Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ઇ-બાઇક ખરીદનારને પ૦૦૦ની સબસીડી

જનરલ બોર્ડમાં એજન્ડાની ૭ અને ર અરજન્ટ સહીત ૯ દરખાસ્તો મંજુર : જુનથી પ્રથમ ૧૦૦ ઇ-બાઇક ખરીદનારને અપાશે પ હજાર : લેંગ લાયબ્રેરીમાં સભ્ય તરીકે વોર્ડ નં.-૯ના કોર્પોરેટર આશાબેન ઉપાધ્યાયની નિયુકતીઃ સાયકલ ખરીદીમાં હવેથી એકજ કુટુંમ્બના ગમે તેટલા વ્યકિતઓને ૧૦૦૦ની સબસીડી અપાશે

રાજકોટ તા. ૧૯ :.. આજે સવારે યોજાયેલા મ.ન.પા.નાં જનરલ બોર્ડમાં એજન્ડાની ૭ અને અરજન્ટ બિઝનેશથી રજૂ થયેલી ર દરખાસ્તો સહિત કુલ ૯ દરખાસ્તોને લીલીઝડી અપાઇ હતી.

આજનાં જનરલ બોર્ડમાં ઇ-બાઇકમાં પ૦૦૦ ત્થા સાયકલમાં ૧૦૦૦ ની સબસીડી આપવા માટે અરજન્ટ બિઝનેશથી રજુ થયેલ જેની સામે વિપક્ષ કોંગ્રેસનાં કોર્પોરેટર વશરામ સાગઠીયાએ ગઇકાલે મીટીંગ યોજી અને આજે અરજન્ટ દરખાસ્ત મુકવાનું કારણ શું ? તેવા સવાલો ઉઠાવી અને શંકાઓ દર્શાવેલ.

આ અરજન્ટ દરખાસ્તની વિગતો મુજબ ટ્રાફીક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કીંગ મેનેજમેન્ટ શાખા, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સાયકલ શેરીંગ પ્રોજેકટનો વ્યાપ વધે તેમજ શહેરમાં પ્રદુષણની માત્રા ઘટે તે હેતુને ધ્યાને રાખી નાણાંકીય વર્ષ ર૦૧૯-ર૦ર૦ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજેકટ હેઠળ ખાસ રૂ. ૧,૦૦,૦૦,૦૦૦ ની તથા વર્ષ ર૦ર૦-ર૦ર૧ ના બજેટમાં સાયકલ પ્રમોશન પ્રોજેકટ હેઠળ ખાસ રૂ. ૩૦,૦૦,૦૦૦ બજેટની જોગવાઇ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આ યોજનાની અમલ તારીખ બાદ ફકત રાજકોટ શહેરના શહેરીજનો દ્વારા ખરીદ કરવામાં આવેલ નવી સાયકલ ઉપર રૂ. ૧૦૦૦ કુટુંબદીઠ એક વ્યકિતને તેઓના બેંક ખાતામાં વળતર આપવાનું નકકી કરવામાં આવેલ.

જે અન્યવે આ યોજનાનો લાભ તમામ સાયકલ ધારકોને મળી રહે તે અર્થે કુટુંબ દીઠ એક વ્યકિતને બદલે સાયકલ ખરીદી કરનાર તમામ વ્યકિતઓને આ લાભ મળે તે હેતુથી  સાયકલ પ્રમોશન પ્રોજેકટમાં સુધારેલા નીતિ-નિયમો અને શરતોનું પાલન કરવાનું રહેશે તથા ઇ-બાઇક પ્રમોશન માટે નીતિ નિયમો મુજબની

સાયકલ સબસીડીનાં નીતિ-નિયમો

આ યોજનાનો લાભ ૧૮ વર્ષ કે તેથી ઉપરના તમામ વ્યકિતને મળશે. જે માટે અરજી કરનાર વ્યકિત એ અરજી કરતી વખતે પોતાનો આધાર કાર્ડ નંબર ફરજીયાત રૂપે દર્શાવવાનો રહેશે. સદરહું યોજના અન્વયે લાભાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે અને નિયત શરતોને આધીન સાયકલ પ્રમોશન યોજનાનો લાભ મળનાર હોઇ, ત્યારબાદ રજૂ થયેલ અરજી માટે આખરી નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે.

આ યોજના અંતર્ગત સાયકલની ખરીદી યોજનાની અમલ તારીખ ૧પ-૭-ર૦૧૯ કે ત્યાર પછીના સમયમાં થયેલી હોવી જોઇએ જેનું જીએસટી સહિતનું બીલ-ચેસીસ નંબર સાથેની વિગતો નિયત અરજી ફોર્મ જરૂરી આધાર પુરાવા સાથે રજુ કરવાની રહેશે.

આ યોજનાનો લાભ મેળવવા અરજી કરનારના નામનું જ સાયકલ ખરીદીનું બીલ રજૂ કરવાનું રહેશે. તેમજ યોજનાની અમલ તારીખ બાદ ખરીદ કરેલ સાયકલ પર લાભ મળવા પાત્ર રહેશે.

અરજી કરનારે આધારે કાર્ડ, રેશનકાર્ડ, સહ અરજી કરવાની રહેશે જે પૈકી કોઇપણ એક પુરાવો રાજકોટનો હોવો ફરજીયાત રહેશે તેમજ અરજદારની બેંકની વિગતો સાથે કેન્સલ ચેક પણ આપવાનો રહેશે.

અરજીની સાથે સાયકલ ખરીદીના જીએસટીવાળુ ડુપ્લીકેટ બીલ અથવા ઝેરોક્ષ પર સાયકલ એજન્સીના સંચાલકના સહી સિક્કા કરવાના રહેશે.

આ યોજના રાજકોટ શહેરના વિસ્તારના લોકો પુરતી મર્યાદિત હોય બહારગામના કે રાજકોટ મહાનગરપાલિકાની હદ બહારના વિસ્તારના લોકોને આ યોજનાનો લાભ મળી શકશે નહીં. જે માટે અરજદાર રાજકોટનાં રહેવાસી હોઇ તેવું આધાર કાર્ડ અથવા રેશનકાર્ડ રજુ કરવાનું રહેશે.

સબસીડીનાં નીતિ-નિયમો

આ યોજનાનો લાભ ૧૮ વર્ષ કે તેથી ઉપરના વ્યકિતને મળશે. જે માટે અરજી કરનાર વ્યકિતએ અરજી કરતી વખતે પોતાનો આધારકાર્ડ નંબર ફરજીયાત રૂપે દર્શાવવાનો રહેશે.

સદરહું યોજના અન્વયે લાભાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે અને નિયત શરતોને આધીન ઇ-બાઇક પ્રમોશન યોજનાનો લાભ મળનાર હોઇ, ત્યાર બાદ રજુ થયેલ અરજી માટે આખરી નિર્ણય રાજકોટ મહાનગરપાલિકાનો રહેશે.

આ યોજના અંતર્ગત ઇ-બાઇકની ખરીદી યોજનાનો લાભ લેાવ માટેની અમલ તા. ૦૧-૦૪-ર૦ર૧ પછીના સમયમાં થયેલી હોવી જોઇએ, જેનું જીએસટી સહિતનું બીલ, ચેસીસ નંબર કે યુનિક નંબર સાથેની વિગતો નિયત અરજી ફોર્મ જરૂરી આધાર-પુરાવા સાથે રજૂ કરવાના રહેેશે. વર્ષ ૨૦૨૧-૨૨ માટે પ્રથમ ૧૦૦ ઈ-બાઈક ખરીદનારને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.

- આ યોજનાનો લાભ મેળવવા અરજી કરનારના નામનુ જ ઈ-બાઈક ખરીદીનું બીલ રજુ કરવાનું રહેશે. તેમજ યોજનાની અમલ તારીખ બાદ ખરીદ કરેલ ઈ-બાઈક પર લાભ મળવા પાત્ર રહેશે.

-અરજીની સાથે ઈ-બાઈક ખરીદીના ડીએસટીવાળુ ડુપ્લીકેટ બીલ અથવા ઝેરોક્ષ પર ઈ-બાઈક એજન્સીના સંચાલકના સહી-સિક્કા કરવાના રહેશે.

- આ યોજનાનો લાભ મેળવવા નિયત કરેલ અરજી ફોર્મ જરૂરી વિગતો ભરી તેમા દર્શાવેલ આધાર-પુરાવા સાથે રજુ કરવાનુ રહેશે. અન્યથા અરજી મંજુર કરવામાં આવશે નહિ.

આ યોજના રાજકોટ શહેરના વિસ્તારના લોકો પુરતી મર્યાદિત હોય બહારગામના કે રાજકોટ મહાનગરપાલિકાની હદ બહારના વિસ્તારના લોકોને આ યોજનાનો લાભ મળી શકશે નહિ.

 આ યોજના અંતર્ગત રૂ. ૫૦૦૦ (અંકે રૂપિયા પાંચ હજાર)ની સબસીડી અરજદારના બેંકના ખાતામાં જ જમા કરવામાં આવશે. અન્ય કોઈપણ રીતે મળશે નહિ.

આ ઉપરાંત આજનાં જનરલ બોર્ડમાં  લેંગ લાયબ્રેરીનાં સભ્યપદે વોર્ડ નં. ૯ નાં કોર્પોરેટર આશાબેન રાજીવભાઇ આશાબેન રાજીવભાઇ ઉપાધ્યાયની નિયુકતી કરવા સહિત એજન્ડામાં રહેલી ૭ દરખાસ્તો મંજુર કરી બોર્ડ પુર્ણ જાહેર કરાયેલ.

(3:15 pm IST)