Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ માટે જંગ : હાઇકમાન્ડ 'વહેમ'માં રહે તો બળવો

૧૭ પાટીદાર, ૯ કોળી, ર આહીર, ર અનુસૂચિત જાતિના સભ્યો ચૂંટાયેલા છે : કોંગ્રેસમાં ૩ જૂથ સક્રિયઃ અલ્પાબેન ખાટરિયા, ભાવનાબેન ભૂત, રેખાબેન પટોળિયા, હંસાબેન વૈષ્ણવ, રેખાબેન સાકરિયા, કિરણબેન આંદીપરા, હેતલબેન સાકરિયા વગેરે નામ ચર્ચામાં

રાજકોટ, તા. ૧૯ : રાજય સરકારે જાહેર કરેલ નવા ટોરેશન મુજબ રાજકોટ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત થયું છે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન છે. ૩૬ પૈકી ૩૪ સભ્યો કોંગ્રેસના અને ર સભ્યો ભાજપના ચૂંટાયેલા છે. પ્રમુખ પદ માટે અને કારોબારીના અધ્યક્ષ પદ માટે કારોબારીના અધ્યક્ષ પદ માટે અત્યારથી જ ખેંચતાણ શરૂ થઇ ગઇ છે. ચૂંટણી જુનના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં આવી રહી છે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ ત્રણ જૂથમાં વહેચાયેલી છે. અત્યારની સ્થિતિ જોતા કોંગ્રેસ હાઇકમાન્ડ વહેમમાં રહે તો પ્રમુખ પદ અને કારોબારી ચેરમેન પદ માટે બળવો થાય તેવા બળવાન સંજોગો છે. રાજકોટની પસંદગીમાં હાઇકમાન્ડની અગ્નિ પરીક્ષા થઇ જશે.

જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં ૧૭ પાટીદાર, ૯ કોળી, ર આહીર, ૪ અનુસૂચિત જાતિ, ૧ કારડીયા રાજપૂત તેમજ ૧ આદિવાસી સભ્યો ચૂંટાયેલા છે. ભાજપના બે મહિલા સભ્યો પૈકી એક ક્ષત્રિય અને એક લેઉવા પાટીદાર છે. પ્રથમ અઢી વર્ષ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ પદે અનુક્રમે પાટીદાર, કોળી અને આહીર સભ્ય રહ્યા છે.

જેને પ્રથમ ટર્મમાં પદ અપાઇ ગયું છે તેને હવે નહિ આપવાની ચર્ચાતી વાત મુજબ નોરીપીટ થિયરી આવે તો તમામ નવા ચહેરાને સ્થાન મળશે. હાલની સ્થિતિ મુજબ પ્રમુખ પદ માટે અડધો ડઝનથી વધુ નામ ઉપસે છે. જ્ઞાતિ, ભૂગોળ અને વ્યકિતગત ક્ષમતા પસંદગીમાં મહત્વનો ભાગ ભજવશે.

પ્રમુખ પદ માટે અલ્પાબેન એ. ખાટરિયા, ભાવનાબેન ભૂત, રેખાબેન પટોળિયા, કિરણબેન આદિપરા, હંસાબેન વૈષ્ણવ, શિલ્પાબેન મારવાણીયા, અર્ચનાબેન સાકરિયા, હેતલબેન ગોહેલ વગેરે નામ ચર્ચાવા લાગ્યા છે. કોંગ્રેસમાં હાલ જ્ઞાતિ આધારિત ત્રણ જૂથ સક્રિય છે. ત્રણેયએ પ્રમુખ પદ અને કારોબારી અધ્યક્ષ પદ મેળવવાની કવાયત કરી છે. ટુંક સમયમાં નિરીક્ષકો સેન્સ લેવા આવે ત્યારે જુથવાદ સ્પષ્ટ દેખાઇ આવશે.

ત્રણેય જુથે પદાધિકારીઓની પસંદગીમાં પોતાનું ધાર્યું ન થાય તો ધોકો પછાડવાની તૈયારી રાખી છે. ત્રણ પૈકી કોઇ બે જુથ સમય-સંજોગો મુજબ સગવડીયું સમાધાન કરી શકે છે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે યોગ્ય આગોતરા આયોજનનો આભાવ બળવો નોતરી શકે છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં હવે મહિલા પ્રમુખ : અકિલાએ ૨૯ ડીસેમ્બરમાં વર્તારો આપેલ

રાજકોટ : રાજય સરકારે પંચાયત પ્રમુખોના રોટેશન જાહેર કર્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત થયું છે. સૌ પ્રથમ અકિલાએ તા. ર૯ ડીસેમ્બર ર૦૧૭ના દિવસે શહેર આવૃતિના પ્રથમ પાને આ અંગેના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતાં. (૮.૧૦)

(3:59 pm IST)