Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

અનંતનાગમાં ડો. પુરૂષોતમ પીપળીયાની મોટરને કાશ્મીરીઓએ 'કવર' આપ્યું

પોલીસ સાથે ભારે પથ્થરમારો ચાલુ પણ ટુરિસ્ટો હેમખેમઃ એક પણ પથ્થર લાગ્યો નહિ

રાજકોટ, તા. ૧૯ :. રાજકોટની જાણીતી આરસીસી બેન્કના સીઈઓ અને 'કાયદે આઝમ'ના હુલામણા નામથી ભારે ચાહના ધરાવનાર ડો. પુરૂષોતમ પીપળીયા તેમના પત્નિ અને પૌત્ર-પુત્રવધુ સહિત પરીવાર લેહ, લડાખ, કારગીલ, કાશ્મીરના પ્રવાસે હાલમાં ગયો છે.

દરમિયાન ગઈકાલે લેહ, લડાખથી પરત આવ્યા પછી અનંતનાગથી શ્રીનગર આવી રહ્યા હતા ત્યારે ડો. પુરૂષોતમ પીપળીયાની અર્ટીગો મોટર ભારે પથ્થરમારામાં ફસાઈ ગયેલ.

પોલીસ અને લોકોના ટોળા વચ્ચેની અથડામણ દરમિયાન અનંતનાગના લોકોએ આ ટુરિસ્ટ મોટરને કોર્ડન કરી રક્ષણ આપેલ અને એક પણ પથ્થર વાગે નહિ તેની પુરી કાળજી લઈ અનંતનાગમાંથી પસાર કરાવી આપેલ. મોટર પાછળ પોલીસ જવાનો પણ દોડયા હતા.

ડો. પુરૂષોતમ પીપળીયાનો આજે તેમના ક્ષેમકુશળ પૂછવા રૂટીન સંપર્ક સાધતા તેમણે ઉપરોકત વિગતો આપતા કહેલ કે અહીં પોલીસ ઉપર સતત પથ્થરમારો થાય છે પરંતુ ટુરિસ્ટો સાથે કોઈ ગેરવર્તાવ થતો નથી, ઉલ્ટાની પુરી સાર-સંભાળ, સલામતી અપાય છે.

ડો. પુરૂષોતમ પીપળીયા અને પરિવાર છેલ્લા પખવાડિયાથી કાશ્મીર, લેહ, લડાખ ઘૂમે છે. આજે શ્રીનગર લતીફ ચાચાના મહેમાન બન્યા છે અને કાલે રાજકોટ આવવા રવાના થશે. આખી મુસાફરી રાજકોટથી જે અર્ટીગો મોટરમાં ગયેલ તેમાં જ પુરી કરી છે.

ડો. પુરૂષોતમ પીપળીયા કાશ્મીર અને લેહ-લડાખના ભોમિયા ગણાય છે. ૫૦થી વધુ વખત કાશ્મીર જઈ આવ્યા છે. તેઓ મોટા ગજાના બેન્કર, વિશ્વ પ્રવાસી અને એવા જ સારા તસ્વીરકાર-વિડીયોગ્રાફર છે. આપ પણ ડો. પુરૂષોતમ પીપળીયા (૦૯૪૨૭૨ ૨૦૫૪૪) ને અભિનંદન પાઠવી શકો છો.

 

(2:46 pm IST)