Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

૬ લાખની લૂંટ પ્રકરણમાં સુત્રધાર અક્ષય ઉર્ફે તોતો ગોહેલ પકડાયો

અક્ષયે શોરૂમના કર્મચારી દિલીપ ચૌહાણની આંખમાં મરચુ છાંટયુ'તું: રીમાન્ડ મંગાશે

રાજકોટ, તા. ૧૭ :. ગોંડલ રોડ પર મંગળવારે  બોમ્બે હોટલ પાસે ધોળા દિવસે હ્યુન્ડાઈના શો રૂમના કર્મચારીની આંખમાં મરચુ છાંટી બે બુકાનીધારી બાઈકસવાર શખ્સો છ લાખની રોકડ ભરેલા થેલાની લૂંટનો ક્રાઈમ બ્રાંચે ભેદ ઉકેલી શાપર-વેરાવળના દલિત શખ્સ અને એક સગીરને અમદાવાદથી દબોચી લીધા હતા.

ગઇકાલે વધુ એક શખ્સની ધરપકડ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મંગળવારે બપોરે  હ્યુન્ડાઈના શો રૂમમા નોકરી કરતા દિલીપભાઈ શાંતિલાલ ચૌહાણ(ઉ.વ. ૨૩, રહે. મહેશ્વરી સોસાયટી શેરી નં. ૨)  નામના કર્મચારી શો રૂમમાં આવેલ ૬,૨૪,૭૭૫ની રોકડ રકમ અને આઠ ચેક સાથેનો થેલો ટુવ્હીલરમાં બે પગ વચ્ચે રાખી યાજ્ઞિક રોડ પર આવેલી  એચડીએફસી બેન્કમાં જમા કરાવવા જતા હતા ત્યારે ગોંડલ રોડ પર બોમ્બે હોટલ પાસે રાજ પાંઉભાજી નજીક બાઈકમા આવેલા બે બુકાનીધારી શખ્સોએ બાઈક આડુ નાખી દિલીપભાઈની આંખમાં મરચુ છાંટી એકટીવાની આગળ ૬ લાખની રોકડ રકમ ભરેલો થેલો લૂંટી નાસી ગયા હતા.  દિલીપભાઈએ દેકારો કરતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા જો કે તે પૂર્વે બન્ને બુકાનીધારી શખ્સો તેનુ કામ પુરૂ કરી છુ થઈ ગયા હતા. બનાવ અંગે એ-ડિવીઝન પોલીસને જાણ કરાતા પી.આઈ. વિજય ઓડેદરા, રાયટર રણજીતસિંહ અને વિજયસિંહ  સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી અને પોલીસે શો રૂમના કર્મચારી દિલીપ ચૌહાણની ફરીયાદ દાખલ કરી હતી અને પોલીસે સીસીટીવી ફુટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી ફુટેજમાં લૂંટારૂઓએ ઉપયોગમાં લેવાયેલુ જીજે ૩ જેડી ૩૯૭૦ નંબરનું સફેદ કલરનું એકટીવા જોવા મળતા પોલીસે તપાસ કરતા ગઈકાલે આ એકટીવા કુવાડવા પાસેથી રેઢુ મળી આવ્યુ હતું અને એકટીવાના નંબર આધારે તેના માલિકને શોધી તેની પૂછપરછ કરતા લૂંટારૂઓ ઓળખાયા હતા. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એચ.એમ. ગઢવી તથા એ-ડિવીઝન પોલીસ મથકના પી.આઈ. વી.વી. ઓડેદરા, પી.એસ.આઈ. આર.સી. કાનમીયા, પો. સબ ઈન્સ. જે.એમ. ભટ્ટ, પો. હેડ કોન્સ. મયુરભાઈ પટેલ, જગમાલભાઈ ખટાણા, સંતોષભાઈ મોરી, જયસુખભાઈ હુંબલ, ભરતસિંહ ગોહિલ, સંજયભાઈ રૂપાપરા, પો. કોન્સ. ઈન્દુભા જાડેજા તથા હાર્દિકસિંહ પરમાર સહિતના સ્ટાફે લૂંટારૂઓને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા. જ્યારે બાતમી આધારે હરેશ પરસોતમ મકવાણા (ઉ.વ.૨૭, રહે. શાપર-વેરાવળ, ખોડીયાર હોટલ પાછળ, ઓરડીમાં ભાડે) અને સગીરને અમદાવાદથી ઝડપી લીધા હતા.

બાદ એ. ડીવીઝન પોલીસ મથકના પીઆઇ ઓડેદરા, રાઇટર રણજીતસિંહ, વિજયસિંહ સહિતે સૂત્રધાર અક્ષય ઉર્ફે તોતો પ્રભુદાસભાઇ ગોહેલ (ઉ.ર૮) (રહે. રપ વારીયા કવાર્ટર, કોઠારીયા રોડ) ને  નવા બસ સ્ટેશન પાસેથી ઝડપી લીધો હતો. પુછપરછ દરમ્યાન અક્ષય તોતો એકટીવા પાછળ બેઠો હતો. લુંટ ચલાવ્યા બાદ તે અમદાવાદ ભાગી ગયો હતો.

તેણે શોરૂમના કર્મચારીની આંખમાં મરચુ છાંટયુ હતું. પોલીસે અક્ષય પાસેથી એક મોબાઇલ ફોન અને બે સીમકાર્ડ તથા રૂ. ૩૦૦૦ રોકડા કબ્જે કર્યા હતાં. બાદ તેને રીમાન્ડ માટે રજૂ કરાશે. (પ-૩ર)

(3:56 pm IST)