Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

'ચાલો ધરતી માતાને ઝેર મુકત કરીએ' : ભુમિ સુપોષણ અને સંરક્ષણ અભિયાન વેગવંતુ

પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. કથીરિયાના માર્ગદર્શન હેઠળ અક્ષય કૃષિ પરિવાર દ્વારા અનેકવિધ કાર્યક્રમો

રાજકોટ તા. ૧૯ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત અને અક્ષય કૃષિ પરિવાર દ્વારા દેશભરમાં તા.૧૩ એપ્રિલથી ભુમિ સુપોષણ અને સંરક્ષણ અર્થે રાષ્ટ્રીય જનજાગરણ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. આ અર્થે પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઇ કથીરિયાના માર્ગદર્શન હેઠળ તાજતેરમાં કામધેનુ યુનિવર્સિટીના તજજ્ઞો માટે એક વેબીનાર ગોઠવવામાં આવ્યો હતો.

અક્ષય કૃષિ પરિવાર, આઇસીએઆર અટારી અને પુનાના સંયુકત ઉપક્રમે યોજાયેલ આ વેબીનારમાં અધ્યક્ષીય પ્રવચન કરતા કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો આ અભિયાનને ગામે ગામ પહોંચાડે તેવી અપીલ કરેલ. દરેક કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ગૌશાળાના ડેમો યુનિટ સાથે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત-બાયો ફર્ટીલાઇઝર, બાયો પેસ્ટીસાઇડ અને ઘન જીવામૃત બનાવવાનું પ્રશિક્ષણ આપશે. મેડ પે પેડ યોજના અંતર્ગત ઘનીષ્ઠ વૃક્ષારોપણ અને જળ સંરક્ષણના કાર્યો માટે પણ ખેડુતોને પ્રણા અપાશે. ટુંકમાં ધરતી માતાનને ઝેર મુકત કરવા અને ઓર્ગેનીક ખેતીને પ્રોત્સાહન આપવા આ અભિયાન હાથ ધરાયુ છે.

વેબીનારમાં આઇ.સી.એ.આર. ડાયરેકટર જનરલ ડો. ત્રિલોચન મહાપાત્રએ પણ વિવિધ સુચનો કર્યા હતા. આઇસીએઆરના ડે. ડાયરેકટર જનરલ ડો. અશોકકુમાર સિંઘ, કામધેનુ યુનિ. ગુજરાતના વાઇસ ચાન્સેલર ડો. એન. એચ. કૈલાવાલા તેમજ અક્ષય કૃષિ પરિવારના રાષ્ટ્રીય સદસ્ય અજીત કેલકરજીએ પ્રાસંગીક પ્રવચન કરી ગૌ આધારીત ખેતી અંગે માર્ગદર્શન આપેલ. અંતમાં આભારવિધિ અટારી પૂણેના ડાયરેકટર ડો. લાખનસિંઘે કરી હતી.

(4:13 pm IST)