Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

પ્રથમ ગ્રાસે જ મક્ષીકા

ઓનલાઇન બાંધકામ પરવાનગીમાં અનેક ક્ષતિઓઃ રાજ્યના ચીફ ટાઉન પ્લાનર રાજકોટ દોડી આવ્યા

રાજયના ટાઉન પ્લાનીંગ વેલ્યુએશન વિભાગનાં ચીફ ટાઉન પ્લાનર પરેશ એલ. શર્મા આજે રાજકોટની મુલાકાતેઃ ઓનલાઇન બિલ્ડીંગ પરમીશન, પ્લાન મંજુરીની રાજકોટ કોર્પોરેશન તથા નગરપાલિકાઓની કામગીરીની સમિક્ષાઃ રાજકોટના આર્કિટેકટ તથા કન્સલ્ટન્ટ ઇજનેરો અને નગરપાલિકાઓના અધિકારી સાથે બેઠક યોજીઃ ઓનલાઇન બાંધકામ પરવાનગી અંગે પ્રેકટીકલ કરાવાયું

ઓનલાઇન બાંધકામ પરવાનગીની ક્ષતિઓ અંગે શહેરના આર્કિટેકટ તથા સિવિલ ઇજનેરોએ ગુજરાતના ચીફ ટાઉન પ્લાનર શ્રી શર્મા સમક્ષ રજૂઆતો કરી હતી તે વખતની તસ્વીર.

 

રાજકોટ તા. ૧૯ : રાજ્ય સરકાર દ્વારા ઓનલાઇન બાંધકામ પરવાનગીનો પ્રારંભ ગઇ તા. ૭ના રોજ થયો છે પરંતુ હજુ સુધી ઓનલાઇન પ્લાન મંજુર નહી થતાં સોફટવેરમાં અનેક ક્ષતિઓ હોવાનું ખૂલ્યું છે. આથી ગુજરાતના ચીફ ટાઉન પ્લાનર પરેશ શર્મા રાજકોટ દોડી આવ્યા છે અને ઓનલાઇન બાંધકામ પરવાનગીમાં શું-શું ક્ષતિઓ ઉભી થઇ છે? કયાં કયાં ત્રૂટીઓ છે તે બાબત વિવિધ નગરપાલિકાઓના અધિકારી તથા રાજકોટના આર્કિટેકટ અને કન્સલ્ટીંગ સિવિલ ઇજનેરો પાસેથી જાણી હતી અને પ્રેકટીકલ કરીને ઓનલાઇન બાંધકામ પરવાનગીમાં શું ક્ષતિઓ છે તે રૂબરૂ નિહાળ્યું હતું.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ આજે ગુજરાત ટાઉન પ્લાનીંગ વેલ્યુએશન વિભાગના ચીફ ટાઉન પ્લાનર પરેશ એલ. શર્મા આજે રાજકોટ આવ્યા હતા અને મ્યુ. કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરી ખાતે ઓનલાઇન બાંધકામ પરવાનગી માટે અરજદારોને પડતી મુશ્કેલીઓ અંગે વિવિધ નગરપાલિકાઓના અધિકારીઓ તથા રાજકોટના આર્કિટેકટ તથા કન્સલ્ટન્ટ ઇજનેરો સાથે ચર્ચા વિચારણા કરી હતી. તેમજ સ્થળ ઉપર જ ઓનલાઇન બાંધકામ પરવાનગીનું પ્રેકટીકલ નિર્દેશન કરાવી અને અરજદારોને પડતી મુશ્કેલી નિહાળી હતી.

દરમિયાન જાણવા મળ્યા મુજબ રાજકોટ કોર્પોરેશનમાં ૭મેથી ઓનલાઇન બાંધકામ પરવાનગી આપવાનું શરૂ થયેલ. જેમાં જે સૌ પ્રથમ પ્લાન ઓનલાઇન ઇન્વર્ડ થયો તેજ મંજૂરી હજુ સુધી મળી નહી હોવાની ફરિયાદ આ બેઠકમાં ચીફ ટી.પી.ઓ સમક્ષ મુકવામાં આવી હતી અને જણાવાયું હતું કે, સોફટવેરની ક્ષતિ હોય કે ગમે તે બન્યુ હોય પરંતુ આ પ્લાનમાં ઇન્વર્ડમાં પ્લોટ નંબર તથા સર્વે નંબર વગેરે પણ ઓનલાઇન અરજીમાં દર્શાવાર્તા ન હતા.

એટલું જ નહી બાંધકામ નિયમોના અર્થઘટનો પણ જુદા જુદા થતા હોઇ આ તમામ ક્ષતિઓ દુર કરવા ચીફ ટાઉન પ્લાનીંગ ઓફિસર સમક્ષ રજૂઆત પણ થયાનું જાણવા મળ્યું છે.

આમ, ઓનલાઇન બાંધકામ પરવાનગીમાં પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવા ઘાટ ઘડાયાની ચર્ચા જાગી છે.

રૂડાનાં ટી.પી.ઓ બદલાવા  ખાનગી બેઠક યોજાયાની ચર્ચા

રાજકોટઃ આજે ગુજરાતનાં ચીફ રાજકોટમાં છે. ત્યારે તેઓની માથે રાજકોટમાં સ્થાનિક અધિકારીઓએ ખાનગી બેઠક યોજાઇ 'રૂડા' નો ટી.પી.ઓની બદલી કરવા બાબતે ઉંડાણપૂર્વક ચર્ચા હોવાની વાતો કન્કટીંગ ઇજનેરી વર્તુળોમાં પહોંચી થઇ હતી.

(3:57 pm IST)