Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

મવડી પ્લોટની પહેલ : જયુબેલી અને ધર્મેન્દ્ર રોડ શાકમાર્કેટ તેમજ ગાંધીગ્રામ એસ.કે. ચોક વેપારી મંડળ પણ બપોર બાદ ધંધા બંધ રાખવા આગળ આવ્યુઃ જાતે જ લોકડાઉનઃ આખુ રાજકોટ અનુસરે તો કેવુ સારૂ

રાજકોટ : કોરોનાએ કેર વર્તાવવાનું શરૂ કર્યુ છે. પરિસ્થિતિ ખુબ વકરી છે. દરરોજ વધતા જતા કેસ અને મૃત્યુના આંકડાઓથી જન જન ચિંતિત બન્યો છે. સરકારી તંત્ર અને તબીબો શકય એટલા પ્રયાસો કરી રહ્યા છે. છતાય કયાંય પહોંચી ન વળાય તેવી સ્થિતિ રાજકોટમાં સર્જાઇ છે. એમ્બ્યુલન્સોની રઝળપાટ અને હોસ્પિટલમાં દર્દીઓની ભીડના દશ્યો હવે સામાન્ય થઇ ગયા છે. ત્યારે કોરોનાની ચેઇનને તોડવા એક માત્ર હાથવગો ઉપાય લોકડાઉનનો છે. શહેરના મવડી પ્લોટ વેપારી એસોસીએશને આ પહેલ કરી બતાવી છે. જાતે જ એસોસીએશને નિર્ણય લઇ તા. ૧૮ ના રવિવારે આખો દિવસ મવડી મેઇન રોડ પરના તમામ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. શાક માર્કેટના ધંધાર્થીઓનો પણ સહયોગ મળ્યો હતો. આ માટે મવડી પ્લોટ વેપારી એસોસીએશનના સર્વશ્રી વૈભવભાઇ બોરીચા (જયોતિ ગ્રુપ), મહેશભાઇ સાવલીયા (શિવ શકિત પ્રોવિઝન), જયેશભાઇ ચાંગાણી (રાધીકા સ્ટીલ વાસણ) દ્વારા મવડી વિસ્તારના વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આ બાબતે માલવીયાનગર પોલીસને જાણ કરી તેમનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો. ત્યારે આવુ અનુકરણ આખુ રાજકોટ કરે તો કેવું સારૂ એવો સવાલ સૌના મનમાં ઉઠી રહ્યો હશે. જો કે જયુબેલી શાકમાર્કેટ, ધર્મેન્દ્રરોડ શાકમાર્કેટ, ગાંધીગ્રામમાં એસ.કે. ચોક વેપારી સંગઠને પણ બપોર બાદ ધંધા રોજગાર બંધ રાખવા સ્વૈચ્છિક નિર્ણયો જાહેર કર્યા છે. તે સરાહનીય ગણી શકાય. સૌકોઇ આ રીતે જો સ્વૈચ્છીક બંધ પાળવા લાગશે અને બીન જરૂરી બહાર નિકળવાનું ટાળતા રહેશે તો કોરોના સામેની યાતનામાંથી જરૂર બહાર આવી શકીશુ. તસ્વીરમાં મવડી પ્લોટ વેપારી એસોસીએશનની અપીલને માન આપી સૌએ ધંધા રોજગાર બંધ રાખતા સુમસામ રસ્તાઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:13 pm IST)