Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

૧૦૦થી વધુ લોકોના નામે લાખોની બોગસ લોન મેળવી ઠગાઇ

૧૫૦ ફુટ રોડ પર આવેલી કેપિટલ ફર્સ્ટ ફાયનાન્સમાંથી સાતેક શખ્સોએ ૬૦ થી ૭૦ હજારની અનેક લોન મેળવી લીધીઃ આધાર કાર્ડમાં નામ બીજાનું અને ફોટો પણ બીજાનોઃ બેંકના સ્ટેટમેન્ટ પણ ખોટાઃ ઇએમઆઇનો ચેક રિટર્ન થતાં કેપિટલ કંપનીએ ઉઘરાણી શરૂ કરતાં લોકોને ખબર પડી કે તેના નામે લોન લેવાઇ ગઇ છે!!: સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યોઃ જુદા-જુદા કામ માટે લોકોએ આપેલા આધારકાર્ડ સહિતના ડોકયુમેન્ટનો દૂરૂપયોગઃ ૭ શખ્સોની ટોળકીએ આચર્યુ કોૈભાંડ

ઇમ્પિરીયલ હાઇટ્સમાં આવેલી કેપિટલ ફર્સ્ટ લિમીટેડ નામની ઓફિસે છેતરાયેલા લોકો ઉમટી પડ્યા હતાં તે તસ્વીરોમાં જોઇ શકાય છે. નીચેની તસ્વીરમાં છેતરાયેલા પૈકીના તુલેશકુમાર જાની તથા અન્ય લોકો અને કેપિટલ ફર્સ્ટ કંપનીના સેલ્સ મેનેજર સરફરાજ હેરંજા તથા એકઝીકયુટીવ રાજેશ ડાંગર જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

આધારકાર્ડમાં નામ સરનામુ એક જ વ્યકિત તુલેશકુમાર જાનીનું છે, પણ ફોટો બદલી નખાયો છે તે જોઇ શકાય છેં

રાજકોટ તા. ૧૯: શહેરમાં સાતથી આઠ શખ્સોની ટોળકીએ જુદા-જુદા કામ સબબ પોતાના આધાર કાર્ડ સહિતના ડોકયુમેન્ટ આપનારા લોકોના ડોકયુમેન્ટમાં ગોલમાલ કરી ફોટા બદલી નાંખી તેમજ ખોટા બેંક સ્ટેટમેન્ટ ઉભા કરી સોએક લોકોના નામે મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઇમ્પિરીયલ હાઇટ્સમાં આવેલી કેપીટલ ફર્સ્ટ લિમીટેડ નામની ફાયનાન્સ કંપનીમાંથી ૬૦ થી ૭૦ હજારની લોનો મેળવી લઇ લાખોની ઠગાઇ કરતાં દેકારો મચી ગયો છે. લોન લીધી નહિ હોવા છતાં હપ્તાની રિકવરીની નોટીસો મળતાં લોકો ઢગાઇ ગયા હતાં અને કેપિટલ ફર્સ્ટની ઓફિસે પહોંચી તપાસ કરતાં પોતાના નામે બોગસ લોન લેવાઇ ગયાની અને આ કોૈભાંડમાં સાતેક શખ્સો સામેલ હોવાની વિગતો બહાર આવતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.

ઠગાઇનો ભોગ બનેલા પેકીના બજરંગવાડીમાં રહેતાં તુલેશકુમાર મુકુંદરાય જાનીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે તેની પાસેથી ચારેક માસ પહેલા પરિચીત મનિષ વ્યાસે આઇસીઆઇસીઆઇ બેંકનું ક્રેડિટ કાર્ડ વિનામુલ્યે મળશે તેમ કહી આધારકાર્ડ સહિતના ડોકયુમેન્ટ મેળવી લીધા હતાં. પરંતુ આજ સુધી તેને ક્રેડિટ કાર્ડ મળ્યું નહોતું. ત્યાં તેને ગઇકાલે કેપિટલ ફર્સ્ટ કંપની તરફથી લોનનો હપ્તો ભરી જવાની નોટીસ મળતાં પોતે ચોંકી ગયા હતાં. કારણ કે તેણે કોઇપણ પ્રકારની લોન લીધી જ નહોતી છતાં લોન ભરપાઇ કરવાની નોટીસ મળી હતી અને રિકવરી માટે એજન્ટ ઘરે પહોંચ્યા હતાં.

કેપિટલ ફર્સ્ટ લિમીટેડની ઓફિસે પહોંચી તપાસ કરતાં ત્યાં પોતાના નામની લોન બોલતી હોવાનું જણાવાયું હતું. તેમજ રજૂ કરાયેલા આધારકાર્ડ સહિતના ડોકયુમેન્ટ અને બેંક સ્ટેટમેન્ટ દેખાડવામાં આવ્યા હતાં. પણ આધારકાર્ડમાં નામ તો પોતાનું જ (જાની તુલેશકુમાર મુકુંદરાય) હતું પરંતુ તેમાં ફોટો બીજા કોઇનો હતો. તેમજ લોન માટે જે બેંક સ્ટેટમેન્ટ રજુ કરાયું હતું તે બેંકમાં તેનું ખાતુ જ નહિ હોવાની ખબર પડી હતી. આમ કોઇએ કારીગીરી કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી પોતાના નામે લોન મેળવી લીધાની ખબર પડતાં કંપનીના સેલ્સ મેનેજર સરફરાજ હેરંજા અને એકઝીકયુટીવ રાજેશ ડાંગર સમક્ષ રજૂઆત કરી હતી.

તુલેશકુમાર જાની ઉપરાંત બીજા લોકો પણ આવી જ રીતે પોતાના નામે લોન લઇ લેવામાં આવ્યાની રાવ સાથે કેપીટલની ઓફિસે પહોંચતાં ભારે દેકારો મચી ગયો હતો. લોકોએ કોઇને કોઇ કામ સબબ આપેલા આધાર કાર્ડ સહિતના દસ્તાવેજોમાં ગોલમાલ કરી ફોટા બદલી ખોટા દસ્તાવેજો ઉભા કરી ૬૦ થી ૭૦ હજારની લોનો મંજૂર કરાવી લેવામાં આવ્યાનું સામે આવ્યું હતું. આ રીતે સો જેટલા લોકોના નામે લોન મેળવી લેવાયાનું હાલ ચર્ચાઇ રહ્યું છે. સમગ્ર મામલે ભોગ બનેલા અને કંપનીના સેલ્સ મેનેજર તથા એકઝીકયુટીવ સહિતના માલવીયાનગર પોલીસ મથકે પહોંચ્યા છે અને પી.આઇ. એન. એન. ચુડાસમાને મળી ફરિયાદ નોંધાવવા તજવીજ કરી છે.

જે શખ્સોએ આ કોૈભાંડ આચર્યુ તેમાં કિશન કતીરા, રવિરાજસિંહ રાણા, મિત તન્ના, હાર્દિકસિંહ જાડેજા, મોહસીન દલવાડી, મોન્ટુ રાડીયા, અર્જૂન આહિર, મનિષ સહિતના સામેલ હોવાનું એકઝીકયુટીવ રાજેશ ડાંગરે જણાવ્યું હતું. આ શખ્સોએ ડરાવી ધમકાવીને બોગસ લોનો પાસ કરાવ્યાની પણ ચર્ચા છે. અંદાજે વીસથી બાવીસ લાખની ઠગાઇ થઇ છે. આંકડો વધવાની શકયતા છે. પોલીસે કોૈભાંડીઓ પૈકીના બે-ત્રણ શખ્સોને ઉઠાવી લઇ પુછતાછ શરૂ કરી છે. (૧૪.૧૦)

 

(4:09 pm IST)