Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

ટૂંક સમયમાં ટેલી મેડિસીન દ્વારા કોરોનાના દર્દીની સારવાર શરૂ કરાશે

લોકો ખુદ સાવચેત રહે અને પરિવાર, સમાજને સાવચેત કરે : IMAનું સ્‍તુત્‍ય પગલું: ૩૭ હોસ્‍પિટલોમાં ૬૦૦ બેડ ઉપલબ્‍ધ કરાવ્‍યા, ગુજરાતમાં સૌપ્રથમ બાળદર્દી માટે ICUના બેડની કોવિડ હોસ્‍પિટલ શરૂ કરાઇઃ સમરસ અને યુનિ.ના કોવિડ સેન્‍ટરમાં તબીબોની વિનામુલ્‍યે સારવાર

રાજકોટ, તા., ૧૯: છેલ્લા એક વર્ષથી વધુ સમયથી દેશમાં કોરોના મહામારી સંકટ સમયે ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન-રાજકોટના તબીબોની ટીમ સતત લોકોના તનઅમનને દુરસ્‍ત રાખવા પ્રયત્‍ન કરી રહી છે. સરકારની સાથે રહી રાજકોટના તબીબો જીવના જોખમે પણ સતત લોકોને કોરોના સામે લડવા પ્રોત્‍સાહીત કરવા સાથે ઉતમ સારવાર મળી રહે એ માટે અથાગ મહેનત કરી રહીયા છે અને હજુ પણ લોકોની જરૂરીયાત વખતે તબીબો તેમની સાથે જ છે. મુખ્‍યમંત્રીની તમામ અપીલને તાત્‍કાલીક પ્રતિસાદ આપતા રાજકોટના તબીબો દ્વારા કોવીડ હોસ્‍પીટલ, કોવીડ કેર સેન્‍ટર,વેકસીનેશન કેમ્‍પ, ટેલી મેડીસીન, સરકારી કોવીડ હોસ્‍પીટલમાં વિનામુલ્‍યે સેવા સહીત તમામ પ્રકારે સાથ સહકાર આપવામાં આવી રહયો છે. એમ ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન રાજકોટના પ્રમુખ અને જાણીતા ગેસ્‍ટ્રોએન્‍ટોલોજીસ્‍ટ ડો. પ્રફુલ કમાણી અને સેક્રેટરી ડો.દુષ્‍યંત ગોંડલીયાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે.

રાજકોટ આઇ.એમ.એ. દ્વારા ગુજરાતના તબીબોને રાહ ચિંધતી કામગીરી કરવામાં આવી રહી છે. જેની મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તાજેતરમાં વિડીયો કોન્‍ફરન્‍સમાં પ્રશંસા કરી હતી અને કોન્‍ફરન્‍સમાં ઉપસ્‍થિત ગુજરાતના તમામ તબીબી સંગઠનોને આમાથી શીખ લેવા અપીલ કરી હતી. રાજકોટના ૧૫ સિનીયર તબીબોની કોર ટીમ દ્વારા સતત કોરોના મહામારીની સારવાર અને તેની વ્‍યવસ્‍થા માટે ધ્‍યાન રાખવામાં આવી રહયું છે. આ કોર ટીમ રોજ વિડીયો કોન્‍ફરન્‍સ દ્વારા રાજકોટની પરિસ્‍થિતિ વિશે ચર્ચા-વિચારણા કરે છે. અને સરકાર સાથે સંકલન કરી જરૂરી તમામ સવલતો ઉભી કરી રહયા છે એમ પુર્વ રાષ્‍ટ્રીય ઉપપ્રમુખ અને જાણીતા પેથોલોજીસ્‍ટ ડો. અતુલ પંડયાએ જણાવ્‍યું છે.

ડો. પ્રફુલ કમાણીએ જણાવ્‍યું છે કે, હાલના સમયમાં કોરોના ભયંકર સ્‍વરૂપ ધારણ કર્યુ છે. ત્‍યારે લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળે છે.લોકોએ ગભરાવાની જરૂર નથી પણ સાવચેત બનવાની ખાસ જરૂર છે. લોકોએ પણ કોરોના ગાઇડ લાઇનનું સંપુર્ણ પાલન કરી પુરતો સહકાર આપવો જરૂરી છે. અત્‍યારે કોરોના કેસ ખુબ વધ્‍યા છે પણ એમાંથી મોટા ભાગના કેસમાં હોમ આઇસોલેશન હેઠળ દર્દીને ઘરે જ રહી સારવાર કરીએ તો પણ સારૂ થઇ જાય છે. એટલે લોકોએ આમ તેમ દોડાદોડી કરવાની જરૂર નથી. કોરોના પોઝીટીવ આવે એટલે દર્દીએ પ્રોપર ડોકટરનો સંપર્ક કરી તેમની સલાહ મુજબ ઘરે રહી પોઝીટીવ એકટીવીટી દ્વારા સમય પસાર કરે. હાલ કોરોનાનો ભરડો વધુ ભયંકર બન્‍યો છે. આ વખતેના ટ્રેન્‍ડમાં નાના બાળકો થી લઇ પરીવારના વડીલો સુધીના આખા પરીવારો કોરોના સંક્રમીત થતા કરી કોરાના સંક્રમીત થતા હોવાનું દેખાય છે. ત્‍યારે લોકો માનસીક રીતે મજબુત બને એ જરૂરી છે. માસ્‍ક, સેનેટાઇઝર અને સોશ્‍યલ ડીસ્‍ટન્‍સીંગના નિયમોનું  મનથી પાલન કરી કોરોના સાથે જીવતા આપણે શીખવું પડશે. કોરોનાના નવા નવા સ્‍વરૂપ દેખાડી રહયો છે પણ તબીબો પણ કોરોનાની સંપુર્ણ સારવાર માટે સજજ છે એટલે લોકોને ગભરાવાની જરૂર નથી. લોકો ફકત ખુદ સાવચેત રહે અને પરીવાર, સમાજને  સાવચેત રાખે એ પણ જરૂરી છે. કોરોનાના કારણે દર્દી અને તેના પરીવારના લોકો માનસીક રીતે ભાંગી પડતા હોવાનું અનેક કેસમાં સામે આવ્‍યું છે.  આવા સમયે અમે તબીબો દર્દીની સારવાર તો કરીએ જ છીએ સાથે સાથે દર્દી અને પરીવારનું મનોબળ મજબુત બને એ માટે પણ અમારા સિનીયર તબીબોની ટીમ કાર્યરત છે. ટુંક સમયમાં અમો ટેલી મેડીસીન દ્વારા કોરોના દર્દીની સારવાર શરૂ કરવાના છીએ. કોરોનાની સારવારથી કોઇ વંચીત ન રહે એ માટે અમારી ટીમ સરકારી તંત્ર સાથે સતત ખડેપગે હાજર છે અને બનતા તમામ પ્રમાસો કરી સારવાર આપવા અમો કટીબધ્‍ધ છીએ. સરકાર દ્વારા હાલ કોરોના વેકસીનેશન કરવામાં આવ્‍યું છે. તેનો વ્‍યાપ વધે અને વધુને વધુ લોકોને કોરોના વેકસીન આપી શકાય એ માટે પણ અમારા પ્રયાસો રહેશે.

 લોકો કોરોના સંક્રમીત બને જ નહી એ માટે પણ અમો સતત જાગૃતીના પ્રયાસો કરતા રહીશં. અને છતા પણ કોરોનાના સંક્રમણનો ભોગ બનશે તો સારવાર માટે તબીબો ખડેપગે રહેશું. કોરોના સામે આપણે સતત લડતા રહીશું અને તંત્રની સાથે રહી જરૂરી તમામ મદદ કરીશું.

ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશનના પુર્વ પ્રમુખ ડો.જય ધિરવાણીએ જણાવ્‍યું છે કે માર્ચ મહિનાના અંતથી રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધવાનું શરૂ થયુ એવા સમયે સરકાર દ્વારા કોરોના વેકસીનેશન ડ્રાઇવ પણ ચાલુ છે. આ વેકસીનેશનને વેગ આપવાની જરૂર લાગતા ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશનની ટીમ દ્વારા વિવિધ આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાત કરવામાં આવી હતી અને સરકાર સાથે સંકલન કરી વેકસીનેશન માટે જરૂરી મેડીકલ અને પેરા મેડીકલ સ્‍ટાફની વિનામુલ્‍યે સેવા ઉપલબ્‍ધ કરાવી હતી. ડો. જય ધિરવાણી અને ડો.રૂકેશ ઘોડાસરાના માર્ગદર્શન હેઠળ નર્સીગ, મેડીકલ અને પેરા મેડીકલ સ્‍ટાફના ૮પ જેટલા લોકો છેલ્લા ૧૩ થી વધુ દિવસથી વેકસીનેશન ડ્રાઇવમાં માનદ સેવા આપી રહયા છે.

ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશનના સેક્રેટરી જાણીતા રેડિયોલોજીસ્‍ટ ડો. દુષ્‍યંત ગોંડલીયાએ જણાવ્‍યું છે કે, તાજેતરમાં રાજયના મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે ઇન્‍ડીયન મેડિકલ એસોસીએશનના રાજયભ ભરના હોદેદારો સાથે વિડીયો કન્‍ફોરન્‍સ થઇ હતી જેમાં મુખ્‍યમંત્રીએ ખાનગી કોવિડ હોસ્‍પિટલ અને કોવિડ કેર સેન્‍ટર જલ્‍દી ચાલુ કરવા અપીલ કરી હતી, જેના અનુસંધાને ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટમાં તાત્‍કાલીક અસરથી ૩૭ કોવિડ કેર હોસ્‍પિટલ શરૂ કરી ૬૦૦ જેટલી બેડની વ્‍યવસ્‍થા પુરી પાડવામાં આવી છે અને હજુ પણ બને એટલી વધુ હોસ્‍પિટલ શરૂ કરવા પ્રયત્‍નશીલ છીએ. ગુજરાતમાં સૌ પ્રથમ બાળ દર્દીઓ માટે આઇ. સી. યુ. માં ૧૦૦ બેડની વ્‍યવસ્‍થા રાજકોટ આઇ. એમ. એ. દ્વારા કરવામાં આવી છે. ડો. અતુલ પંડયા, ડો. જય ધિરવાણી, ડો. ચેતન લાલસેતા, ડો. તેજસ કરમટાના માર્ગદર્શન હેઠળ રાજકોટમાં વધુ હોસ્‍પિટલ અને બેડની સુવિધા વધારવાના પ્રયાસો થઇ રહ્યા છે. ડો. પારસ ડી. શાહ કોવિડ હોસ્‍પિટલ, કોવિડ કેર સેન્‍ટરની સુવિધા વધારવા માટે સતત કો. ઓર્ડિનેટર તરીકે કાર્યરત છે.

અત્‍યારે કોરોનાના કેસ ખૂબ વધ્‍યા છે, ઓકસીજન, બેડ, ઇન્‍જેકશનની સતત તંગી વર્તાઇ રહી છે એવા સમયે લોકોને વધુ પેનીક બને એ સ્‍વાભાવિક છે. જિલ્લા કલેકટર દ્વારા સમરસ કોવિડ હોસ્‍પિટલ અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ખાતે કોવિડ કેર સેન્‍ટર તાત્‍કાલીક શરૂ કરવામાં આવ્‍યા છે. તંત્ર દ્વારા માળખાકીય સુવિધા ઉભી કરવામાં આવી છે અને ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા તબીબી સુવિધા  વિનામુલ્‍યે ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. આ બન્ને સેન્‍ટર માટે ર૦૦ જેટલાં તબીબોની ટીમ બનાવવામાં આવી છે. સમરસ કોવિડ હોસ્‍પિટલમાં દરરોજ ૪ તબીબ દર્દીને તપાસી યોગ્‍ય સારવાર કરે છે અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કોવિડ કેર સેન્‍ટરમાં પણ આઇ. એમ. એ.ના તબીબો દરરોજ નિયમિત સેવા આપી રહ્યા છે.

ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા કોવિડ કેર માટે તબીબોની ટીમો બનાવવામાં આવી છે. જેમાં ફિઝીશ્‍યન એસોસીએશનના પ્રમુખ ડો. પ્રશાંત ત્રિવેદી, એનેસ્‍થેસીયા એસોસીએશનના ડો. હેતલ વડેરા, પ્રેસીડન્‍ટ ડો. ધર્મેન્‍દ્ર અમૃતિયા, સેક્રેટરી ડો. મંગલ દવે, સર્જન્‍સ એસોસીએશનના ડો. આશીષ જસાણી, ડો. અમીષ મહેતા, ઓર્થોપેડીક એસોસીએશનના પ્રેસીડન્‍ટ ડો. નરસી વેકરીયા, સેક્રેટરી ડો. કેતન શાહ, ક્રિટીકલ કેર એસોસીએશન, પિડીયાટ્રીક તબીબ એસોસીએશન, ગાયનેક એસોસીએશનના પ્રેસીડન્‍ટ ડો. મનિષા મોટેરીયા, સેક્રેટરી ડો. રૂકેશ ઘોડેસરા, ઇ. એન. ટી. એસોસીએશન, ઓપ્‍થેલ્‍મીક તબીબ એસોસીએશન સહિત તમામ તબીબી ફેકલ્‍ટીના તબીબો સતત કાર્યરત છે.

ઇન્‍ડીયન મેડીકલ એસોસીએશન રાજકોટના પ્રમુખ જાણીતા ગેસ્‍ટ્રોએન્‍ટોલોજીસ્‍ટ ડો. પ્રફુલ કમાણી, સેક્રેટરી જાણીતા રેડીયોલોજીસ્‍ટ ડો. દુષ્‍યંત ગોંડલીયા, રાષ્‍ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, ગુજરાત આઇ. એમ. એ.ના ઉપપ્રમુખ ડો. રશ્‍મી ઉપાધ્‍યાય, આઇ. પી. પી. ડો. જય ધીરવાણી, પ્રેસીડન્‍ટ ઇલેકટ ડો. સંજય ભટ્ટ, પૂર્વ પ્રમુખ ડો. ચેતન લાલસેતા, ડો. પારસ ડી. શાહ, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. તેજસ કરમટા, ડો. મયંક ઠકકર, ડો. જયેશ ડોબરીયા, ગુજરાત આઇ. એમ. એ. ના પૂર્વ ઉપપ્રમુખ ડો. ભરત કાકડીયા, ડો. હિરેન કોઠારી, ડો. અમીત હપાણી, ડો. એમ. કે. કોરવાડીયા, ડો. ભાવિન કોઠારી, આઇ. એમ. એ. -રાજકોટના ઉપપ્રમુખ ડો. દેવેન્‍દ્ર રાખોલીયા, ડો. કીર્તીભાઇ પટેલ, ડો. કાંત જોગાણી, પૂર્વ પ્રમુખ ડો. દિપેશ ભાલાણી, ડો. ભાવેશ સચદે, ડો. નીતીન લાલ, ડો. વિપુલ અઘેરા, ડો. કમલેશ કાલરીયા સહિત તબીબોની ટીમ કોરોના સારવારની વ્‍યવસ્‍થા માટે સતત કાર્યરત છે. સીનીયર તબીબો ડો. એસ. ટી. હેમાણી, ડો. ડી. કે. શાહ, ડો. પ્રકાશ મોઢા, ડો. સુશિલ કારીયાનું  સતત માર્ગદર્શન મળી રહયું છે. આઇ. એમ. એ. ના મિડીયા કો. ઓર્ડીનેટર તરીકે વૈભવ ગ્રુપના વિજય મહેતા સેવા આપે છે.

(4:21 pm IST)