Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ગાંધીગ્રામ - ૧૫૦ ફુટ રીંગ રોડ તથા હનુમાન મઢી સહિતના વિસ્તારોમાં ઓચિંતો પાણીકાપ

ગઇકાલે રાત્રે નર્મદાની એન ૩૨ લાઇનમાં ટેકનીકલ ખામી સર્જાતા શહેરનાં રૈયાધાર હેડ વર્કસ હેઠળનાં વોર્ડ નં.૧, ૨(પાર્ટ)૯ તથા ૧૦ (પાર્ટ) સહિતનાં વિસ્તારોમાં આજે પાણી વિતરણ બંધ રહ્યુ

રાજકોટ,તા. ૧૯: મ.ન.પા. દ્વારા શહેરના ગાંધીગ્રામ વિસ્તાર તથા ૧૫૦ ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોના ત્રણ વોર્ડના અડધો -અડધ વિસ્તારોમાં આજે સવારથી ઓચિંતો પાણી કાપ ઝિંકી દેતા ગૃહિણીઓમાં પાણી દેકારો બોલી ગયો હતો.

આ અંગે મ.ન.પા.ના વોટર વર્કસ વિભાગની સતાવાર યાદીમાં જણાવાયા મુજબ 'ગઇ રાત્રે રાજકોટને પાણી પુરૂ પાડતી નર્મદા યોજનાની એન.૩૨ પાઇપ લાઇનમાં પમ્પીંગની ટેકનીકલ ખામી સર્જાતા શહેરના રૈયાધાર હેડવર્કસ કે જ્યાં નર્મદા યોજનાનું પાણી ઠાલવીને વિતરણ થાય છે. ત્યાં પાણીનો સ્ટોરેજ ન થઇ શકયો. આથી આજે સવારે ૧૫૦ ફુટ રીંગ રોડ ગાંધીગ્રામ પાણીના ટાંકામાંથી જે વિસ્તારોમાં પાણી વિતરણ થાય છે. તેવા ગાંધીગ્રામ અને ૧૫૦ ફૂટ રીંગ રોડ તેમજ હનુમાન મઢી વગેરે વિસ્તારોને લાગુ વોર્ડ નં. ૧,૨ અને ૧૦ના અડધો -અડધ વિસ્તારોમાં પાણી વિતરણ અશકય બન્યું છે. આમ આજે સવારે ઉકત વિસ્તારોમાં ઓચિંતો પાણી કાપ ઝિંકવામાં આવતા લોકોમાં તંત્ર સામે કચવાટ અને રોષની લાગણી જોવા મળી રહી હતી.

(3:12 pm IST)