Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

રાજકોટ શહેર-જીલ્લામાં ૬૨૮ વિજ થાંભલા પડી ગયા

વાવાઝોડા બાદ તંત્ર દ્વારા રાહત કાર્ય પૂરજોશમાં શરૂ : જસદણ-વિંછીયાના ૫૦ ગામોને બાદ કરતા તમામ ગામોમાં વિજ પુરવઠો શરૂ થઈ ગ્યોઃ ૧૨૩ ઝાડ પડી ગયા-૪૧ રસ્તા બંધ હતા જે શરૂ થઈ ગયાઃ ૧૩ મકાનો પડી ગયાઃ ૧૫ પશુઓના મોત અને ૧ વ્યકિતએ જીવ ગુમાવ્યો

રાજકોટ, તા. ૧૯ :. સૌરાષ્ટ્રના સાગરકાંઠે ત્રાટકેલા 'તાઉતે' વાવાઝોડાને કારણે રાજકોટ શહેર જીલ્લામાં વિજળી ક્ષેત્રે મોટુ નુકશાન થયુ છે. જો કે તંત્રએ પૂરજોશમાં રાહત કાર્ય શરૂ કરી દેતા આજે બપોરથી પરિસ્થિતિ થાળે પડતી જાય છે.

આ અંગે જીલ્લા કલેકટરે સત્તાવાર જાહેર કરેલી વિગતો મુજબ વાવાઝોડાને કારણે શહેર-જીલ્લાના ૬૨૮ વિજ થાંભલાઓ પડી ગ્યા હતા તેથી ૫૨૧ ગામોમાં વિજપુરવઠો ખોરવાઈ ગયેલ. જો કે વિજકંપનીએ ઝડપી સમારકામ શરૂ કરતા આજે બપોરની સ્થિતિ જસદણ અને વિંછીયા કે જ્યાં વાવાઝોડાની વધુ પડતી અસર થઈ હતી તે ૫૦ ગામોને બાદ કરતા શહેર-જીલ્લાના તમામ ગામોમાં આજથી વિજપુરવઠો શરૂ કરી દેવાયો હતો.

આ ઉપરાંત વાવાઝોડાને કારણે ૧૨૩ ઝાડ પડી ગયા હતા અને ૪૧ રસ્તાઓ બંધ હતા જે આજથી શરૂ કરી દેવાયા છે. જ્યારે વાવાઝોડાને કારણે ૧૩ કાચા-પાકા મકાનો પડી ગયા હતા અને ૧૫ જેટલા પશુઓના મોત થયા હતા, જ્યારે ૧ વ્યકિતનું મોત નિપજ્યુ હતું.

આમ એકંદરે વાવાઝોડા બાદ શહેર-જીલ્લામાં હવે જનજીવન ફરી સામાન્ય થવા લાગ્યુ છે તેમ કલેકટરશ્રીએ જાહેર કર્યુ હતું.

(4:06 pm IST)