ગયો'તોઃ આજે પાછો આવ્યો ને ઘંટેશ્વર પાસેથી પકડાઇ ગયોઃ અગાઉ પશુ પ્રત્યે ઘાતકીપણુ દાખવવાના અને જૂગારના ૬ ગુનામાં સંડોવણી : ડીસીબીના નગીનભાઇ ડાંગર અને સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી

રાજકોટ તા. ૧૮: ત્રણ દિવસ પહેલા મોરબી રોડ ગણેશનગરમાં ફારૂક રહેમાનભાઇ મુસાણી (ઉ.વ.૩૬)ને તેના સસરા અને પત્નિએ પકડી રાખી સાળીએ પેટમાં છરીનો ઘા ભોંકી દઇ પતાવી દીધો હતો. આ ગુનામાં બી-ડિવીઝન પોલીસે પત્નિ ઇલ્ફીઝા અને સાળી મુમતાઝ ઉર્ફ મુસ્કાનને પકડી લીધા હતાં. સસરા હારૂન જમાલભાઇ ભાડુકા ભાગી ગયેલ. તેને આજે ક્રાઇમ બ્રાંચના નગીનભાઇ ડાંગર અને સિધ્ધરાજસિંહ જાડેજાની બાતમી પરથી ઘંટેશ્વર ૨૫ વારીયા પાસેથી પકડી લઇ બી-ડિવીઝનને સોંપવા તજવીજ થઇ છે.

ફારૂકને તેની પત્નિ ઇલ્ફીઝા મોબાઇલ ફોનમાં કોઇ સાથે વાત કરતી હોવાના મુદ્દે માથાકુટ થઇ હતી. આ કારણે પત્નિ પતિના ઘરેથી નજીકમાં જ રહેતાં ગણેશનગરમાં પિતા ફારૂકભાઇ અને બહેન મુમતાઝને ત્યાં જતી રહી હતી. ફારૂકે ત્યાં જઇ માથાકુટ કરતાં તેના પર ત્રણેયએ હુમલો કર્યો હતો. જેમાં સાળીએ પેટમાં ઝીંકેલો છરીનો ઘા જીવલેણ નીવડ્યો હતો. જે તે દિવસે જ પત્નિ અને સાળી પકડાઇ ગયા હતાં. સસરો હારૂન ભાડુકા ભાગી ગયો હતો. તેને આજે પકડી લેવાયો છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી. એમ. ધાખડા, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નગીનભાઇ ડાંગર, સિધ્ધરાજસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, જયદિપસિંહ ઝાલા સહિતે આ કામગીરી કરી હતી.

જમાઇ દિકરીને બહુ હેરાન કરતો હોવાનું રટણ હારૂને કર્યુ હતું. હુમલા બાદ પોતે જ જમાઇને દિકરીઓ સાથે હોસ્પિટલે લઇ ગયો હતો. પણ ડોકટરે તેને મૃત જાહેર કરતાં પોતે ગભરાઇને ભાગી ગયો હતો. દાતાર તરફ જતો રહ્યાનું તેણે કહ્યું હતું.

હારૂન વિરૂધ્ધ અગાઉ બી-ડિવીઝનમાં પશુ પ્રત્યે ઘાતકીપણું દાખવવાના અલગ અલગ પાંચ ગુના અને થાનગઢમાં જૂગારનો એક ગુનો નોંધાયો હતો.

(4:08 pm IST)