Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

દવાની દુકાનો ખૂલી રાખવાના સમયની સ્પષ્ટતા કરવા કોર્પોરેશનમાં રજૂઆત

કેમીસ્ટ એસો. રાજકોટ દ્વારા : લોકડાઉન ૩.૦ સુધી સવારે ૯ થી રાત્રે ૯ વાગ્યા સુધી દુકાનો ખુલી રહેતીઃ તો પછી લોકડાઉન ૪.૦માં સમય મર્યાદા કેમ?

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં લોકડાઉન ૪.૦ નો અમલ શરૂ થઇ ચૂકયો છે અને નવા રંગરૂપ સાથેના આ લોકડાઉનમાં વિવિધ વેપાર-ધંધા માટે શરતોને આધીન છૂટછાટો પણ મળી છે.

આ સંદર્ભે કેમીસ્ટ એસો. રાજકોટના પ્રમુખ મયુરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષ દેસાઇના નેજા હેઠળ સંસ્થા દ્વારા રાજકોટની એકહજાર જેટલી દવાની પેઢીઓ ખુલી રાખવાના સમયની સ્પષ્ટતા કરવા રાજકોટ મ્યુનિસીપલ કમિશનરશ્રી ઉદિત અગ્રવાલને રજૂઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે દવાના તમામ ધંધાર્થીઓએ આગળના ત્રણેય લોકડાઉન દરમ્યાન દિવસ-રાત જોયા વગર સવારે ૯ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ફરજ બજાવી છે. સંસ્થા પણ સતત સરકારશ્રીના અને મ્યુ. કોર્પોરેશનના નિયમોને સહયોગ આપી રહી છે.

જયારે લોકડાઉન ૪.૦ દરમિયાન ગુજરાત સરકારના જાહેરનામા મુજબ દવાની દુકાનની સમય મર્યાદા સંદર્ભે સ્પષ્ટતાની જરૂર હોય, યોગ્ય દિશા-નિર્દેશ આપવા રજૂઆતમાં માગણી કરવામાં આવી છે. મ્યુ. કમિશનરની ગેરહાજરીમાં ડે. મ્યુ. કમિશનનરશ્રી ચેતન નંદાણીને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

જાણવા મળતી વિગતો મુજબ કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજકોટમાં દવાની દુકાનો સવારે ૭ થી સાંજે ૭ વાગ્યા સુધી ખુલી રાખી શકવાનો નિર્ણય મ્યુ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યો છે. ર૪ કલાકનું લાયસન્સ ધરાવતા મેડીકલ સ્ટોર્સ આખો દિવસ ખૂલા રહી શકશે.

(4:34 pm IST)