Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

નોઇડા-ગાઝીયાબાદથી ચોરાયેલી મોંઘીદાટ કાર રાજકોટમાં વેંચવાનું કારસ્તાનઃ કોઠા પીપળીયાનો રાહુલ ઘીયાડ પકડાયો

રાજસ્થાની શખ્સ સાથે ગેરેજ સંચાલકનો સોશિયલ મિડીયાથી સંપર્ક કર્યો ને ચોરાઉ કાર વેંચવાનો પ્લાન ઘડ્યો : ક્રાઇમ બ્રાંચનું ડિટેકશનઃ રાજસ્થાની શખ્સ ઝડપાયા બાદ દિલ્હી એનસીઆર, યુપી, હરિયાણા, રાજસ્થાન, એમપીથી ચોરાયેલી કારોનો ભેદ ખુલવાની આશાઃ ત્યાંની પોલીસની મદદ લઇ તપાસનો ધમધમાટ : માર્ચ મહિનામાં ૨૩ લાખની ત્રણ ચોરાઉ કાર ખરીદી ગેરેજમાં રાખી હતીઃ ગ્રાહક મળે એ પહેલા પોલીસ આવી ગઇ : એએસઆઇ જયુભા પરમાર, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા અને હરદેવસિંહ જાડેજાની બાતમી પરથી પીએસઆઇ એમ. વી. રબારીની ટીમની કામગીરી

રાજકોટ તા. ૧૮: શહેર ક્રાઇમ બ્રાંચે  યુપીથી ચોરાયેલી મોંઘીદાટ કારને રાજકોટમાં વેંચવાના કોૈભાંડનો પર્દાફાશ કરી લોધીકાના કોઠા પીપળીયા ગામે રહેતાં અને નવા ૧૫૦ રીંગ રોડ પર પાળ રોડ ટીલાળા ચોકડી વાવડીના રસ્તે પર પારસોલી ગેરેજ ધરાવતાં રાહુલ ભરતભાઇ ઘીયાડ (ઉ.વ.૨૪)ને પકડી લઇ પંજાબ અને યુપી પાસીંગની સ્કોર્પિયો, ઇનોવા અને ઓટોમેટિક બ્રેઝા મળી ૨૩ લાખની ત્રણ કાર કબ્જે કરી છે. સોશિયલ મિડીયાથી કોન્ટેકટ થયા બાદ ગયા માર્ચ મહિનામાં રાજસ્થાની શખ્સ આ ચોરાઉ કાર વેંચવા આપી ગયાનું રાહુલે રટણ કર્યુ છે. પોલીસને આશા છે કે આગળ તપાસમાં દિલ્હી એનસીઆર, યુપી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશમાંથી ચોરાયેલી કારનો ભેદ ઉકેલાઇ શકે છે.

ડીસીબી પીએસઆઇ એમ. વી. રબારીની ટીમના એએસઆઇ જયુભા પરમાર, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા અને હરદેવસિંહ જાડેજાને બાતમી મળી હતી કે નવા ૧૫૦ ફુટ રીંગરોડ-૨ પાળ રોડ, ટીલાળા ચોકડી, વાવડીગામના રસ્તા ઉપર આવેલ પારસોલી મોટર ગેરેજમાં ચોરાઉ વાહનો રખાયા છે. આથી ત્યાં જઇ તપાસ કરતાં કાળા કલરની સ્કોર્પીયો નંબર પીબી-૭-ડીઇ-૪૯૮૬ રૂ. ૭,૦૦,૦૦૦ની, મરૂન કલરની ટોયોટા ઇનોવા નંબર યુપી-૧૬બીએચ-૮૮૦૮ રૂ. ૯,૦૦,૦૦૦ તથા સફેદ કલરની ઓટોમેટીક મારૂતી બ્રેઝા નંબર યુપી-૧૫-સીવી- ૭૭૦૮ કિમંત રૂ. ૭,૦૦,૦૦૦ની મળી કુલ ૨૩ લાખની ત્રણ કાર મળી હતી. ગેરેજ સંચાલક રાહુલ ભરતભાઇ ઘીયાડ (પટેલ) (ઉ.વ.૨૪ રહે. કોઠા પીપળીયા)ની પુછતાછ કરતાં અને તેની પાસેથી ગાડીના કાગળો માંગતા ગલ્લા તલ્લા કર્યા હતાં. વિશેષ પુછતાછમાં આ ગાડી રાજસ્થાની શખ્સ પાસેથી ગયા માર્ચ મહિનામાં ખરીદી હોવાનું અને ચોરાઉ હોવાનું કબુલતાં તેની અટકાયત કરી કાર કબ્જે લીધી હતી.

રાહુલે સ્કોર્પિયો છ લાખમાં, બ્રેઝા અને ઇનોવા ચાર-ચાર લાખમાં ખરીદી હતી. ચોરાઉ હોવાનું પણ તે જાણતો હતો. રાજસ્થાની શખ્સ સાથે ફેસબૂકથી સંપર્ક થયા બાદ આ ગાડી તેની પાસેથી ખરીદી હતી. લોકડાઉન હોવાથી હાલમાં ગેરેજમાં મુકી દીધેલી આ કાર તે અઢીથી ત્રણ લાખનો નફો કમાઇને વેંચવા માંગતો હતો. આ કાર લોનના હપ્તા ચડી જતાં પાછી ખેંચી લેવાયેલી છે તેમ કહીને તે ગ્રાહકોને બતાવતો હતો. જો કે હજુ કોઇ કારનો સોદો નક્કી થયો નહોતો. કાર વેંચાઇ એ પહેલા પોલીસે તેને દબોચી લીધો હતો.

કબ્જે લેવાયેલી ત્રણેય ચોરાઉ કારના ગુના નોંધાયેલા છે. જેમાં ગાજીયાબાદ જીલ્લાના ઇન્દ્રાપુરમ પોલીસ સ્ટેશન, ગોૈતમ બુધ્ધનગર નોઇડા સેકટર-૪૯ અને  ગૌતમ બુધ્ધનગર બિસરખ પોલીસ સ્ટેશનમાં આ ગુના દાખલ થયા છે. પોલીસે તપાસ કરાવતાં ચાલુ વર્ષમાં દીલ્હી નોઇડા વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં ૧૦ થી ૧૫  જેટલી મોંઘીદાટ કારની ચોરી થયાની નોંધ થયાનું જાણવા મળ્યું છે. ચોરાઉ કાર રાહુલને વેંચી જનારો રાજસ્થાની શખ્સ પકડાયા બાદ દીલ્હી એનસીઆર, ઉત્તરપ્રદેશ, હરીયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિગેરે રાજયમાંથી ચોરી થયેલા ફોર વ્હીલ વાહનાના ભેદ ખુલે અને આ વાહનો કબ્જે થાય તેવી શકયતા છે. બહારના રાજ્યોમાંથી ચોરી કરી ગુજરાત સહિત અન્ય રાજયોમાં વેચાણ થતી ગાડીઓની બાબતમાં ગ્રાઉન્ડથી ટોપ સુધીમાં સંડોવાયેલ આરોપીઓની તપાસ કરી  સ્થાનીક પોલીસની મદદ લઇ ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાંચે કમર કસી છે.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરી અને સુચના હેઠળ પો.ઇન્સ. વી.કે.ગઢવી, પીએસઆઇ એમ.વી.રબારી, એએસઆઇ જયેન્દ્રસિંહ એમ. પરમાર, હેડકોન્સ.પ્રતાપસિંહ ઝાલા, દીગ્વિજયસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, કોન્સ. એભલભાઇ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજા, પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સોકતભાઇ ખોરમે આ કાર્યવાહી કરી હતી.

(11:31 am IST)