Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

હજુ આજે પણ રાજકોટ સહિત રાજયભરમાં કયાંય પણ એસટી બસો શરૂ થઇ નથીઃ ગાઇડ લાઇનની રાહ

બસો દોડશે તો પણ સવારે ૭ થી સાંજે ૭ સુધીઃ દરેક ડીવીઝને કયા જીલ્લામાં બસો ચલાવવી તે સાંજે જાહેર થશેઃ આજે બપોર પછી આદેશ આવ્યા બાદ કાલથી રાજકોટની બસોના પૈડા ધમધમશેઃ સ્ટાફને તૈયાર રહેવા સુચનાઃ રાજકોટ એસટી સેન્ટ્રલ બસ સ્ટેશન ઉપર બપોર સુધીમાં ૪૦૦ થી પ૦૦ મુસાફરો બસો ચાલુ થવા અંગે દોડી આવ્યા સ્ટાફે સમજાવી રવાના કર્યાઃ અપડાઉન વાળા ર૦૦થી વધુ સવારે પહોંચી ગયા હતા

રાજકોટ તા. ૧૯ :.. આજથી લોકડાઉન વચ્ચે કન્ટેમેન્ટ ઝોન સિવાય રાજકોટ સહિત ગુજરાતભરમાં ધંધા-રોજગાર ખુલી ગયા છે. એસટી બસોને પણ છૂટ અપાઇ છે.

દરમિયાન એસટી બસો ચાલુ થવા અંગે આજે રાજકોટ એસટીના ડીવીઝનલ નિયામક શ્રી યોગેશ પટેલે 'અકિલા' ને જણાવ્યું હતું કે, રાજકોટ સહિત રાજયભરમાં હજુ કયાંય પણ એસટી બસો શરૂ થઇ નથી, દરેક ડીવીઝન ગાઇડ લાઇનની રાહ જોઇ રહયું છે, આજે બપોર સુધીમાં ગાઇડ લાઇન તૈયાર થાય, સાંજે સુચના આવ્યા બાદમાં બસોના પૈડા ધમધમશે, જો કે, અમે અમારા તમામ ડ્રાઇવર-કંડકટર અને ડેપોના સ્ટાફને તૈયાર રહેવા આદેશો કર્યા છે.

તેમણે જણાવેલ કે દરેક ડીવીઝનને પોતાના જીલ્લામાંથી અન્ય કયા જીલ્લામાં બસો દોડાવવી, કે પોતાના જીલ્લામાં જ બસો રાખવી. વિગેરે બાબતે સુચના આવશે, અને બસો પણ દોડશે તો એ પણ સવારે ૭ થી સાંજે ૭ સુધી જ દોડશે, કારણ કે સાંજે ૭ પછી બધુ ઠપ્પ કરી દેવાશે.

આ ઉપરાંત ૧ર કલાકથી વધુની મુસાફરીના મુદે પણ અવઢવ છે. કોઇ મુસાફર સવારે ૭ વાગ્યે બસમાં બેસે અને તેને જે સ્થળે જવું હોય ત્યાં પહોંચતા સુધીમાં ૧૩ કલાક સુધીનો સમય લાગતો હોય તો શું કરવું ? કારણ કે, સાંજે ૭ વાગ્યા બાદ તો રાજયમાં કફર્યુ લાગી જવાનો છે. આથી ગુજરાતમાં જ એક સ્થળેથી બીજા સ્થળે એસટીમાં  મુસાફરી કરનાર મુસાફરને ૧૩ કલાકની મુસાફરી કરવી હશે તો તેઓને કોઇ રાહત અપાશે કે કેમ તે નકકી નથી. પોરબંદરથી વલસાડ જવું હોય તો ઓછામાં ઓછો ૧૩ કલાકનો સમય લાગે છે.

સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા એક બસમાં ૩૦થી વધુ પેસેન્જરો લેવામાં આવશે નહીં. પ્રારંભિક તબક્કામાં એક સ્ટેશનથી બીજા સ્ટેશને નોન સ્ટોપ પ્રકારે બસો દોડાવાશે જે સરકારની સુચના પ્રમાણે સવારે ૭મી સાંજે ૭ સુધી જ પરિવહન કરશે. રાત્રી પાળીમાં બસો દોડશે નહીં.

સમગ્ર રાજયમાં ૧૩પ એસટી ડેપો આવેલા છે. હાલમાં શ્રમજીવીઓ માટે ખાસ વ્યવસ્થા તરીકે ઘણી એસટી બસો રોકાયેલી છે. ત્યારે શરૂઆતમાં દરેક ડેપોમાંથી ૧પ-ર૦ જેટલી બસોનું પરિવહન શરૂ કરાશે. અમદાવાદ-સુરતના કન્ટેઇન્મેન્ટ ઝોનમાં બસો નહીં જાય.

જો કે ૩૦ યાત્રીને લઇને દોડતી બસોનું ભાડુ રેગ્યુલર જ રહેશે કે જે રીતે રેલ્વે રાજધાનીનું ભાડુ વસુલે છે તેમ વધારાના ભાડા સાથે બસો દોડશે, લાંબા અંતરની બસો શરૂ થશે કે નહીં, વોલ્વો વગેરે પ્રિમિયમ બસો દોડાવાશે કે કેમ ? કોરોના સંક્રમણ સામે એસટી બસ સ્ટેશનમાં કેવી સાવચતી રાખાશે, યાત્રિકોનું મેડીકલ ચેકઅપ થશે કે નહીં ? કયા રૂટ પર બસો દોડશે ? વગેરે પ્રશ્નો ઉભા થયા છે.

આજે એસટીની અમદાવાદ સ્થિત વડી કચેરીએ સમગ્ર રાજયમાં બસોના સંચાલનનો રોડમપ તૈયાર થયા પછી સત્તાવાર વિગતો બહાર આવશે.

(11:40 am IST)