Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

રાજકોટમાં ૧૦૮ ની ૧૬ એમ્બ્યુલન્સની રાઉન્ડ ધી કલોક સેવા : સતત દોડે છે

રાજકોટ, ૧૮ : કોઈ ગંભીર અકસ્માત સમયે ૧૦૮ નંબર પર ફોન કરી એમ્બ્યુલન્સની મદદ મંગાતી હોય છે. કયારેક ઇમર્જન્સીમાં કોલ કરી દવાખાને જવા ૧૦૮ને બોલાવવામાં આવે છે, પણ છેલ્લા કેટલાક દિવસોમાં ૧૦૮ એમ્બ્યુલન્સની કામગીરીનું સ્વરૂપ બદલાઈ ગયું છે.

હાલની પરિસ્થિતિમાં ૧૦૮ ને કોરોનાના દર્દીઓ પણ કોલ કરી મદદ માટે બોલાવે છે. ખાસ કરીને જેની સ્થિતિ ગંભીર હોય તેમના માટે ઓકિસજન સુવિધા સાથેની ૧૦૮ બને છે લાઈફ લાઈન. ૧૦૮ એમ્બ્યુલન્સમાં મેડિકલ ટીમ, દવા ઉપરાંત ઓકિસજન માસ્ક સાથેની ઈમરજન્સી સુવિધા ઉપલબ્ધ હોય છે. જેનો મહતમ ઉપયોગ આજકાલ કોરોનાના દર્દીઓને ઘરેથી લઈ જઈ તેઓ જયાં સુધી દાખલ ન થાય ત્યાં સુધી ૧૦૮ માં જ ઓકિસજનની સુવિધા સારવાર મળી રહે, તે માટે કરવામાં આવે છે.

રાજકોટની વાત કરીએ તો કુલ ૧૬ એમ્બ્યુલન્સ ૧૦૮ તરીકે કાર્યરત છે, જે પૈકીના ૧૦ વાહનો ૨૪ કલાક અને ૬ વાહનો ૧૨ કલાક ફરજ બજાવે છે. ૨૪ કલાક ફરજ બજાવતી એમ્બ્યુલન્સમાં ૨૫ લીટરની કુલ ત્રણ ઓકિસજનની બોટલ હોય છે. જયારે ૧૨ કલાક ફરજ બજાવતી ગાડીઓમાં બે બોટલ હોવાનું 108 ના કો-ઓર્ડીનેટર શ્રી વિરલ ભટ્ટ જણાવે છે.

હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ હંગામી ધોરણે ચૌધરી હાઈસ્કૂલ ખાતે એક બેકઅપ વાન ઉપલબ્ધ  રાખવામાં આવી છે. જેમાં ઓકિસજનની બોટલનો સ્ટોક હોય છે. જેવી ૧૦૮ આવે એટલે તેની ખાલી બોટલ લઈ તેમને ભરેલી બોટલ આપી દેવામાં આવે છે. બધી ખાલી બોટલો ભેગી કરી મેટોડા સ્થિત પ્લાન્ટ ખાતે જઈ તે તમામ બોટલ રીફીલ કરાવી લેવામાં આવતી હોવાનું વિરલભાઇએ જણાવેલ છે.

(4:09 pm IST)