Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

જનરલ બોર્ડમાં પ્રજાનાં પ્રશ્નોની ચર્ચા જરૂરી : ૧ કલાકનો સમય પુરતો નથી : આપની રજુઆત

માત્ર ૧ કલાકની સમય મર્યાદા નિશ્ચિત કરવાથી જનરલ બોર્ડ ફારસ રૂપ થઇ રહ્યું છે : રાજભા ઝાલાએ મેયરને આવેદન પાઠવ્યું

રાજકોટ, તા. ૧૯:  મ.ન.પા. માં આજે સવારે ૧૧ વાગ્યે જનરલ બોર્ડ યોજાયું હતું. તે અગાઉ આમ આદમી પાર્ટી (આપ) નાં શહેર પ્રમુખ રાજભા ઝાલાએ મેયર પ્રદિપ ડવને આવેદન પત્ર પાઠવ્યું હતુ અને જનરલ બોર્ડમાં પ્રજાનાં તમામ પ્રશ્નોની ચર્ચા થાય તે માટે પ્રશ્નોતરીની સમય મર્યાદા વધારવા માંગ ઉઠાવી હતી.

આ આવેદન પત્રમાં જણાવાયું છે કે આજે ૧૯ તારીખે રાજકોટ મહાનગરપાલિકા જનરલ બોર્ડ છે. તેમાં મારા ધ્યાનમાં આવ્યા મુજબ કોર્પોરેશનશ્રીઓના અંદાજિત ૩૩ પ્રશ્નો છે. ત્યારે રજુઆત અને સુચન છે કે, ભૂતકાળમાં વર્ષો પહેલા જનરલ બોર્ડમાં પ્રશ્નોતરીની ચર્ચા કલાકો સુધી ચાલતી તેવા દાખલા છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી અગમ્ય કારણોસર જનરલ બોર્ડમાં પ્રશ્નરોતરીનો સમય ૧ કલાક નિશ્ચિત કરી નાખ્યો છે. જેને કારણ તંદુરસ્ત ચર્ચા થઇ શકતી નથી અને જનરલ બોર્ડના માધ્યમથી લોકો પ્રશ્નોને જે વાચા મળવી જોઇએ તે મળતી નથી અને રાજકોટના લોકોને જાણ્યે અજાણ્યે અન્યાય થઇ રહ્યો છે. આજે જનરલ બોર્ડમાં તમામ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરીને રાજકોટની જનતા સમક્ષ વાસ્તવિક પરિસ્થિતિનું ચિત્ર રજુ થાય તે તંદુરસ્ત લોકશાહીની નિશાની છે.

જનરલ બોર્ડ ઘણા વર્ષોથી ફારસ રૂપ જ થઇ રહ્યું છે. તેથી પ્રશ્નોતરી માટે પુરતા સમય ફાળવી સાયા અર્થમાં એક બંધ થયેલ લોકશાહી પરંપરાને પુનઃ ચાલુ કરાવી છે. જનરલ બોર્ડમાં થોડા વર્ષોથી ચાલી આવતી પ્રણાલીને તોડીને ફરીથી લોકશાહી ઢબે જનરલ બોર્ડનો ઉદેશ સિધ્ધ થાય તે વ્યવસ્થા ચાલુ કરાવો તેવી માંગ છે.

(3:07 pm IST)