Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

બીટકોઈન મામલે પાઠક સ્કૂલના ટ્રસ્ટી સહિત બેને ઉઠાવી લેતી સીઆઈડી

મેટોડા પાઠક સ્કૂલમાંથી ટ્રસ્ટી નરેશ ભટ્ટ તથા તેના ભાણેજ નિકુંજ ભટ્ટને રાજકોટ ક્રાઈમ બ્રાંચે પકડી સીઆઈડીને હવાલે કર્યાઃ બન્ને ચર્ચાસ્પદ બીટકોઈન પ્રકરણના ફરીયાદી શૈલેષ ભટ્ટના ભાણેજ થાય છેઃ બન્નેને ગાંધીનગર લઈ જવાયાઃ પાઠક સ્કૂલના ટ્રસ્ટી સહિત બેને ઉઠાવી જવાતા અપહરણ થયાની અફવા ફેલાઈ'તી જો કે તપાસમાં બન્નેને પૂછતાછ અર્થે પોલીસ લઈ ગયાનું ખૂલ્યુ

તસ્વીરમાં મેટોડા સ્થિત પાઠક સ્કૂલ નજરે પડે છે. અન્ય તસ્વીરમાં સ્કૂલના ટ્રસ્ટી સહિત બેને લઈ જતી પોલીસ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તે દ્રશ્યમાન થાય છે(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૯ :. રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલ કરોડોના બીટકોઈન મામલે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે એ દરમિયાન રાજકોટની ભાગોળે મેટોડા જીઆઈડીસીમા આવેલ પાઠક સ્કૂલના ટ્રસ્ટી અને તેના ભાણેજને સીઆઈડી ક્રાઈમની ટીમ ઉઠાવી ગઈ છે. શરૂઆતમાં સ્કૂલના ટ્રસ્ટી સહિત બેનુ અપહરણ થયાની વાત ફેલાય હતી. જો કે અંતે બીટકોઈન મામલે બન્નેને ઉઠાવી જવાયાનું ખુલ્યુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ અમરેલીના એસ.પી. તથા એલસીબીના પી.આઈ. સહિતની ટુકડીને સંડોવતા ચર્ચાસ્પદ બીટકોઈન મામલે સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટીયા દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ છે. આ પ્રકરણમાં ફરીયાદી શૈલેષ ભટ્ટની સંડોવણી બહાર આવતા તેની પણ શોધખોળ હાથ ધરાય છે તેમજ ધારીના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાને પણ આ મામલે સીઆઈડીએ સમન્સ પાઠવતા તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

દરમિયાન રાજકોટની ભાગોળે મેટોડા જીઆઈડીસીમાં આવેલ પાઠક સ્કૂલના ટ્રસ્ટી નરેશભાઈ વિનુભાઈ ભટ્ટ તથા તેના ભાણેજ નિકુંજ પ્રવીણભાઈ ભટ્ટને સીઆઈડી ક્રાઈમની સૂચનાથી રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટુકડીએ ઉઠાવી લઈ રાજકોટ સીઆઈડી ક્રાઈમને હવાલે કરતા આ બન્નેને લઈ રાજકોટ સીઆઈડી ક્રાઈમના પી.આઈ. રાણા તથા સ્ટાફ ગાંધીનગર સ્થિત સીઆઈડી ક્રાઈમની વડી કચેરીએ જવા રવાના થયા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાઠક સ્કૂલના ટ્રસ્ટી નરેશભાઈ ભટ્ટ બીટકોઈન પ્રકરણના ફરીયાદી શૈલેષ ભટ્ટના ભાણેજ થતા હોય બીટકોઈન મામલે નરેશ ભટ્ટ તથા તેના ભાણેજ નિકુંજને પૂછપરછ અર્થે સીઆઈડી ઉઠાવી ગઈ છે.

પાઠક સ્કૂલના ટ્રસ્ટી નરેશભાઈ ભટ્ટ સહિત બેને રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટુકડી તપાસ અર્થે લઈ જતા આ બન્નેનું અપહરણ કરાયાની અફવાઓ ફેલાય હતી જો કે પોલીસ તપાસમાં આ બન્નેને રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટુકડી લઈ ગયાનું ખૂલ્યુ હતું.

(3:58 pm IST)